ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘર
ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘર
કાળીદાસના અવસાન થયાને ત્રીજો દિવસ. ફળિયાના સૌ આંગણામાં આવીને બેસતા. કાળીદાસનું મૃત્યુથી ગામ આખું તર્ક-વિતર્ક કરી રહ્યું છે. કાળીદાસની લાશ જે દરિયાકિનારાની ઝાડીમાંથી પોલીસને મળી બરાબર તેની નજીકમાં જ શુકકર બખિયાની આબવાડિયું આવી હતી. દરિયાકિનારાના આગળના ભાગમાં દરિયાના આવતા પવનને રોકવા માટે બખિયા શેઠે આગળ સરૂ તેમજ હારબંધ નાળિયેરીના વૃક્ષો રોપી તેમજ દરિયાનું પાણી સીધુ આંબાવાડીયુ સુધી હોડી લઈ શકાય એવો માર્ગ બનાવી રાખ્યો હતો એટલે કિનારે જ્યારે પણ બહારથી મોટું વહાણ આવે કે તરત જ હોડકું મારફતે બધો માલ રાતોરાત વાડીમાં જ સગેવગે થઈ જતો.
જે દિવસે બખિયાશેઠનો માલ આવવાનો હોય તે રાત આસપાસના ઘરો માટે ભારે રહેતી બાળકોના રડવાનો અવાજ પણ નહીં આવો જોઈએ એટલો શેઠનો ખોફ હતો.
કાળીદાસના મૃત્યુ પછી ગામમાં સન્નાટો છવાઇ ગયો. પોલીસ કાર્યવાહી પણ શાંતિથી પૂરી થઈ ગઈ જાણે કંઇ બન્યું ન હોય તે રીતે સૌ મૌન બની ગયા.
ફળિયાના અબાલ વૃદ્ધો કાળીદાસની સાદડીમાં આવીને બેસતા રાત આખી જાગરણ ચાલતું. આ દરમિયાન અવનવી વાતો ચાલતી. ચા, બીડી તેમજ દારૂ પીરસાતો. જેમ જેમ રાત પસાર ત્યાં નવી નવી વાત ચાલતી. એવામાં એક વૃદ્ધ ધીમેથી બોલ્યો;' આ અવગતે જે જીવ જાય એટલે તેનો આત્મા ભટકતો રહે અને ક્યારેક ત્યારે નજરે ચડે પણ ખરો!
વાતાવરણમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આંગણામાં લાકડાના ઢગ સળગાવવામાં આવ્યા છે એટલે બધા નજીક બેસી હૂંફ મેળવી રહ્યા છે.
રાત્રીનો અંધકાર છવાઈ રહ્યો છે શીતળ પવનની લહેર વાતાવરણમાં ઠંડક વધારી રહી છે. ત્યાં પેલા વૃદ્ધની વાતે બધા કુતૂહલવશ કુંડાળું રચીને બેસી ગયા.
'તે કાકા, આ કાળીદાસનો આત્મા પણ ગામમાં ભટકતો હશે?!
'આ કૂતરાં અને શિયાળવાનો રડવાનો અવાજ નથી સંભળાતો તમને? આ આત્મા આવે એટલે આ જીવને પહેલા નજરે ચડે એટલે તો જુઓને બિચારા આખું ગામને કેવી રીતે ગજવી રહ્યા છે.' મનજીકાકા એમની ધૂનમાં બોલી રહ્યા હતાં. સૌને કાકાની વાતમાં રસ પડ્યો તે સાથે સૌ તેમની નજીક સરકી આવ્યા.
ત્યાં જ નજીકમાં કૂતરાનો ભસવાનો અવાજ સંભળાયો તે સાથે ચારે તરફથી કેટલાય કૂતરાંનો એક સાથે રડવાનો અવાજ ચાલુ થયો.
