ભીંજવી રહ્યા
ભીંજવી રહ્યા
આજે હોલી નિમિત્તે સર્વત્ર આનંદ ઉલ્લાસનું વાતાવરણ હતું. સહુ કોઈ વેરઝેર ભૂલી એકબીજાને રંગ લગાડવામાં મસ્ત હતા. ક્યાંક રંગોની છોળો તો ક્યાંક સંગીતની ફૂવાર ઉડી રહી હતી! ક્યાંક કોઈ બીજાને રંગ લગાડવા તો ક્યાંક કોઈ બીજાના રંગથી બચવા દોડાદોડી કરી રહ્યા હતા. સર્વત્ર આનંદ આનંદ હતો. ઘરની પાછળની બાજુએ આવેલી બાલ્કનીમાં ઉભી રહી અંજલિ આ સઘળા દ્રશ્યો ઉદાસ વદને જોઈ રહી હતી. પોતાના પતિ સુજલ જોડે વિતાવેલી હોલીની પળો યાદ આવતા અંજલિના હોઠ પર સ્મિત ફરકી ઉઠ્યું પરંતુ બીજી જ ક્ષણે તેની આંખ સામે એ દ્રશ્ય આવ્યું કે જેણે તેના જીવનની તાસીર બદલી દીધી હતી. અંજલિના હોઠ પરનું સ્મિત અલોપ થયું અને આંખ સમક્ષ એ દ્રશ્ય જીવંત થયું.
*****
“સુજલ આ શું?” પોતાના પતિ સુજલને એક તરૂણીના ગાલ પર ગુલાલ લગાડતો જોઈ અંજલિ રોષભેર તાડૂકી હતી. તેનું રોદ્ર રૂપ જોઇને સુજલ પોતાની જગ્યાએ જ અટકી ગયો. અંજલિને મનાવવાના હેતુથી પ્રેમથી સુજલ તેની નજીક ગયો અને તેના ગાલ પર ગુલાલ લગાડતા બોલ્યો, “બુરા ન માનો હોલી હૈ...”
અંજલિએ સુજલનો હાથ એકતરફ હડસેલી દેતા કહ્યું, “બુરા ન માનો હોલી હૈ??? હોલી છે તો એ નિમિત્તે તમને આમ પરસ્ત્રી જોડે રંગરેલિયા મનાવવાની છૂટ મળી ગઈ!”
સુજલ હેબતાઈને બોલ્યો, “અંજલિ, તું આ શું બોલી રહી છે. રૂપા તો...”
અંજલિ સુજલને અધવચ્ચેજ રોકતા બોલી, “એમ? તો શું હું પણ બહાર જઈ પરપુરૂષો સાથે રંગરેલિયા મનાવું અને પછી કહું કે બુરા ન માનો હોલી હૈ?”
આ સાંભળી ગુસ્સામાં સુજલનો હાથ ઉપડી ગયો.
અંજલિ તુચ્છકારથી હસતા બોલી, “કેમ? અટકી કેમ ગયા? ઉપાડો હાથ... મારા મોઢે પરપુરૂષો સાથે હોલી મનાવવાની વાત માત્રથી તમારો હાથ ઉપડી ગયો! તો વિચારો તમને આમ પરસ્ત્રી જોડે રંગરેલિયા મનાવતા જોઈ મને કેવું થતું હશે?”
સુજલ બોલ્યો, “અંજલિ, તું વાતનું વતેસર કરી રહી છું. હું તો બસ...”
અંજલિ, “તમારી પાસે કહેવા માટે હજાર બહાના હશે પરંતુ મારે તે સાંભળવા નથી. હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રોકાવું.”
રૂપા બોલી, “ભાભી, આમ ઘર છોડીને ન જાઓ.”
અંજલિ ગુસ્સામાં બોલી, “એય! રૂપા, મારી સાથે જીભાજોડી કરવાનો પ્રયત્ન કરીશ નહીં... નહીંતર હું તારું ડાચું તોડી દઈશ. સમજી?”
રૂપા સમસમીને પોતાની જગ્યાએ જ ખીલો થઇ ઉભી રહી.
સુજલ બોલ્યો, “અંજલિ, જરા મારી વાત તો સાંભળ...”
“જે કંઈ કહેવું કે સંભળાવું હોય તે તમે તમારી આ રૂપાને સંભળાવો.” આમ બોલી અંજલિ ઘરમાંથી સડસડાટ બહાર નીકળી ગઈ હતી.
આજે...
