ભયાનક ભ્રમજાળ-ભાગ - 1
ભયાનક ભ્રમજાળ-ભાગ - 1


આખો ઓરડો સીમાના લોહીથી ખરડાયેલો હતો, ઓરડાની બધી વસ્તુઓ અંધારાના આગોશમાં હતી, રુમની ડાબી તરફ રહેલી નાની બારીમાંથી પવન આવી રહ્યો હતો. પણ સીમા ક્યાં હતી ? શાંતિવન મેન્ટલ હોસ્પિટલના રુમ નં -30 માં પ્રવેશેલી હેડ નર્સ રીનાને પ્રશ્ન થયો, તેને રુમની લાઈટ ચાલુ કરી અને સીમાને જોતાં જ એક ભયંકર ચીસ પાડી, સીમા રીનાને જોઈ ખૂબ જ ઘોઘરા અવાજે બરાડા પાડવા લાગી, હોસ્પિટલનો તમામ સ્ટાફ સીમાના રુમમાં ભેગો થઇ ગયો.
" મને જવા દો .... જવા દો.." સીમા ખૂબ જ ઘોઘરા અવાજે બોલી રહી હતી.
ડૉ. દેસાઈ તેને રોકવા ગયા તો તે રુમની ભીંત પર સરકી ગઈ અને ડૉ. દેસાઈ પર એક પ્રહાર કર્યો, એટલો પ્રબળ કે ડૉ. દેસાઈની આંખો જમીન પર પડી.
"મમ્મી, બચાવો." - રાજ ટીવી પર ફિયર ડાયરિસનું આ દ્રશ્ય જોતાં જ બૂમ પાડી ઉઠયો.
"શું રાજ ? તું બધાં જ દ્રશ્યોમાં ડરે છે. તું એકલા આ ધારાવાહિક નથી જોઈ શકતો એટલે મને બોલાવે છે. " મેં રાજને ઠપકો આપતા કહ્યું .
"હા તો. આપણે બેસ્ટ ફ્રેન્ડ છે ને તો તું પોતાના મિત્ર માટે આટલું ન કરી શકે ? " રાજનું ધ્યાન તો હજી પણ ટીવી પર જ હતું.
મને હવે કંટાળો આવી રહ્યો હતો એમ પણ સાડા અગિયાર વાગ્યા હતા.
"ચાલ રાજ, હું હવે જાવ છું. એમ પણ આજે કાર તો વોશમાં આપી છે ગેરેજમાં. બાઈક પર આવ્યો છું. વરસાદ પણ પડવાની તૈયારીમાં છે. હું હવે મારા ઘરે પહોંચી જાવ." રાજને આટલું કહી મેં પાસે મેજ (ટેબલ) પરથી બાઈકની ચાવી લઇ લીધી.
"હા, ધ્રુવ પણ વરસાદ વધારે છે. રોકાઈ જા. કાલે સવારે સાથે કોલેજ જશું."
"ના, મમ્મીના ઘણાં ફોન આવ્યા છે. એમ પણ કાર પણ તો લેવાની છે. ચાલ મળીયે તો કાલે."
"સારું પણ પેલા રોડ પરથી ન જતો. તું તો જાણે છે ને આજે અમાસ છે ...." રાજના શબ્દોમાં તેનો ભય છલકાતો હતો.
"અરે યાર કોઈ જાય છે એ રસ્તા પરથી કે હું જવાનો ? ચાલ બાય."
"હા, તારી રાહ તો એમ પણ કોઈ બીજું પણ જોતું હશે ને ! હા....હા...હા..."
"કંઈ પણ." એક હળવું સ્મિત આપીને હું બહાર નીકળી ગયો.