* * *
કાળીદાસના મૃત્યુ પહેલા ગામમાં એક આફત ઊતરી આવી હોય તેમ ડુંગરની તળેટીમાં રાત્રે બાર-સાડાબાર વાગ્યાની આસપાસ એકલી અટુલી સફેદ સાડીમાં ચુડેલ ભટકતી નજરે પડી હતી. વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ ગઈ. ગામમાં આ ચુડેલની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી. આખુ ગામ આ વાતે ડરી ગયું છે. નજરે જોયું તે કહેતું,'સુંદર મખમલી સફેદ ધોળા બગલા જેવી સાડીમાં પગમાં ઝાંઝર પહેરીને છમ...છમ… અવાજ સાથે ડુંગરની તળેટીએથી નીકળી બખિયાશેઠની વાડી તરફ જઈ એકાએક અલોપ થઇ જતી. કાળીદાસને પણ આ ચુડેલ જ ઉપાડી ગયાની ચર્ચાએ વેગ પકડ્યો. આ વાતે ગામલોકો દુઃખી થઈ ગયા. એટલે સૌ ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘરમાં રહેતાં દોલતરામ તરફ મીટ માંડીને બેઠા છે. આ આફતમાંથી હવે ફક્ત દોલતરામ જ ઉગારી શકે તેમ છે. દોલતરામે ગામલોકોની વાત જાણી લીધી. કાળીદાસના મૃત્યુ પાછળ પણ આ ચુડેલનો હાથ હોવાથી તેણે તેના ઘરમાં તાંત્રિક વિધિ ચાલુ કરી. પણ તેમાં સફળતા મળી નહિ. એટલે દર વર્ષે સાધના માટે તેમનું આ ડરામણું ઘરમાં આવતા ગીરનારી બાબાનો સંપર્ક કર્યો. ગીરનારી ભૈરવબાબા કાળીચૌદશમાં તાંત્રિક વિધિ માટે આવવાનું કહેતા હતા. જોગાનુજોગ કાળીચૌદશને થોડા દિવસો બાકી હતા. એટલે આ ચુડેલનું રહસ્ય થોડા દિવસમાં જ બહાર આવી જશે. તેવી ગામલોકોને આશા હતી.
કાળીચૌદશની રાત.
રાતે સ્મશાનઘાટમાં જઈ તંત્રવિદ્યા તાજા કરવાની રાત. ભૈરવબાબાની સૂચના મુજબ ત્રણેય શિષ્યો પણ આવી ગયા હતા. ભૈરવબાબા પણ તેના ચેલા સાથે આગલા દિવસે જ ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘરમાં પધાર્યાં હતાં.
દોલતરામ આ અગાઉ તેની તમામ તાંત્રિક શક્તિ અજમાવી ચૂક્યા હતા. પરંતુ ગામમાં અર્ધી રાતે ફરતી ચુડેલનો સંપર્ક કરવામાં સફળ થયા નહોતા. એટલે ભૈરવબાબા સાથે મળીને ચુડેલને આતરી લેવાની હતી. અને તે મુજબ નકકી કરેલ દિવસ આવી ગયો.
ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘરમાં દોલતરામ અને ભૈરવબાબા વહેલી સવારથી જ વ્યસ્ત છે. સમય ઓછો હતો. તમામ પ્રકારની વસ્તુઓ આવી ગઈ હતી. સાધના ચાલી રહી છે. એક ખૂણામાં સફેદ, કાળો તેમજ લાલ રંગનો કપડાનો ટુકડો પાથરી તેના પર અલગ-અલગ ચીજવસ્તુઓ ગોઠવાઈ ગઈ છે. ઘરની બહાર મોતિયો દરવાજા પાસે પૂંછડી પટપટાવતો કયારેક આંખ બંધ કરી તો ક્યારેક આંખો ખોલી અંદરની હિલચાલ પર નજર કરી લેતો. આજની રાત તેના માટે પણ મિજબાની કરવાની રાત હતી. એટલે આમથી તેમ નજર ફેરવી રહ્યો હતો.
પેલા ત્રણેય નવા શિષ્યો પાસે દોલતરામ એક પછી એક સાધનસામગ્રી સાથે કામ કરાવી રહ્યો હતો. ભૈરવબાબા એક તરફ સમાધિમાં લીન બની ગયા છે. ગીરનારથી આવેલા ચેલાઓ પણ કામમાં વ્યસ્ત છે. ભૈરવબાબા અને કેદારજી ચર્મ આશન પર બધાથી અલિપ્ત થઈ સમાધિ ધારણ કરી છે.
દોલતરામ પેલા શિષ્યોને ચેતવણી આપતા હોય તે રીતે બોલ્યો, 'જુઓ અહીંની બધી તૈયારીઓ પુરી થઈ છે. રાતે આપણે ગંગાજીવાળા સ્મશાનઘાટે જવાનું છે. તમે પહેલીવાર આવી રહ્યા છો એટલે ધ્યાનથી સાંભળી લેજો. અને જો કોઈ વાતે ગફલત થઈ ગઈ તો જાનથી ગયા સમજી લેજો. દોલતરામ પેલા અલગ-અલગ કપડાના ટુકડા પરની સામગ્રીને જાણે છેલ્લી ઘડીએ તપાસી લેવા માગતા હોય તે રીતે દરેક સામગ્રી પર હાથ ફેરવી રહ્યા હતા.
ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘરમાં હોવાથી અહીં કોઈ આવતું નહોતું તેમ છતાં બહાર બાબરને દેખરેખની કામગીરી સોંપવામાં આવી હતી. તે ઘરની ફરતે ચક્કર લગાવતો રહેતો. મોતિયો પણ તેને સાથ આપી રહ્યો હતો.
ભૈરવબાબાએ મૌન ધારણ કર્યું હતું. કેદારજી થોડીવારે હવનકુંડમાં અસ્પષ્ટ અવાજે ભભૂકી હોમી રહ્યો છે. ઓરડીમાં ધુમાડા સાથે મંદમંદ માદકતા પ્રસરી રહી છે. દોલતરામે અલગ-અલગ પોટલી બનાવી પેલા ત્રણેય શિષ્યોને પોટલી આપતા કહ્યું;' આ પોટલીનું તમારે ખાસ ધ્યાન રાખવું, નહિતર તમારું આવી બન્યું સમજવું.'
આ સાધના એકદમ આકરી છે. એટલે જે શિષ્યને આ જ્ઞાન આપવમાં આવે તેણે કઠિન પરીક્ષામાંથી પાસ થવું પડતું હોય છે. બાબર તેમજ અન્ય બીજા અનુભવી શિષ્યો પણ આજની રાતે આવી ગયા હતા.
કાળીચૌદશની ઘનઘોર અંધારી રાત. દૂર દૂર કૂતરા તેમજ શિયાળનો રડવાના અવાજથી વાતાવરણમાં ભયંકરતા વરતાતી હતી. ગામમાં એક લોકવાયકા એવી છે કે; 'આ રાતે જે કોઈ ઘર બહાર નીકળે તેને કોઈ વળગણ વળગી ચુડેલનું રૂપ લઈ તે વ્યક્તિને દૂર મશાણમાં લઈ જઈ તીક્ષણ દાંત તેના શરીરમાં ખૂંપાવીને તેનું લોહી પીવે છે. જેમ જેમ તે માનવ લોહી પીવે તેમ તેમ તે ચુડેલ તાકતવર બનતી જાય પછી તેને વશમાં કરવી ખૂબ કઠિન થઈ જાય છે.' એટલે આ રાતે ડરના માર્યા સૌ ઘરમાં જ ભરાઈ રહેતા. આ રાત ભૂત-ભુવાની રાત કહેવાય એટલે તેઓ વર્ષોથી આ રાતની રાહ જોતા હોય છે. દોલતરામ પેલા નવા શિષ્યોને કહી રહ્યો હતો કે; 'તમે આજે મશાણમાં પહેલીવાર આવો છો એટલે મેં તમને જે વાત કહી છે તેનું બરાબર ધ્યાન રાખવાનું છે. અને હા, કોઈએ પણ ડરવાનું નથી.' દોલતરામ બધાને હિંમત આપી.
તે સાથે સૌ ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘરમાંથી બહાર નીકળ્યા.
ઘોરઅંધકાર છવાયેલો છે. વાતાવરણ નિશાચર જીવ-જંતુઓના અવાજે વધુ ડરામણું ભાસતું. ઘરની વિધિ પૂરી થતા રાત્રે ગંગાજીના સ્મશાન ઘાટ તરફ આખી સાધક ટોળકી રવાના થઈ. સૌથી આગળ મોતિયો કૂતરો બધું નિરીક્ષણ કરતો હોય તેમ ચાલી રહ્યો છે. તેની પાછળ પાછળ સાધક ટોળકી.
રાત્રિના પોણા-અગિયાર થવામાં હશે ત્યાં તળાવ કિનારે આવી દોલતરામે નવા શિષ્યને કહ્યું;' વિઠ્ઠલ, તારા પાસેની પોટલીને આ તળાવના પાણીમાં ડૂબાડીને શુદ્ધ કરી લે. અને પેલી નાની પોટલી છે તે આ પાણીમાં ખુલ્લી વહેતી મૂકી દે. પેલા શિષ્યએ સુચના મુજબ કર્યું. શાંત જળમાં ડબ… ડબ… નો અવાજ થયો.
તે સાથે સાધક ટોળકી ગંગાજીના સ્મશાનઘાટે પહોંચી. ત્યાં બીજા સાધકો પણ અગાઉથી આવીને પોતપોતાના વિસ્તારની જગ્યાને મંત્રથી બાંધી દઈ માટીના દિવડાના પ્રકાશને સહારે સાધના વિધિ માટેની સાધનસામગ્રી ખોલીને ગોઠવવામાં મશગુલ હતા. પેલા નવા શિષ્યો સિવાય બીજા માટે આ વાત નવી ન હતી એટલે બીજા બધા તેમની કામગીરીમાં વ્યસ્ત હતા.
નવા શિષ્યોને દોલતરામે કહ્યું; 'તમારે આ મંત્રથી બાંધેલા કુંડાળાની બહાર નીકળવાનું નથી. બાબર અને બીજા અનુભવી ચેલાઓ આ કુંડાળાની બાંધેલી જગ્યાની બહાર જઈને ભૈરવબાબા જે વસ્તુઓ મંગાવતા તે મુજબ મસાણમાંથી કોલસો, લીલાપાન, નાના જીવડાં, પાણી જેવી વસ્તુઓ લઈ આવતા.
રાત બરાબર જામી.
તે સાથે સૌ ભૂવાઓ પોતપોતાના મંત્રથી બાંધેલા વિસ્તારમાં મંત્રોચ્ચારની વિધિ ચાલુ કરી દીધી. ભૈરવ બાબા પણ સમાધિમાં બેસી ગયાં. તેમની આજુબાજુ કેદારજી અને દોલતરામ પણ બેઠક લીધી. તે સાથે બધા ચેલાઓ પણ કુંડાળાની વચ્ચોવચ પલાંઠી વાળીને બેસી ગયા. મોતિયો બહાર બેઠો છે.
ભૈરવબાબા મહાકાળી માતાની સ્તુતિ કરતા 'શવાંરૂઢો… મહાભીમાં ઘોર દૃષ્ટા… વરપ્રમદામ- હાસ્ય યુકતાં ત્રિનેત્રા- ચ- કપાલકત્રિકાકશમ...મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.' આજુબાજુમાં પણ મંત્રોચ્ચાર ચાલુ થઈ ગયા હતા. રાત ધીમે ધીમે પસાર થઇ રહી હતી. ત્યાં જોતજોતામાં જે જગ્યા પર પાણી નાખીને કુંડાળું બનાવ્યું હતું તેની બહાર ચારે તરફ કાળા કાળા મહાકાય ભૂતોનું ટોળું ભેગું થઈ ગયું!
કાળીચૌદશને રાતે મસાણના તમામ પ્રેતાત્માઓ જાગી ગયા હતા. અને જે જે સાધક ટોળકીએ તેમનો સંપર્ક કર્યો હતો તે ટોળકીઓના કુંડાળા બહાર ભેગા થઈ રહ્યા હતા. દૂર કૂતરાંઓનો તેમજ શિયાળનો રડવાનો અવાજ ચાલુ જ હતો. તે સાથે સાધક ટોળકી સાથે જે કૂતરાંઓ આવ્યા હતા તે વચમાં વચમાં સૂર પૂરાવતાં રહેતા. આ કૂતરા પર ભૂતોએ સવારી કરી લીધી હતી. વાતાવરણ ભયંકર ડરામણું બનતું જતું હતું. કુંડાળા ફરતે હા...હા….હા…, હી...હી...હી.. અવાજો સાથે બધા ભૂતો આમથી તેમ આંટા મારી રહ્યા છે. પેલા શિખાઉ શિષ્યોના માથેથી પરસેવો નિકળતો હતો. બધા વર્ષોથી ભૂખ્યા હોય તેમ અલગ-અલગ પ્રકારના અવાજો કરી રહ્યા હતા. મૃતલાશ જેવા આમથી તેમ ફરતા રહેતા શરીરમાંથી આગની જ્વાળા નીકળી રહી હતી. હોઠ પર વર્ષોની પ્યાસ હોય તેવું પેલા દિવાના પ્રકાશમાં દેખાતું હતું. કેટલીક સ્વરૂપવાન તો કેટલીક ડરામણી ચુડેલ આવી છે. લટકતું માથા વિનાનું ધડવાળું જીન, નાના બાળકનું ભૂત તો વળી ક્યાંક ક્યાંક અદ્રશ્ય માણસ કે રાક્ષસોનું ટોળું તો ક્યાંક આત્માઓનું ટોળું, તેમજ હાડપિંજર હવામાં અધ્ધર આમથી તેમ ફરતા રહેતા. આ બધું જોતા જ પેલા નવા શિષયોના હદયના ધબકારા વધી ગયા.
ત્યાં દોલતરામ પરિસ્થિતિ પામી જતા બોલ્યા; 'હવે તમારે આ બધાથી ડરવાનું કોઈ કારણ નથી. આ બધા પ્રેતાત્માઓ હવે આપણા ગુલામ બની ગયા છે. એટલે તમને કંઈ કરી શકે તેમ નથી.' તે પછી બધા ભૂતોની ઓળખ આપતો હોય તે રીતે બોલ્યો; આ સામે દેખાય છે તેને અઘોરી પ્રેતઆત્મા કહેવામાં આવે છે.' પેલા શિષ્યો તે તરફ જોઈ રહ્યા. તેની આંખો લાલ હતી. તેમાંથી અગ્નિના કિરણો નીકળતા હોય તેમ લાગતું હતું. લાલચટક હોઠ પર ભયંકર હાસ્ય રમતું હતું. સફેદ અણીદાર દાંત પણ ચમકી રહ્યા હતા. દોલતરામ આગળ બોલ્યો; 'પેલો છે તે ખડસૂલીયો પિશાચ છે. તેનું લાબું વરૂ જેવું મોં, તેની પણ લાલઆંખ છે તે બીજા બધા પ્રેતાત્માઓ સામે જોઈ થોડી થોડી વારે ઘુરકીયા કરતો અને તેની પૈચાશિક શક્તિનો પરચો બતાવી રહ્યો હતો. દોલતરામ આગળ બોલ્યો; 'અને હા, તમે હમણાં જેને જોઈ ને ડરી ગયા હતા તેને એઢલી કહેવાય છે. આ એક ચુડેલ છે. આ ચુડેલ તમને આગળથી સુંદર સ્વરૂપવાન સ્ત્રી જેવી જ લાગે. પણ તેની પાછળનો આખો ભાગ ખાલીખમ હોય અને લોહી સાથે હળમાંસ દેખાય છે. જે જોઈને તમે ડરી ગયા હતા. કહેવાય છે કે જે સ્ત્રી પેટમાં જ બાળક સાથે મૃત્યુ પામે તે પાછળથી આ ચુડેલ એઢલીનું રૂપ ધારણ કરે છે. તે અડધી રાતે નીકળે અથવા તો જો તેને દિવસે પ્રગટ થવું હોય તો એકાંતમાં દિવસે બરાબર બાર વાગ્યે નીકળે. જો આ સમયગાળામાં કોઈ માણસ તેની આગળ આવે તો તેને વળગણ બનીને તેના શરીરમાં દાખલ થઈ જાય. તો ક્યારેક સ્વરૂપવાન સ્ત્રીનું રૂપ ધારણ કરી માણસને મોહિત કરી સ્મશાનમાં ખેંચી જાય અને ત્યાં માણસનું લોહી પીવે અને પેલો માણસ મૃત્યુ પામે. જુઓ પેલો માથા વગરનો પ્રેતઆત્માને જીન કહેવાય. તે તમને ઘણીવાર મદદ પણ કરે છે.' આમ દોલતરામ બધા ભૂતોનો પરિચય કરાવતો ગયો.
