Meghal Ben

Tragedy Thriller

4  

Meghal Ben

Tragedy Thriller

ભૂખ

ભૂખ

3 mins
113


રમલી, આમ તો તેનું નામ રમા હતું પણ જ્યારથી એ પરણીને રઘુ ભેગી આ અમદાવાદ શહેરમાં આ મજૂર વર્ગની ઝૂંપડપટ્ટીમાં રહેવા આવી ત્યારથી રમલી નામે જ ઓળખાય. એનો વર એને પ્રેમથી રમલી કહેતો તેમાં એ વિસ્તારના બધા એને એ નામે જ બોલાવતા થયેલા, હવે તો એ પણ એનું સાચું નામ ભૂલી ગયેલી.

     રમલીને પરણીને આવ્યે દસકો વીતી ગયેલો આટલા વર્ષ​માં તો સવાસૂરિયા ત્રણ છોકરાનો વસ્તાર પણ થઈ ગયેલ. કાટિયું વરણ અને રમલી એના વરણમાં થોડી દેખાવડી એટલે મા-બાપે સત્તરની થાતાં જ પરણાવી દીધેલ. એટલે હજુ મહેનતનું કામ કરી શકાય તેવી તેના શરીરમાં સ્ફૂર્તિ હતી એટલે જ તો આ મોંઘવારીમાં કારખાનામાં મજૂરકામ કરતાં રઘુની કમાણીમાંથી પાંચ જણાના રોટલા માંડ નીકળતા હોવાથી રમલીએ બે નાનાં કારખાનાંની સાફ સફાઈનું​ કામ કરી ઘર ખર્ચમાં​ ટેકો કરતી.

       રમલી અને રઘુ વધારે તો નહીં પણ પાંચ જણા નિરાંતે રોટલો ખાઈ શકે તેટલું તો બંને જણા થઈને કમાઈ લેતાં પણ કુદરતને જાણે આ જોડીની ઈર્ષા આવી હોય તેમ ગયા વર્ષે ઝેરી કમળાએ રઘુનો ભોગ લઈ લીધો અને રઘુ-રમલીની જોડી તૂટી ગઈ.

થોડાં દિવસ તો રમલી સૂનમૂન ઘરમાં બેસી રહી પણ પછી તેને છોકરાંવનો વિચાર આવ્યો કે" હું ક્યાંય બહાર કામે નહીં નીકળું તો આ બચ્ચાંવનું શું થશે?"

      રમલી બીજા દિવસથી ફરી કામે જવા લાગી, રઘુની તો આવક બંધ થઈ ગઈ એનાં જતાં. એટલે રમલીએ થોડી આવક વધારવા બીજા બે કારખાનામાં​ પણ સાફસફાઈ માટે જવા લાગી.

     રમલી સવારે છોકરાંવને​ પાસે આવેલી સરકારી નિશાળે ભણવા મોકલી પોતે પણ કામે નીકળી જતી. છોકરાઓ બપોરે નિશાળમાં અપાતા મધ્યાહ્ન ભોજનમાં જમી લેતા અને રમલી પણ કારખાનામાં

કોઈના ટિફિનનું કંઈ વધ્યું ઘટયું હોય તે ખાઈ લેતી.

સાંજે એક જ વાર ખિચડી છાશ કે શાક રોટલો રમલી રાંધતી અને આમ થોડા રૂપિયાની​ બચત કરતી.

      થોડાં મહિનાતો આ રીતે રમલીનું ઘર હાલ્યું પણ કુદરત જાણે એની પાછળ પડી ગઈ હોય તેમ અચાનક કોરોના જેવી મહામારી દુનિયામાં​ ફેલાઈ અને ભારત દેશમાં લોકડાઉન લાગુ પડ્યું બધા ધંધા - ઉદ્યોગ બંધ થઈ ગયા. આ પરિસ્થિતિમાં રમલીએ પોતાની કરેલ બચત અને દાતાઓ એ આપેલા રાશન વડે ઘર ચલાવ્યું.

    લોકડાઉન ખૂલતાં જ રમલીને હાશ થઈ કે હવે પાછા કામ ધંધા ચાલું થાશે તો કંઈક આવક પણ થાશે. પણ એ જ્યારે જે કારખાનામાં કામે જતી ત્યાં કામે ગઈ તો તેને જાણવા મળ્યું કે એનાં માલિક તો બધા ગામડે જતાં રહ્યા છે અને મંદીનો માહોલ હોવાથી હજુ છ મહિના એ લોકો ગામડે જ રહેવાના. રમલીએ બીજે ઘણે કામ ગોતવા કોશિશ કરી પણ બધેથી નિરાશા જ મળી એકાદ જગ્યાએ કામ મળે તેમ હતું પણ ત્યાં રમલીને શેઠની નજરમાં​ દાનવ દેખાયો. કોરોનાના ડરને કારણે કોઈ વાસણ માંજવાના કે કપડાં ધોવાના ઘરકામ કરવા પણ કોઈ નહોતું રાખતું. રોજ એ કંઈ કામ ગોતવા જતી અને સાંજે નિરાશા સાથે પાછી ફરતી.

      હવે તો બચતના રૂપિયા પણ ખૂટી પડયાં અને લોકડાઉન ખૂલી ગયું હોવાથી દાતાઓએ પણ રાશન આપવાનું બંધ કરી દીધેલ અને આવા ગરીબને ઉધાર તો કોઈ આપે જ નહીંને​? સાસરાવાળાએ તો રઘુ જતાં જ સંબંધ પૂરો કરી નાંખેલ, પિયર પણ હાંલ્લા કુસ્તી કરે તેવી હાલત હતી તો છોકરાંવને લઈને જાય પણ ક્યાં ? આજુબાજુમાં પણ બધો મંજૂર વર્ગ જ રહેતો હોવાથી બધાની હાલત રમલી જેવી જ હતી, કોઈ પાસે માંગવું પણ કેમ ? 

   હવે તો બે ટંક રાંધી શકાય એટલી જ ખિચડી ઘરમાં હતી, છોકરાંવને​ બે દિવસ તો એ ખવરાવી પણ છેલ્લા બે દિવસથી તો એણે કે છોકરાવે અનાજનો દાણો જોયો પણ નહોતો, રમલીતો ભૂખ સહન કરી લે પણ છોકરાઓને ભૂખે ટળવળતા તે ન જોઈ શકી અને આખરે છોકરાઓના પેટની ભૂખ ભાંગવા રમલીએ વિકારી પૂરૂષોની ભૂખ ભાંગવાનું કામ કમને પણ શરૂ કરવું પડ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy