બલિદાન
બલિદાન
" આજની પેઢીને પ્રેમ કરતા આવડે પણ બલિદાન આપતા નહીં ..."
નીલેશના પિતાએ ચર્ચાને સ્વગત અભિપ્રાયનો આકાર આપી આગળ ધપાવી .
અંતિમ ૪૦ મિનિટથી બાપ દીકરા વચ્ચે ચાલી રહેલી ચર્ચા થોડા સમય માટે જાણે થીજી ગઈ.
પિતાના શબ્દોથી નિરુત્તર બનેલ નીલેશની નજર પિતાની ચશ્માં પાછળથી ચળકતી અનુભવી આંખો પર સ્થિર થઇ ગઈ. એનું વ્યક્તિત્વ જાણે શોક્ગ્રસ્ત થઇ ટાઢું પડી ગયું . લાંબા સમયથી નિલેશ તરફથી થઇ રહેલી વણથંભી દલીલોને જાણે અચાનક ધારદાર બ્રેક લાગી ગઈ . જૂની અને નવી પેઢીના પ્રેમ વચ્ચેની સ્પર્ધા જાણે અર્ધ માર્ગે છૂટી ગઈ .
" શું થયું ? સાચું કહ્યુંને ? તમે બધા પ્રેમમાં પડવા જેટલા ઉતાવળિયા, ત્યાગ કરવા માટે એટલાજ શૂન્ય . "
હાથમાંનો કોળિયો મોઢામાં મૂકી એમણે સામે તરફ ગોઠવાયેલા નીલેશને નિહાળ્યો . થોડી ક્ષણો પહેલાનું એનું ઉત્સાહિત શરીર સંપૂર્ણ ઢીલું પડી ગયું હતું . આધુનિક પ્રેમ કરતા એમના સમયનો પ્રેમ સાચા ઉંડાણો અને પરિપક્વતાથી મઢેલો હોય, એ પુરવાર કરવામાં તેઓ આખરે વિજયી નીવડ્યા હતા . સામે તરફ ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયેલો
નિલેશ ગૂંગા મોઢે જમી રહ્યો હતો . પિતાની આંખોનો સંપર્ક એ સક્રિયપણે ટાળી રહ્યો હતો.
દીકરાને નિરુત્તર બનાવી મુકવાનો ગર્વ આગળના વાક્યમાં છલકાઈ આવ્યો .
" અમારા સમયનો પ્રેમ તો અજોડ. એમાં છીછરા પ્રદર્શનો ન હોય. સો સો વ્યક્તિઓ જોડે બ્રેકઅપ કરવાની જગ્યાએ અમને એકજ વ્યક્તિ જોડે સો સો વાર બ્રેકઅપ કરી, દર વખતે સમજણપૂર્વકનું પેચપ કરવું જ વધુ યોગ્ય લાગે . "
નીલેશને એક પણ શબ્દ ઉચ્ચારવો ન હોય, એ રીતે હાર માનેલ સ્પર્ધક જેમ એ માથું નમાવી દરેક શબ્દ સ્વીકારી રહ્યો હતો . સામે તરફથી મેદાન મોકળું મળતા પિતાની દલીલોમાં વધુ ઉત્સાહ ઉમટી રહ્યો હતો .
" તમારી ઇન્સ્ટન્ટ પેઢીએ પ્રેમને પણ ઇન્સ્ટન્ટ કરી મૂકી દીધો છે. પ્રેમ પણ તમારા માટે બે મિનિટમાં ઉકળી જતા નુડલ્સ જેવોજ બની ગયો છે . જોડા કે ચપ્પલમાં સિલાઇનો ટાંકો ન જોવાય. નવી જોડ ખરીદી લેવી એજ તમારો સહેલો માર્ગ. તમારા સંબંધો પણ એવાજ ધીરજવિહીન. સંબંધોને ટાંકા મારવાની સહનશીલતા જ ક્યાં છે તમારામાં ? દર બે ઘડીએ નવા સંબંધો અને જુના બની જાય ' એક્સ ' . વળી એ એક્સ પણ એકાદ નહીં, એની પણ પછી લાંબી યાદી ..."
પિતાના હાસ્યને મોઢાના કોળિયા જોડે નીલેશે ગળા નીચે શાંતિથી ઉતારી દીધું .
" આ બધી નકામી દલીલબાજીઓ કરતા દીકરાને લગ્ન કરવા મનાવતા હોવ તો. હું તો હવે કહી કહીને થાકી . હવે આપણી પણ ઉંમર છે. આવતા મહિને હવે એના પણ ૩૫ થઇ જશે. આ ઉંમરે નહીં તો પછી ક્યારે ? સવારસાંજ સુંદર યુવતીઓના ફોટા લઇ એની આગળ પાછળ ભમું છું. ગઈ કાલે પંડિતજી પણ એક સરસ યુવતીની વાત છેડી ગયા. સુંદર, સંસ્કારી અને શિક્ષિકા છે. સૌથી મહત્વની વાતતો એ કે આપણાજ સમાજની છે. એનાથી વધુ શું જોઈએ ? "
રસોઈ પીરસી રહેલી નીલેશની માતાનો સ્વર ચિંતિત અને તાણયુક્ત હતો. નીલેશના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના પ્રત્યાઘાત પડી રહ્યા ન હતા .
" તારી માં સાચું કહે છે હવે તો આ વિષય અંગે કોઈ નિર્ણય લેવોજ રહ્યો ." પોતાની પત્નીનો સાથ આપતા પિતાના સ્વરમાં ગંભીરતા ડોકાઈ .
નીલેશ હવે અકળાઈ જ ઉઠ્યો, દર વખતની જેમ જ.
" તમને કેટલી વાર સમજાઉં કે મારે લગ્ન ...."
" અરે રાબિયા બેટા, આવ ,આવ ..." નીલેશની માતાના હુલામણા આવકાર જોડે રાબિયા ઘરમાં પ્રવેશી. નીલેશનું વાક્ય જાણે અધૂરુંજ હવામાં વહી ગયું .
નીલેશના માતાપિતાના ચહેરા રાબિયાના અચાનક થયેલા આગમનથી હર્ષથી ખીલી ઉઠ્યા.
" તો શું સમજાવવામાં આવી રહ્યું છે તમને ?" રાબિયાનો સ્વર હળવો વ્યંગ પકડી રહ્યો.
નીલેશની માતાને જાણે એક મજબૂત ટેકો મળી ગયો હોય એ પ્રમાણે રાબિયાના ખભા ઉપર પોતાનો હાથ વહાલપૂર્વક ટેકવી દીધો.
" હવે તારા આ બાળપણના મિત્રને તુજ
સમજાવી શકે છે, રાબિયા . હું અને અંકલ તો હાર્યા . "
" રાબિયાએ પણ અનવર અને આયશા ભાભીની વાત સાંભળી સમયસર સંસાર માંડી દીધો. આવા બાળકો તો ભાગ્યશાળીને જ ઘરે જન્મે. " પિતાની વાતનો કટાક્ષ નીલેશના હૃદયમાં ઊંડો ભોંકાયો હોય એ રીતે ચહેરાના હાવભાવો કઠણ થઇ ઉઠ્યા.
" નીલેશ . અંકલ આંટી સાચું તો કહે છે . હવે તારે ...."
રાબિયા આગળ કઈ ઉચ્ચારે એ પહેલા નીલેશ દાદરો ચઢી ઉપરના માળે પોતાના ઓરડામાં જતો રહ્યો.
" જોયું એનું વર્તન ? " નીલેશના પિતાના શબ્દોમાં તીખાશનો તડકો વર્તાયો .
" અંકલ આંટી તમે ચિંતા ન કરો. એને થોડો સમય આપો. સૌ ઠીક થઇ રહેશે . " રાબિયાના મીઠા શબ્દોનું મલ્હમ નીલેશના માતાપિતાના હય્યાને આશ્વાસનની ટાઢક આપી રહ્યું .
" અને અંકલ તમે પણ તમારા મિત્રને કઈ સમજાવો. આ રમઝાન માસમાં અબ્બુ મીઠું ખાવામાં જરાયે પરેજી કરી રહ્યા નથી . ડાયાબીટીશ કેટલું વધી ગયું છે એમનું . ડોક્ટરની વાતતો જાણે એમને કાને ધરવીજ નથી . હું અને અમ્મી વારેઘડીએ ટોકતા રહીયે છીએ. પરંતુ કોઈ ફાયદો જ નહીં . "
રાબિયાની ફરિયાદ સાંભળતાજ નીલેશના પિતાએ વચનપૂર્વકતા જોડે આશ્વાસન આપ્યું. " તું ચિંતા ન કર , દીકરી. એ નાલાયકના કાન મારેજ મરોડવા પડશે . "
" જમાઈ નહીં આવ્યા ? એમને પણ જોડે લઇ આવતે ? " નીલેશની માતા પ્રેમસભર અધિકાર જોડે પૂછી રહી .
" એ સાંજે આવશે આંટી. ફાતેમાના ટ્યુશન ક્લાસીસ છે. સાંજે પોતાના અબ્બા જોડે આવશે, અને ઈફ્તાર પછી તો અમે નીકળી પણ જઈશું . એમની દુકાનનું કામ અને પછી ઈદની તૈયારીઓ. "
" ઈદ પર હું તારી રાહ જોઇશ. સમય નીકાળીને આવજે. " નીલેશની માતા એ રાબિયાના માથા પર હાથ ફેરવતા કહ્યું .
" ચોક્કસ આંટી . તમારા માટે દૂધપાક લઈને આવીશ. તમે પણ વેરમી બનાવી મુકજો મારા માટે. " રાબિયાએ એક દીકરી જેવા હકથી માંગણી કરી.
" એ તો કઈ કહેવાની વાત છે. જરૂરથી બેટા."
પોતાની જોડે લાવેલી ભેટ નીલેશના પિતાના હાથમાં થમાવતા રાબિયાએ અનુમતિ લીધી.
" અંકલ આંટી હું નીકળું. ઈફ્તાર માટે તૈયારીઓ કરવામાં અમ્મીને હાથ આપવાનો છે."
" અરે ,આ તારુંજ ઘર છે બેટા . અમને મળવા માટે તારે ભેટની ઔપચારિકતાઓમાં ન પડવું . "
અંકલના શબ્દોથી રાબિયાનો અવાજ અચાનક ગળગળો થઇ ઉઠ્યો .
" આ ઔપચારિકતા નથી, પ્રેમ છે ...."
ઘરની બહાર નીકળી રહેલી રાબિયાને પતિ-પત્ની એકજોડે ગર્વથી નિહાળી રહ્યા. મનમાંથી ઘણી બધી દુઆઓ એ દીકરી માટે સહજતાથી ઉભરાઈ રહી .
સાંજે ....
ઈફ્તાર માટે થોડોજ સમય રહ્યો હતો . પોતાના પતિ અને બાળકીની રાહ જોઈ રહેલ રાબિયાની નજર અમ્મી અબ્બાના ઘરની બારીમાંથી બહાર રસ્તા ઉપર મંડાઈ હતી . સામેના મકાનમાંથી નીલેશની નજર એના ઉપર પડી .
બન્ને નજર એક ક્ષણ માટે એક થઇ ગઈ.
જે રીતે વર્ષો પહેલા થઇ હતી.
એક પ્રશ્ન દ્વારા , એક પ્રસ્તાવ થકી ..
રાબિયાનો ઉત્તર નીલેશને આજે વર્ષો પછી પણ એટલોજ સ્પષ્ટ સંભળાયો .
" આપણી વચ્ચે પાંગરી ગયેલો પ્રેમ એક નાનકડા,અચાનક ઉગી નીકળેલા છોડ સમો છે. જયારે આપણા બે પરિવાર વચ્ચેનો પ્રેમ વર્ષો પુરાણું એક વટવૃક્ષ છે. છોડને બચાવવા વૃક્ષના મૂળ ન ઉખેડાય, નીલેશ . "
" અમ્મી ...." રાબિયાની દીકરી, ફાતેમાના અવાજ જોડેજ રાબિયા વિચારોને ખંખેરતી ઘરના દરવાજા તરફ ઉત્સાહથી આગળ વધી.
નીલેશ પણ ધીરે રહી પોતાની બારી વાંસી અંદર તરફ જતો રહ્યો.
બન્ને ઘરની બહાર તરફ, સૂના સન્નાટા ભર્યા રસ્તા ઉપર, દૂરથી એક તરફ મંદિરની આરતીનો અને બીજી તરફ મગરીબની અઝાનનો ધીમો અવાજ હવામાં મિશ્રિત થઇ રહ્યો હતો. એ ધાર્મિક મિશ્રણમાં રાબિયા અને નીલેશનું 'બલિદાન' કોઈની પણ જાણ વિના સહર્ષ પીગળી રહ્યું હતું ....!