ભૈરવબાબા સમાધિમાંથી બહાર આવ્યા તે પછી નવા શિષ્યો સાથે બધા ચેલાઓ ગોળાકારમાં બેસી ધીમે ધીમે મંત્રોચ્ચાર કરતાં ગયા તે સાથે દોલતરામ કેદારજી પણ સાથ આપતા ગયા. બહાર બધા પ્રેતાત્માઓ તેમના માટેના ભોગની રાહ જોઈ રહ્યા હતા. વિધિ અંતિમ ચરણમાં હતી ભૈરવજીએ તેમની પાસેની પોટલીમાંથી નાની પોટલી છોડી તેમાંથી થોડી ભભૂકી ત્રણેય શિષ્યો પર નાખી થોડી હાથમાં આપી સૌને ખાઈ જવા માટે કહ્યું. તે પછીના બધાના ડાબા હાથે કાળા દોરા વાળી તાવીજ બાંધી તેમજ પ્રસાદી આપી. ત્યારબાદ બધા શિષ્યો પેલી અલગ-અલગ પોટલીઓમાંથી પ્રેતાત્મા માટે જે ભોગ લાવ્યા હતા એ બધાને કુંડાળાની બહાર જઈ વહેંચવા લાગ્યા. બધા પ્રેતાત્મા તેમને ભાવતું ભોજન મળી જતા ગેલમાં આવી ભોગ આરોગીને ચૂપ થઈ તૃપ્ત થતા તેમના થાનક તરફ જઈ રહ્યા હતા. તો કેટલાક હજી બેઠા હતા તે તરફ કોદરજીએ તેમના થેલામાંથી અડદની વાનગીના લાડુ અને બીજી અવનવી વાનગી પીરસવા માંડી તે સાથે બધા કિકિયારી સાથે પ્રસાદ લઈ તૃપ્ત થતા ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહ્યા.
ધીરે-ધીરે કિકિયારીઓ બંધ થતાં તેમજ સાધક વિધિ પૂરી થતાં એક પછી એક સાધક ટોળકી સંકેલો કરતી જણાઈ. મેલી વિદ્યા તંત્રમંત્ર જે નવા શિષ્ય હતા તેમને પણ શીખવવામાં આવે છે તેમજ જૂના શિષ્યો અને અનુભવી ભૂવાઓ વિદ્યાને તાજી કરી લેતા. આમ મંત્રની ઉપાસના થઈ જતાની સાથે જ બધા તાંત્રિકો ગંગાજી સ્મશાનઘાટથી રવાના થઈ રહ્યા હતા. રાતનો અંતિમ પ્રહર પસાર થઈ રહ્યો છે. પ્રેતાત્મા પણ સંતુષ્ટ થઈ તેમના સ્થાનકમાં ભરાઈ ગયા. મોતિયો કૂતરો પણ તાજા માસની મે'રબાનીથી સંતુષ્ટ થઈ સૌની આગળ આગળ દોડતો રહયો.
* * *
બીજા દિવસે ભૈરવબાબા ગામમાં અડધી રાતે ફરતી ચુડેલના જીવાત્મા સાથે સંપર્ક કરવા મંત્રોચ્ચાર કરી રહયા હતા. બધુ બરાબર હોવાની ખાતરી થતાં ભૈરવબાબાએ તેની બાજુમાં પડેલા થેલામાંથી એક મોટો અરીસો બહાર કાઢ્યો અને બાજુમાં ગોઠવ્યો તે પછી અરીસાની ચારેકોર કંકુ તેમજ ડાબી બાજુમાં નાના નાના ટપકા કર્યા તેમજ સ્મશાનની માનવ ભસ્મ અરીસા ઉપર પાથરી સુગંધી અગરબત્તી ફેરવી વિધિ ચાલુ કરી.
