ભૂલ કોણ સ્વીકારે?
ભૂલ કોણ સ્વીકારે?


પુસ્તકનું પાનું ફેરવતા ફેરવતા પિતાએ કહ્યું, “બેટા, આને કહેવાય મોર. અને આ જો આ કાગડો. આ વાઘ.”
બાળકે વિસ્મય પામતા કહ્યું, “પિતાજી, આ ચિત્રોમાં દેખાય છે એવા પશુપંખીઓ શું ખરેખર આ પૃથ્વી પર હતા?”
પિતાએ પુત્રની વાત સાંભળી ન સાંભળી કરતા આગળ કહ્યું, “આ જો બેટા. આ સિંહ. આને જંગલનો રાજા કહેવાય.”
બાળકે પ્રશ્નો પૂછવાના શરૂ જ રાખ્યા, “એ બધા ક્યાં ગયા! હવે કેમ તેઓ દેખાતા નથી?”
પિતાએ વાતને બદલવા કહ્યું, “બેટા! ઈશ્વરને જે સારું લાગે છે તે પોતાની પાસે બોલાવી લે છે. આ બધા રંગબેરંગી પશુપંખી ઈશ્વરને ખૂબ ગમતા હતા એટલે” પિતા થોડુક ખચકાતા આગળ બોલ્યા, “એટલે તેણે એ બધાને પોતાની પાસે સ્વર્ગમાં બોલાવી લીધા.”
બાળકે ઉત્સાહમાં કહ્યું, “તો પિતાજી શું ઈશ્વરને આપણે મનુષ્યો પસંદ નથી? તેઓ આપણા બધાને કેમ સ્વર્ગમાં બોલાવી લેતા નથી? આપણે પણ જો સ્વર્ગમાં હોઈશું તો આ બધા સાથે મળીને કેટલી મજા મજા કરીશું નહીં?” કંઈક વિચારી બાળક આગળ બોલ્યું, “ઈશ્વરે કેમ આવો ભેદભાવ રાખતો હશે?”
પિતાએ એક નિ:સાસા સાથે પુસ્તક બંધ કરતા કહ્યું, “કદાચ તે સ્વર્ગને સ્વર્ગ જ રાખવા માંગતો હશે એટલે.”
પુત્ર અસમંજસથી પિતાને જોઈ રહ્યો.
પિતા શૂન્યમનસ્ક નજરે પુત્રને.
આખરે પોતાની ભૂલ કોણ સ્વીકારે?