ચમકતો તારલો
ચમકતો તારલો
કોલેજકાળમાં મિત્રો સાથે આવતાં - જતાં ત્યારે દિવ્યાંગો સાથે થોડી મજાકમાં, હું પણ સહભાગી થતો. યુવાન અવસ્થામાં પણ દરેકનું અવલોકન કરવાની ટેવ હતી. ત્યારે દિવ્યાંગ વિશે મારી સમજ પણ ઓછી હતી.
ડાયટ વડોદરામાં અધ્યાપક દિવ્યાંગ આવવાના હતા. જેથી સ્ટાફ મિત્રો પણ સૂગ ધરાવતાં હતાં. સૌ નારાજ હતાં. આ બધી ચર્ચા અધ્યાપકો પાસે સાંભળી હતી. મને પણ અંદરથી દિવ્યાંગ અધ્યાપકનું અવલોકન કરવાની ઈચ્છા હતી.
પ્રથમવાર પ્રાર્થના સંમેલનમાં તેમને પરિચય આપતાં જોયા ત્યારે જ હું તેમનાથી પ્રભાવિત થઈ ગયો. "હું યાહ્યા સપાટવાલા, આજે અધ્યાપક તરીકે મારી અહીંયા નિમણૂક થઈ છે. મારું ગુજરાતી વિષયમાં 'કહેવતો' વિશે પી. એચ.ડી. ચાલુ છે." આંખોમાં સંપૂર્ણ અંધત્વ હોવા, છતાંપણ કોઈના સહારા વિના ઊભા થઈ, તેમણે પોતાનો પરિચય સ્મિત સહિત, સ્પષ્ટ ઉચ્ચારણ સાથે આપ્યો.
નિયમિત પ્રાર્થના સંમેલનમાં તેમની હાજરી રહેતી. કંઇક નવીન રજૂઆત કરતાં હતાં. ભાષામાં તેમનું પ્રભુત્વ સારું હતું. વર્ગખંડમાં પોતાના વક્તવ્ય દરમિયાન પણ રૂમમાં કોઇક આવે તો તેમને જાણ થઈ જતી. વર્ગખંડમાં પણ તેમનું નિયંત્રણ રહેતું. એકવાર પ્રાચાર્યશ્રી વર્ગખંડમાં અવલોકન માટે આવેલ હતાં. તેમને જોઈને તેમને કહ્યું, "નમસ્તે સર" આજ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો. પછીતો નિત્ય ક્રમ થઈ ગયો, પહેલાં 'યાહ્યા સર'ને મળીને જ પ્રાર્થના સંમેલનમાં જતો.
થોડા જ દિવસમાં હું તેમની ઓફિસમાં પ્રવેશતાં જ મને આવકાર આપી દેતા. આ તેમની સૂઝબૂઝ ઉપર મને ગૌરવ થતું. દરેક કાર્ય ખૂબ જ ઉત્સાહથી કરતાં. તેમને નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું. અઠવાડિયાની મુદતના સમયમાં દરેક તાલીમાર્થીઓએ નિબંધ લખીને ભાગ લીધો. પરંતુ મને એમ કે 'સર'કેવી રીતે પરિણામ તૈયાર કરશે ? એમને તાલીમાર્થીઓની મદદ લીધી, દરેક તાલીમાર્થીના નિબંધનું વાંચન સાંભળે, સાંભળીને ભૂલો પણ બતાવીને, તેની નોંધ કરી, માર્કસ આપે. મોટાભાગના નિબંધોનું વાંચન મેં જ કર્યું. ખરેખર, જે ભૂલો હતી, તે યોગ્ય જ હતી. આ કાર્ય તેમને તટસ્થ રીતે પૂર્ણ કર્યું. આ પછી તો કોલેજમાં સ્ટાફ મિત્રો અને તાલીમાર્થીઓના માનીતા બની ગયાં.
દરેક ઈતર પ્રવૃત્તિઓમાં, દરેકને ભાગ લેવડાવતાં, સૌને આગળ લઈ જવા પ્રયત્ન કરતાં. પોતાના ટોપિકની મોડે સુધી વાંચન કરતાં. એ સમયે પણ ટેપરેકર્ડર અને પ્રોજેક્ટરનો ઉપયોગ કરતાં. સામાન્ય અધ્યાપકની જેમ સહજ રીતે કાર્ય કરી શકતાં હતાં. ટૂંકાગાળામાં જ વડોદરા ડાયટનો આ ચમકતો તારલો શિક્ષણની જ્યોત જગાવી, આજુબાજુના ગામોમાં રજાના દિવસે, સૌને શિક્ષિત કરવા લાગ્યો.
