ભયાનક ભ્રમજાળ- ભાગ-૨
ભયાનક ભ્રમજાળ- ભાગ-૨


અમાસની અંધારી રાત હતી એ, સાથે ધોધમાર વરસાદ પણ શરુ થઇ ચુક્યો હતો, મેં ઘરે જલ્દી પહોંચવાનું વિચાર્યું. બે રસ્તા હતા એક પૂલનો લાંબો રસ્તો અને બીજો એ રસ્તો જ્યાં ગયા પછી. મોડી રાત હતી અને રજાનો દિવસ હતો તેથી લોકોની અવર-જવર પણ ખૂબ જ ઓછી હતી, માંડ ક્યારેક એકલ-દોકલ કાર પસાર થઇ જતી અને મારા પર કાદવની વર્ષા કરતી જતી ! માત્ર થોડુંજ અંતર કપાયું હતું ત્યાં જ મારે શોર્ટ બ્રેક મારવી પડી.
"ચર...ચર"ચિચયારી પાડતાં મારા બાઇકના વહીલ્સ અટક્યા, સૂસવાટાભેર વાતા પવનનું જોર ખૂબ જ વધ્યું હતું, જેથી મારાથી માત્ર ત્રણ-ચાર ફૂટની દૂરી પર જ એક તોતિંગ ઝાડ જમીનદોસ્ત થયું. હું માંડ બચ્યો, નહીં તો મારો અને બાઇકનો ભુક્કો થઇ જાત. એ ઝાડના પડવાના કારણે મારો આગળનો રસ્તો અવરોધાય ગયો. હવે શું કરવું હું એ અસમંજસમાં મુકાઈ ગયો.
એક વિચાર તો એ પણ આવ્યો કે રાજના ઘરે પાછો વળી જાવ પણ અગત્યના કામો બાકી હતા કારણ કે બે દિવસ બાદ તો... મેં મારા વિચારોને ત્યાંજ વિરામ આપ્યો મારે જવાનું તો હતુંજ તેથી મેં ભગવાનનું નામ લઇ પેલો ટૂંકો રસ્તો પકડયો જ્યાં દિવસે જવાની પણ કોઈની હિંમત ન હતી. વરસાદ થંભ્યો ન હતો, તેનું જોર તો વધ્યું હતું. તેના મોટા-મોટા ટીપા હવે મને વાગી રહ્યા હતા અને આંખમાં એ ટીપા જતા વારંવાર મારે આંખો બંધ કરવી પડતી.
શહેરના બે મુખ્ય વિસ્તારોને જોડતા બે રસ્તાઓ હતા એક પૂલનો લાંબો રસ્તો જે નહેર પરથી પસાર થતો અને બીજો તેને સમાંતર આ ઉજ્જડ રસ્તો જ્યાં નહેર એક કુવામાં મળી જતી. મારી બાઈક હવે શહેરની મુખ્ય સડક છોડી રહી હતી અને હવે એ ઉજ્જડ ગામના ધૂળિયા રસ્તા પર આવી ચુકી હતી. આશરે વીસેક છાપરાવાળા ઘરોનો સમૂહ હતું આ ગામ. જેમાંના કેટલાક ઘરોના છાપરા હાલ તૂટી ચુક્યા હતા, તો કેટલાકની ભીંત પડી ચુકી હતી. અમાસની અંધારી રાતમાં માત્ર સરકારની સ્ટ્રીટ લાઈટ અને બાઈકની હેડલાઇટનોજ પ્રકાશ હતો. હા વીસ વર્ષોથી ઉજ્જડ આ ગામમાં હજી પણ સ્ટ્રીટ લાઈટ સળગતી હતી ! શહેરની ચકાચોંધ રોશનીથી દૂર આ ગામ સ્મશાનવત શાંતિમાં પોઢ્યું હતું.
એક ત્રીજા પ્રકાશનો મારી આંખ સામે પ્રવેશ થયો, એટલો તીવ્ર કે મારી આંખો બંધ થઇ ગઈ, માત્ર થોડા જ અંતર પર કોઈ ઘર પર વીજળી પડી હોય તેવો મને આભાસ થયો, ડરને કારણે મારા શરીરમાં કંપારી છૂટી. જયારે મેં આંખો ખોલી તો એથીય વધુ ભયાવહ દ્રશ્ય મારી રાહ જોતું હતું. મારી બાઈક જ્યાંથી પસાર થઇ રહી હતી તે રસ્તાની ડાબી બાજુએ થોડાં અંતરે એક વડનું ઝાડ હતું. તેની સાથે કોઈ યુવતીને બાંધવમાં આવી હતી અને કેટલાક લોકો તેને સળગાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાઈક અટકાવી સ્ટેન્ડ પાડયું, તે ઝાડ સામે ફરી જોવ તો આ શું ? મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ ન હતું. મારા હાથપગ ઢીલા થઇ ગયા હતા, "જ્ય હનુમાન, જ્ઞાનગુણ સાગર ..." બોલતાં-બોલતાં હું ફરી બાઈક પર બેસી ગયો અને કઈ પણ થાય બાઈક પરથી નીચે ન ઉતરવાનો મેં નિશ્ચય કર્યો.
પવન જોર હવે ખૂબ વધ્યું હતું. પવનને કારણે ઉડતાં તે ઘરોનાં છાપરાં અને પાંદડાઓનો અવાજ મારા હ્રદયને ચીરી રહ્યો હતો. અવિરત ચાલતા મારા જાપના અવાજની સાથે મને બીજો કોઈ અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. બે - ચાર કૂતરાંઓ મારા બાઈક પાછળ ભસી રહ્યા હતા અને ચિત્તાની ઝડપે દોડી રહ્યા હતા. મેં મારું સંપૂર્ણ ધ્યાન બાઈક ભગવવામાં લગાવ્યું. અચાનક પાછો વીજળીનો તેજ લિસોટો આકાશમાં દેખાયો અને રસ્તા પર દોડી રહેલ મારા બાઈકની પાછલી બેઠક પર કોઈનો લાંબો પડછાયો દેખાયો.
મારી હિંમત હવે જવાબ આપી ચૂકી હતી, શું થઇ રહ્યું હતું મને કઈ જ ખ્યાલ ન હતો, મારું મગજ સુન મારી ગયું હતું. મેં બાઇકના સાઈડ કાચમાં જોયુ પાછલી બેઠક પર કોઈ ન હતું, ન રસ્તા પર કોઈ કુતરાઓ હતા ! મેં ગુગલ મેપમાં નજર કરી જમણી બાજુ રહેલ ધૂળીયો રસ્તો હવે શહેરની મુખ્ય સડકને મળી જતો હતો. મને હાશકારો થયો, જમણી તરફ માતાજીનો એક પાળીયો આવ્યો અને હવે મારી બાઈક શહેરની મુખ્ય સડક પર હતી, તેથી મારા જીવમાં જીવ આવ્યો. પણ આજે જે મેં અનુભવ્યું શું તે મારો ભ્રમ હતો આ જ વિચારોમાં ક્યારે ઘર આવ્યું તેનો પણ મને ખ્યાલ ન રહ્યો.