ભય
ભય
મને આજે પણ બરાબર યાદ છે. અમાસની એ અંધકારમય રાત્રી ! ચારે તરફથી આવતો બિહામણો અવાજ. અમારી ગાડી પાછળ કોઇ ખૂબ જ ઝડપથી દોડી રહયું હોય, એવો મનમાં થતો આભાસ. એક પાંદડાના હલવાથી પણ અમારા સૌના ઘબકારાં વધી જતાં હતાં. મેં અવિનાશનો હાથ મજબૂત પકડયો.
"અવિનાશ ન..હીં. મને બહુ જ બીક લાગે છે. મન અજીબ ભય અનુભવે છે."
ત્યાં તો કોઈ સ્ત્રીની ચીસો અને રડવાનો અવાજ સંભળાયો ! કાળા કપડાં અને એનાથી વધુ ભયાનક ધોર કાળું શરીર ! જેમને રાત્રે તો શું દિવસે પણ જોતા ભય લાગે, એવા તાંત્રિક પોતાની પાસે રહેલી લાકડીથી કોઇ સ્ત્રીનું વળગણ ઉતારી રહ્યા હતા. તાંત્રિકે મેલી વિદ્યાથી આસપાસ ઘૂમાડો કર્યો. પેલી સ્ત્રી રડીને બેભાન જેવી થઇ ગઈ. તાંત્રિકે એના પરિવારજનોને બીજી અમાસે ફરી આવવા કહ્યું !
"બાબાજી કી જય હો, બાબાજી કી જય હો" કહેતો, એ સ્ત્રીનો પરિવાર ત્યાંથી રવાના થયો.
મારા સાસુ સસરા તાંત્રિક બાબા પાસે આગળ વધ્યા.
"બોલ કેટલા દાણાં પાડુ ?"
"બાર." મારા સાસુએ કહ્યું.
તાંત્રિકે જાદૂઈ છડી પર તથા દાણાં પર ફૂંક મારી હાથમાંથી આસરે થોડા દાણા ફેંકયા અને અવિનાશને એ દાણા ગણવાં કહ્યા. સૌના આશ્ચય વચ્ચે તે બાર જ હતા !
"બોલો શું જોઈએ ?"
"બાબા લગ્નના તેર વર્ષ થયાં, ઘણી દવાઓ પણ કરાવી છતા પિતા બનવાનું સુખ નથી મળ્યું."
"કયાં છે તારી સ્ત્રી ?"
મારી સાસુએ મને જોરથી ધકકો માર્યો. હું એ તાંત્રિકની નજીક જઇ પહોંચી.
"સુંદર નારી ! આ સુંદર નારી પર તો કોઈનો કાળો પડછાયો છે."
તેમણે મારા માથા પરથી એક શ્રીફળ આેવારીને ફોડયું. શ્રીફળમાંથી લોહી જેવું કંઇક નીકળ્યું. અમે બધા ગભરાયા.
"મેં નજર તો ઉતારી દીધી છે પણ એ મેલી આત્મા ફરી એનો કાળો પડછાયો પાડશે એટલે તમારે સવા મહિના સુધી એને અહીં લાવવી પડશે. મારે એની પર એકાંતમા થોડા મંત્રોચ્ચાર અને વિઘિ કરવા પડશે. આટલું કરશો એટલે ચોકકસ પારણા બંધાશે."
અમારું કુટુંબ ભણેલું ગણેલું હોવા છતાં બાબાનો જય જયકાર કરતું ત્યાંથી નીકળ્યું ! આજે મને પ્રથમ વખત વાંઝિયાપણું અભિશાપ સમાન લાગ્યું ! મનમાં અજીબ ડર લાગતો હતો. શું સાચે મને કોઇની નજર લાગી હતી ?
બીજા દિવસે અવિનાશ મને મારા સાસુ સસરાના કહેવાથી ફરી એ તાંત્રિક પાસે લઇ ગયાં. મેં જોયું કે, લોકો પોતાની અલગઅલગ સમસ્યાઓ લઇ ત્યા આવતાં હતા. મને કશું યોગ્ય નહતુ લાગતું. ત્યાં તો મારા જેવી બીજી એક અભાગણ સંતાન સુખ માટે આવી.
અવિનાશે કહ્યું, "જો તારી સાથે વિધિ કરાવવા આ બેન પણ આવશે તેથી બહુ ચિંતા ના કરીશ."
થોડીવારે બાબાનો એક શિષ્ય મને અંઘકારમય આેરડામાં લઇ ગયો.તાંત્રિકબાબા ત્યાં મંત્રોચ્ચાર કરતા હતાં. હું એમની સામે બેઠી.અચાનક ખૂબ જ ધૂમાડો થયો અને પછી મને કશું યાદ નથી ! હું ઊઠી ત્યારે થોડા ચક્કર આવતા હતા. મને કશું જ ગમતું નહતુ. આવું સવા મહિના સુધી ચાલ્યું.
શરીર અને મન અસહ્ય પીડાં અનુભવતા હતા. આજે તાંત્રિક પાસે જવાનો છેલ્લો દિવસ હતો. બાબા પાસે અમે પહોચ્યા તે દિવસે વિઘિ રોજ કરતા વધુ ચાલી. ઘરે પહોંચતા સુધી મારી તબિયત વધુ બગડી. હું બેભાન થઇ ગઇ.જયારે ભાનમાં આવી ત્યારે અવિનાશ તથા પરિવારજનો ખૂબ જ ખુશ હતા. અવિનાશે મને કહ્યું, હું મા બનવાની છું. મારી આંખો માંથી પણ હર્ષના આંસુ છલકાયા !
તો શું એ તાંત્રિકબાબા સાચે ચમત્કારિકબાબા હતા ? કે કોઈ જાદુગર હતા ? મારી વેરાન દુનિયામાં જાણે ચમત્કાર થયો.સમય પસાર થતો ગયો.ઘરમાં સૌ પોતાના કૂળદીપકની આવવાની ખુશીમાં ખુશ હતા.બધા મને પણ ખૂબ સાચવવા લાગ્યા.
એક દિવસ એ રસ્તેથી પસાર થતા મને થયું લાવ બાબાને પગે પડતી આવું.સંધ્યાની વિદાય તથા રાત્રીનું આગમન થઇ રહ્યું હતું. મેં ચારે તરફ નજર કરી પણ કોઇ ન દેખાવાથી હું આગળ વધી. ત્યાં મને એક ભોંયરા જેવું દેખાયું. હું હિંમત કરી આગળ વધી તો મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં બાબાના શિષ્યો શ્રીફળમાં નાનકડું કાણું કરી અંદર ચુંદડી તથા કોઇ કેમિકલ ઉમેરી શ્રીફળ બંધ કરતા હતા ! હું દબાતા પગલે આગળ વધી. મારો ભય વધતો જતો હતો. એ અંધારિયા રૂમનું દ્રશ્ય જોઈને મારા પગ તળેથી જમીન સરકી ગઇ ! ત્યાં તાંત્રિક બાબા તથા તેમના કેટલાક માનિતા શિષ્યો કોઇ સ્ત્રીને ઇંજેક્શન આપી હિપનોટાઇસ કરી શરીર સંબંધ બાંધતા હતા. મારો હાથ મારા પેટ પર ગયો. તો શું મારી સાથે પણ... એક કારમી ચીસ મારા હૃદયમાંથી નીકળી ! હું વીજળી વેગે ત્યાંથી ભાગી.
"સ... ર... સર.પ્લીઝ મારી સાથે ચાલો."મેં રડતાં રડતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલિસે તરત જ ત્યાં તપાસ કરી. લોકોને ઠગનારા તથા યુવતીઓનો બળાત્કાર કરનારા ઢોંગી તાંત્રિકના આખા રેકેટને પોલીસે પકડ્યું. મેં પણ એ તાંત્રિકને મારી જિંદગી બગાડવા બદલ ઢોર માર માર્યો. મારી આંખોમાંથી અશ્રુધારા સતત વહી રહી હતી.
પૌત્મોરહમાં અંધ બનેલા મારા સાસુસસરા તથા મને આવા તાંત્રિકના હાથમાં સોંપનારા મારા પતિ અવિનાશ વિરુધ્ધ પણ મેં ફરિયાદ નોંધાવી. મારી જેમ બીજું કોઇ અંધશ્રદ્ધાનો કે જાદૂનો ભોગ ના બને તે માટે હું ચમત્કાર કે વિજ્ઞાન ! તથા શ્રધ્ધા,અંધશ્રધ્ધાના વિષય પર જાગૃતિ અભિયાન ચલાવવા લાગી.

