mariyam dhupli

Tragedy Inspirational

4.5  

mariyam dhupli

Tragedy Inspirational

ભંગાર

ભંગાર

3 mins
324


ઓફિસની લન્ચબ્રેકમાં કેન્ટીન એરિયામાં બેઠા વિનોદે ટિફિન ખોલી પ્રથમ જમણનો કોળિયો મોઢામાં નાખવાનો પ્રયાસ કર્યો જ કે ખિસ્સામાંનો મોબાઈલ રણકવા માંડયો. બીજા હાથ વડે ખિસ્સામાંથી મોબાઈલ ખેંચતા ચહેરા ઉપરનો થાક બમણો થઇ ઉઠ્યો. પડદા ઉપર ઝળહળી રહેલું નામ તિરસ્કારથી નિહાળતા એણે બળજબરીએ કોલ ઉપાડ્યો. 

"વિનોદ..."

સામે છેડેથી શબ્દો બહાર નીકળતા એ પ્રમાણે ડરી રહ્યા હતા જાણે એ સાંભળનાર દ્વારા ઉચ્ચારનારનું મૃત્યુ નિશ્ચિત હોય. 

"હવે શું થયું ?"આગળના વાક્યોમાં કોઈ અશુભ સમાચાર રાહ જોઈ રહ્યા હોવાનું અનુમાન અવાજમાં તિરસ્કાર અને કડકાઈ રેડી રહ્યું. 

"વોશિંગ મશીન..."સમાચાર છૂટક શબ્દોમાં આપવાથી એની તીવ્રતા ઓછી થશે એવી ધારણા સામે છેડેથી ખચકાટ જોડે પડઘાઈ. 

બીજા હાથમાંનો કોળિયો પટકાઈને ફરીથી ટિફિનના ડબ્બામાં એક જ ઝાટકે જઈ પડ્યો. અવાજમાંની કડકાઈ એ બે શબ્દોની આડઅસર સ્વરૂપે હવે કડવી ઘૃણામાં પલટાઈ ગઈ. 

"થોડા મહિના પહેલા જ રીપેર કરાવ્યું તો હતું. કાળજીથી વાપરતા નથી આવડતું. ભોગવવાનું મારે. ઘરમાં પાંચ સભ્યોનો ખર્ચો છે ને કમાનાર એક. થોડી તો દયા ખાવ."

સળગી ઉઠેલા વાણીના દાવાનળથી એક મિનિટ સુધી સામે છેડે મૌન સન્નાટો છવાયેલો રહ્યો. ત્યાર બાદ કોઈ મદદ માંગવાની હિંમત બચી ન હોય એમ અત્યંત દબાયેલા અવાજમાં એક અંતિમ આજીજી છૂટી. 

"કોઈ વાંધો નહીં. તમે તાણ ન લો. મશીન કામ તો કરી રહ્યું છે. કપડાં ધોવાય છે. પાણી પણ બહાર કાઢે છે. ફક્ત સ્પિન કરતું નથી. એ તો હું હાથ વડે કપડાઓ નિચોડી લઈશ. બાળકો માટે એક જોડી વધારાના યુનિફોર્મ ખરીદી લઈશું. એટલે નિરાંતે સુકાઈ તો પણ તકલીફ નહીં પડે. ઠીક છે ? તમે જમી લીધું ?" 

જાણે કોઈ ખુબ જ વાહિયાત પ્રશ્નોનો સામનો થયો હોય એવા હાવભાવો જોડે એણે ઉત્તર આપ્યા વિના જ કોલ કાપી નાખ્યો. ટિફિનના ડબ્બાને ગુસ્સાથી દૂર ધકેલતા મોઢામાંથી રિસનું ઝહેર ઉડાવતો શાબ્દિક ધોધ છૂટ્યો. 

"આવું ભંગાર જેવું જીવન હોય તો જમવાનું મન પણ કેમ થાય ?"

માથામાં ઘુઘવાઇ રહેલો અશાંતિનો પારો ફાટી પડે એ પહેલા મનને અન્ય કોઈ દિશામાં વાળવા એણે ફેશબુકનો આશરો લીધો. થોડી સેકન્ડો સુધી સ્ક્રોલિંગ કર્યા બાદ એની આંગળી એક જ પોસ્ટ પર સ્થિર થઇ ગઈ. આંખની કીકીઓ પહોળી ફાટી પડી. ગળામાંથી થુંક ડાહ્યું બનતું ચુપચાપ નીચે ઉતરી ગયું. ચહેરા પર ફરેલી કડકાઈ શીઘ્ર એ રીતે અદ્રશ્ય થઇ ઉઠી જાણે એ ત્યાં કદી હતી જ નહીં. શરીરનું ગરમ લોહી બરફ જેવું ટાઢું પડી ગયું. શરીરના હાવભાવોમાંની ક્રૂરતાનું તરત જ બાષ્પીભવન થઇ ગયું. 

ફેસબુકમાંથી લોગ આઉટ કરી એણે થોડી ક્ષણો પહેલા રિસીવ કરેલા નંબર ઉપર કોલબેક કર્યો. કોલ તરત જ ઉપાડવામાં તો આવ્યો, પણ હજી કેટલું અપમાન થવાનું બાકી હતું એની ગણતરી મનમાં થઇ રહી હોય એમ સામે છેડે શિસ્તબદ્ધ ચુપકીદી જ છવાઈ હતી. 

"સાંભળ, ઈલા. આજે સાંજે આપણે નવું વોશિંગ મશીન ખરીદી લઈએ. તું ચિંતા ન કર. ઇન્સ્ટોલમેન્ટ પર લઈશ. એમ પણ આ મશીન બાર વર્ષ વાપર્યું. બહુ કહેવાય. હું ઓફિસેથી આવીશ ત્યારે તૈયાર રહેજે. ને સાંજની રસોઈની ચિંતા કરવાની જરૂર નથી. આજે બહાર જમી લઈશું. સાથે સાથે બાળકોની પણ એક આઉટિંગ થઇ જશે. એમના યુનિફોર્મની પણ નવી જોડ ખરીદી લઈશું. ઠીક છે ?"

''ઠીક છે." છલોછલ અવિશ્વાસમાં રંગાયેલા બે શબ્દો બાદ કરતા સામે છેડે એકધારી સ્તબ્ધતા પડઘાતી રહી. 

કોલ કાપી વિનોદે એક ઊંડો હાશકારો ભર્યો. મોબાઈલ એક બાજુ કરી બન્ને હાથ કૃતજ્ઞતા જોડે જમણ આગળ જોડી ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો અને આદરપૂર્વક જમણ જમવાની શરૂઆત કરી. 

એ જ સમયે દૂરની અન્ય કતારમાં જમણ લઇ રહેલ ઓફિસના અન્ય એક કાર્યકરનો હાથ અચાનક જમણ લેતા અટકી પડ્યો. એના મોબાઈલમાં પણ સમાચારની સમાન પોસ્ટ વિડીયો સ્વરૂપે ડોકાઈ રહી હતી. એજ ધરાશયી થઇ ગયેલી બહુમાળી ઇમારતો, એજ કાટમાળ નીચે દફન થઇ ગયેલા માનવદેહો, એજ ૬ ફેબ્રુઆરીની વહેલી સવારે તૂર્કી અને સીરિયામાં આવેલો ૭.૮ની ભયાનક તીવ્રતાવાળો વિનાશકારી ભૂકંપ જેણે એક ક્ષણમાં સુંદર માનવજીવનને ભંગાર બનાવી મૂક્યું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy