માનવતાની મહેક
માનવતાની મહેક
૨૬મી જાન્યુઆરીનો દિવસ હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં, તમામ ચીજ - વસ્તુઓ વ્યવસ્થિત કરી, તેની જગ્યાએ ગોઠવણી થતી હતી. તે સમયે મેદાનમાં એક મિનરલ પાણીનો મોટો જગ જોવામાં આવ્યો. તે શાળાનો ન હતો. પૂછપરછના અંતે જાણવામાં આવ્યું કે, " ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આ જગ મૂકેલ છે." છેલ્લે શાળાને બંધ કરી, સૌ છૂટ્ટા પડયાં.
બીજા દિવસે શનિવારની સવારની શાળા હોઈ, ઠંડીનો માહોલ હતો. બાળકો પણ મોડા આવી રહ્યાં હતાં. તે સમયે સાઈકલ લઈને, એક યુવાન આવ્યો. મને કહ્યું, " સાહેબ, મારો પાણીનો જગ. " મેં હાથના ઈશારાથી, તેને જગ બતાવ્યો. તે જગ પાસે ગયો, પાણી ભરેલું હતું. તેથી શાળાનો જગ લઈ, નળ પાસે ધોઈને, તેણે પોતાના જગનું પાણી એમાં ભરી દીધું.
તે ખાલી પાણીનો જગ લઈને, ઘરે જતો હતો, ત્યારે મેં બોલાવ્યો અને તેને કહ્યું," તું પાણીનો જગ શાળામાં કેમ લાવ્યો હતો ? તેને જવાબ આપતા કહ્યું, " સાહેબ, હું ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. ગયા વર્ષે હું ૨૬મી જાન્યુઆરીએ આવ્યો હતો, ત્યારે સૌ પાણી પીવા બહાર જતાં હતાં. તેથી હું મિનરલ પાણીનો જગ લઈને આવ્યો હતો." મને આનંદ થયો અને બીજો પ્રશ્ન પૂછ્યો," હાલ, તું શું કરે છે ?" તેને કહ્યું, " હાલ, હું ભંગારનો ધંધો કરું છું અને સાહેબ પાણીની જ્યારે જરૂર હોય, ત્યારે મને કહેજો. હું સાઈકલ પર પાણીનો જગ મૂકી જઈશ." આમ, કહી તે ચાલતો થયો અને હું મનોમન આ સેવાકીય કાર્યની માનવતાની મહેકને વંદન કરતો રહી ગયો.
