ભવિષ્ય અને હસ્તી
ભવિષ્ય અને હસ્તી


જોશી સાહેબ ખૂબ ઉત્સાહિત હતા. સામાન્ય રીતે આ બાબત એમને માટે કંઈ નવી ન હતી. એમણે સીધો સવાલ નવીનકાકાને કર્યો,
"હું તમને નિયમો જણાવી દઉં?"
નવીનકાકા ખૂબ ધીરજથી બોલ્યા,
"મને બધા જ નિયમો મંજુર છે, ફક્ત એ પૂછી લો કે આજીવનનું પેકેજ રાખ્યું છે ને?"
જોશી સાહેબને આ સવાલ સાંભળીને અચરજ થયું, કારણકે સામાન્ય રીતે આવો સવાલ છોકરાઓ તરફથી થતો, એટલે કે મિહિરે કરવો જોઈતો હતો પણ અહીં તો...
"હા, આજીવન, પણ પછી તમે જ થાકી નહીં જાઓ ને?"
"થાક્યો છું, એટલે જ તમને બોલાવ્યા છે."
જોશી સાહેબ હવે સખત ચોંકી ગયા, કારણ કોઈ વૃદ્ધ જાતે વૃદ્ધાશ્રમમાં જવા માટે સામેથી સંપર્ક કરે એ વાત જરા નવી તો હતી જ. જોશી સાહેબ સામાન્ય રીતે ઘરથી વૃદ્ધોને વૃદ્ધાશ્રમ લાવતા હતા પણ અહીં તો વૃદ્ધ જાતે જ...
બીજી તરફ મિહિરના મોબાઈલ પર સતત નિશાભાભીનો કોલ આવતો હતો, નિશાભાભી પંચગીની હતા, જે નવીનકાકાના લાડકા અને એકના એક પૌત્ર વિહાનને હોસ્ટેલમાં મુકવા ગયા હતા. જોશી સાહેબ સાથે એકલતામાં ચર્ચા વિચારણા કર્યા બાદ નવીનકાકા જોશી સાહેબ સાથે જવા તૈયાર થઈ ગયા.
જ્યારે મિહિર પર કોલ આવ્યો કે વિહાનને હોસ્ટેલમાં રૂમ મળી ગયો છે ત્યારે તે સમયે મિહિર નવીનકાકાની બેગ વૃદ્ધાશ્રમમાં એમને ફળવેલા રૂમમાં મુકતો હતો.
બંગલો નંબર 31, એક જ દિવસે બે પેઢીની ગેરહાજરીથી ખાલી થઈ ગયો. બસ, નવીનકાકાની જીદ હતી કે પૌત્રને ઘર છોડાવાશે તો એ પણ ઘર છોડશે. એકને ઘર છોડાવાયું ભવિષ્ય માટે અને એકે ઘર છોડ્યું હસ્તી ટકાવી રાખવા માટે.
કારણ એટલું જ હતું કે નવીનકાકાના કુટુંબમાં નોકરિયાત મિહિર અને નિશાને બાદ કરતા માત્ર વિહાન એક જ હતો જે નવીનકાકાના અસ્તિત્વનો સાક્ષી હતો. અને જો એ જ ઘરમાં ન રહે તો નવીનકાકા કઈ રીતે રહી શકે?