ભવિષ્ય
ભવિષ્ય
જ્યોતિષ રામચંદરે રોજની જેમ ઘરના મંદિરમાં ભગવાન સામે પધરાવેલાં જાતજાતનાં યંત્ર, માળાઓ, સિક્કાઓ ભગવી ઝોળીમાં ભર્યાં. બે હાથ જોડીને પ્રાર્થના કરી,“હે ભગવાન, આ જ્યોતિષના ધંધામાં કાંઈ વળતું નથી. મોંઘવારી વધતી જાય છે. અને હમણાં તો આ નવી બિમારીએ લોકોમાં ભયનું જબરદસ્ત વાતાવરણ ફેલાવ્યું છે તે લોકો વગર કામે બહાર નીકળવાનું ટાળે છે તે મારી પાસે નસીબ જાણવા તો આવવાનું ટાળે જ ને !”
અને હળવો નિ:સાસો નાખીને રામચંદર ઝોળી ખભે ભરાવીને મોટા બજારમાં આવેલા રાજાચોક તરફ રવાના થયા. ચોકમાં બે બાજુ નાની નાની દુકાનો ગોઠવાયેલી હતી. રસ્તા પર ફેરિયાઓ પાથરણા પાથરી નાની મોટી વસ્તુઓ બૂમો પાડી પાડીને વેચતા હતા. રામચંદરે પોતાની ચોરસ ટુકડા જેવી જગ્યા પર પોતાનું પાથરણું પાથર્યું. નવગ્રહની મૂર્તિ મુકી. એના પર સફેદ-લાલ મોતીની ખોટી માળા પહેરાવી. મનોમન ભગવાનને કહ્યું,“હું લોકોનાં ભવિષ્ય જોઉં. હાથની રેખાઓ વાંચીને એમને ઉજળાં જીવન માટે શું કરવું એ વિધી બતાવું. પણ મારું ભવિષ્ય મને ખુદને ખબર નથી. મારી રેખાઓ હું ઓળખી શકતો નથી. હવે તું કૃપા કરે તો તને સાચા મોતીની માળા પહેરાવું. આ મને જમણી હથેળીમાં બહુ ચળ આવે પણ ક્યારેય પૈસા આવતા નથી.”
અને પછી કોઈ ગ્રાહક આવે એની પ્રતિક્ષા શરુ થઈ. બાર વાગ્યા, એક વાગ્યો. રામચંદર આજુબાજુવાળા ફેરિયાની સાથે ઘેરથી લાવેલું જમવાનું લઈને બેઠો. વાતચીત ચાલતી હતી.
“તે આ બિમારી બહુ મોટી છે ને કાંઈ ! મહારાજ તમે તો ભવિષ્ય જોવો છો તે આ ખબર નહોતી?”
રામચંદર થોથવાયો.“હેં ! હા.. ના.. કેટલાક કાર્ય ઈશ્વર કોઈને જાણ કર્યા વગર કરે છે.”
અને હજી તો ગામગપાટા પૂરા થાય એ પહેલાં અચાનક ચોકમાં રાડારાડી થઈ ગઈ. રામચંદર બેઠો હતો ત્યાં જ એક મેલોઘેલો માણસ દોડતો આવ્યો. હજી કોઈ કાંઈ સમજે એ પહેલાં તો પોલીસજીપ સાયરન વગાડતી ચોકમાં આવી પહોંચી. જીપમાંથી ચાર પોલીસ સીટી વગાડતા પેલા માણસ તરફ દોડ્યા. “એ..ય ઊભો રહે, ખબરદાર ભાગવાની કોશિશ કરી તો ગોળી ચલાવવી પડશે.”
રામચંદરની એકદમ નજીક પહોંચીને પેલા માણસે એક એના જેવી જ મેલી થેલી રામચંદરના ખોળામાં નાખી દીધી.
“લે કોઈને તો કામ આવશે.”
અને હજી બીજું કાંઈ બોલે કે રામચંદર પૂછે એ પહેલાં પોલીસ એને પકડીને જીપમાં નાખીને રવાના થઈ.
આખા ચોકમાં પંદર વીસ મિનિટ એકદમ ઉત્તેજનાભર્યું વાતાવરણ રહ્યું. ધીરે ધીરે બધું થાળે પડતું ગયું. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાયા.
હવે રામચંદરને સહેજ કળ વળી. એણે પોતાના ખોળામાં નાખી ગયેલી થેલી તરફ નજર નાખી. સહેજ સૂગ ચડી. “અરેરે ! આ ગંદી થેલી મને પકડાવીને જતો રહ્યો.”
હાથમાં થેલી લીધી અને વજનદાર લાગતાં રામચંદરે આમ જ આતુરતાસહ્ સહેજ થેલીનું મોં પહોળું કરીને અંદર નજર કરી તો એનું પોતાનું મોં ખુલ્લું રહી ગયું. પરસેવો વળી ગયો. “ઓહોહો ! આટલા બધા રુપિયા?”
આજુબાજુમાં ત્રાંસી આંખે જોઈ લીધું કોઈ જોતું તો નથી ને ! નવગ્રહની મૂર્તિ સામે જોઈને રામચંદર ગળગળો થઈ ગયો. “હે ભગવાન, આવી રીતે પૈસા આપવાના? મારી આવી કસોટી? એ ન લેવાય મારાથી.”
પછીના બે ત્રણ દિવસ રામચંદરે પેલા અજાણ્યા માણસની રાહ જોઈ. આજુબાજુમાં થોડી તપાસ કરી. ખબર પડી કે એ માણસને શહેરની જેલમાં લઈ ગયા છે.
“હવે?“
બહુ વિચાર કર્યો પછી રામચંદરે મન સાથે સમાધાન કરી લીધું. “મને મારા હાથની રેખા વાંચતાં ન આવડી. લોકોનાં ભવિષ્ય જોતાં જોતાં મારું ક્યારેય જોયું નહીં. એ થેલી મારા જ નસીબમાં હશે. પેલો માણસ નિમિત્ત બન્યો બસ.”
અને વીસેક દિવસ બાદ રામચંદર ચોકમાં બધા સાથીઓની રજા લઈ ગામ જવા રવાના થયો. ગામમાં પોતાના જૂના ઘરને ફરી રંગરોગાન કરી રામચંદરે આંગણામાં જ્યોતિષાચાર્ય રામચંદરના નામે ઓફિસ કરી. નવગ્રહની મૂર્તિ ચમકાવીને એને સાચા મોતીની માળા પહેરાવીને બે હાથ જોડીને માફી માંગતાં કહ્યું,“ખબર નથી જે થયું તે સાચું કે ખોટું પણ હુંય માનવ છું એટલે આવ્યું એ નકારવાની હિંમત નથી.”