સમય પસાર થઇ રહ્યો હતો તે સાથે સૌની આતુરતા વધતી જતી હતી હવે શું થશે? હવે શું થશે? એ ભાવ સૌના મનમાં રમી રહ્યો હતો.
દોલતરામ તરફ જોઈ ભૈરવબાબા બોલ્યા;' હવે સંપર્ક ચાલુ થયો છે ધીમે ધીમે બધું સ્પષ્ટ થઇ જશે.'અને પળવારમાં તો અરીસામાં એક પછી એક અનેક ચહેરાઓ સ્પષ્ટ થતા રહ્યા. પણ આ બધામાં પેલી ચુડેલનો ચહેરો સ્પષ્ટ થતો નહોતો. બધા એક આશાએ જોઈ રહ્યા.
ભૈરવબાબાએ તમામ પ્રયત્નો કરી જોયા રાતનો ખાસો સમય પસાર થઈ ગયો. એકંદરે તમામ પ્રેતઆત્મા પ્રગટ થઈ ચૂક્યા પણ પેલી ચુડેલ સાથે સંપર્ક ન થયો. એટલે ભૈરવબાબાએ જે અત્યાર સુધીમાં ઉપયોગ કરેલ ન હોય તે ગુઢવિદ્યા શક્તિનો પ્રયોગ કર્યોં.
ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે એક ચહેરો અરીસામાં તરવરી ઊઠ્યો.
'અરે આતો કાળીદાસ છે.!!' પેલા શિષ્યો એકી સાથે બોલી ઊઠ્યા.
'કોણ કાળીદાસ?' ભૈરવબાબા બોલ્યા.
'હમણાં થોડા દિવસ પહેલા જ દરિયાકિનારેથી તેની લાશ મળી હતી. દોલતરામે ભૈરવબાબાને કાળીદાસની ઓળખ કરાવી.
તે સાથે જ ગામમાં ફરતી ચુડેલનું પગેરું મળી ગયું છે હોય તેમ ભૈરવબાબાના ચહેરા પર આનંદની લહેર દોડવા લાગી.
ભૈરવબાબાએ કાળીદાસના ચહેરાની ફરતે ભસ્મથી કુંડાળું કર્યું. તે સાથે જ આજુબાજુના પ્રેતાત્મા ગાયબ થઈ ગયા. ભૈરવબાબા આંખ બંધ કરીને ધીમે ધીમે હોઠ હલાવતા રહ્યા… ક્યાંય સુધી તે સમાધિમાં રહ્યા. અરીસામાં દેખાતા કાળીદાસનો ચહેરો પણ જાણે કંઈક બોલી રહ્યો હોય તે રીતે તેના હોઠ હલતા હતા.
ભૈરવબાબા અને કાળીદાસ વચ્ચે જાણે કોઈ ગુઢ વાતો થઈ રહી હતી.
અરીસામાં કાલિદાસના ચહેરા પર અધૂરી જિંદગી રહી જતા તે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું.
કાળીદાસ પાસેથી બધી વાતો જાણી લીધા પછી ભૈરવબાબાએ કાળીદાસને બંધનમાંથી મુક્ત કર્યો તે સાથે અરીસામાંથી કાળીદાસનો ચહેરો પણ ગાયબ થઈ ગયો.
ભૈરવબાબા સમાધિમાંથી બહાર આવ્યા.
કાળીદાસે ગામમાં ફરતી ચુડેલનું રાઝ જાણી લીધું હતું તે સાથે સાથે બખિયાશેઠની ખાનગી વાત પણ જાણી ગયો હતો. કાળીદાસને જીવન જીવવાની ખૂબ તીવ્ર ઈચ્છા હતી પણ તેનું ખૂન થતા તેનો જીવ અવગતે ગયો અને તે પ્રેતઆત્મા થઈ ભટકી રહ્યો છે. જ્યારે રાતે ગામમાં ફરતી ચુડેલ તો...
* * *
ગામમાં ફરતી ચુડેલને આતરી લેવાની યુક્તિ દોલતરામને બતાવી ભૈરવબાબા તેના ચેલાઓને લઈને ભૂતિયા, ડરામણું ડુંગર પરનું ઘરથી વહેલી સવારે ગીરનાર તરફ રવાના થયા.