પુરા એક વર્ષ બાદ એ ઘટના યાદ આવતા અંજલિની આંખમાં અશ્રુ આવ્યા. તેણે વિચાર્યું. “એ દિવસે મેં કેમ સમજદારી દેખાડી નહીં.” પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવ્યો, “કોઇપણ પત્ની પોતાના પતિને પર સ્ત્રીને આમ ગુલાલ લગાડતો જોઈ ક્રોધિત થાય જ. આ સામાન્ય વાતને સુજલે પણ સમજવી જોઈતી હતી. જો એ દિવસે તેમણે મારા ઉપર હાથ ઉપાડ્યો ન હોત તો મારા ક્રોધની અગ્નિ ભભૂકી જ ન હોત.”
“ઓ... અંજલિબેન, હોલી રમવા નથી આવવું?”
સાડીના છેડા વડે આંખમાં આવેલા અશ્રુને લૂછતા લૂછતા અંજલિ બોલી, “પ્રેમિલાબેન, મારી તબિયત ઠીક નથી. તેથી મારાથી હોલી રમવા આવી શકાશે નહીં.”
પ્રેમિલાબેન બોલ્યા, “કેમ શું થયું?”
અંજલિને ચુપચાપ ઉભેલી જોઈ હોલી રમવા અધીરા બનેલા પ્રેમિલાબેન તેના જવાબની રાહ જોયા વગર ત્યાંથી આગળ વધી ગયા.
“કેમ શું થયું!!! એ દિવસે કશું જ થયું ન હોત જો અમે બંને એ સમજદારી દેખાડી એ ક્ષણને સાચવી લીધી હોત. કોઈના પણ ચારિત્ર્ય પર આંગળી ઉઠે તો એ ક્રોધિત થાય જ... સુજલનું રોષે ભરાઈ મારા પર હાથ ઉઠાવવું સ્વાભાવિક હતું. આટલા વર્ષો સાથે રહેવા છતાંયે મેં તેમના પર શંકા કરી જ કેવી રીતે? મારે સમજવું જોઈતું હતું કે કોઈ સ્ત્રી પુરૂષ વચ્ચે માત્ર પ્રેમી કે પ્રેમિકા પુરતો જ સબંધ હોતો નથી. પરંતુ તેઓ દોસ્ત કે ભાઈ બહેન પણ હોઈ શકે છે. સુજલ કોલેજકાળથી રૂપાને બહેન માનતા હતા. એ દિવસે રૂપા વર્ષો બાદ પિયર આવેલી હોવાથી સુજલને મળવા ઘરે આવી હતી. પાછળથી જયારે મને આ વાતની જાણ થઇ ત્યારે મનોમન ખૂબ પસ્તાવો થયો હતો. સુજલની માફી માંગવાની ઈચ્છા થઇ પરંતુ હું તેમની સામે ક્યાં મોઢે જાત! બીજું કે આ એક વર્ષમાં સુજલ પણ મને મનાવવા ક્યારે આવ્યા નહીં!!! જોકે ભૂલ તેમની નહોતી તો એ મને મનાવવા અહીં મારા ઘરે કેમ આવે? મારે જ સુજલ પાસે જઈ તેમની માફી માંગવી પડશે... પણ એ મને માફ કરશે?”
ત્યાંજ બહાર ગલીઓમાં બાળકો એકબીજા પર રંગ ઉડાવતા બોલ્યા, “બુરા ન માનો હોલી હૈ...”
આ સાંભળી અંજલિના મગજમાં વિચાર ઝબકયો, “કેમ નહીં હોલી નિમિત્તે હું જ સુજલ પાસે જઈ તેમની માફી માંગું? આમપણ આ તહેવારમાં જુના વેરઝેર ભૂલી એકમેકને પ્રેમથી રંગ લગાવવાની પરંપરા છે. હા, આજ બરાબર છે. હું હમણાં જ સુજલ પાસે જઈ તેમની માફી માંગું છું. તેઓ માફ નહીં કરે તો હું તેમને ગમે તે રીતે મનાવી લઈશ.”
આમ વિચારી અંજલિએ ટેબલ પર મુકેલી પોતાની પર્સ ઉઠાવી. ઘરની બહાર નીકળવા તેણે બારણું ઉઘાડ્યું તો એ સ્તબ્ધ થઇ ગઈ. આશ્ચર્યના ઝટકા સાથે ખુશીની લહેર તેના અંગેઅંગમાં પ્રસરી ગઈ. અચંબિત સ્વરે તેણે પૂછ્યું, “સુજલ, તમે અહિયાં?”
સુજલે પોતાની સાથે લાવેલી ગુલાલની થેલીમાંથી ચપટી ગુલાલ ભરી અંજલિના ગાલ પર લગાવી ધીમા સ્વરે કહ્યું, “બુરા ન માનો હોલી હૈ...”
અંજલિ વિસ્મિત નજરે સુજલને નિહાળી રહી.
તે મનોમન ઈશ્વરનો આભાર માની રહી.
સુજલે કહ્યું, “અંજલિ... એ દિવસે...”
સુજલનું વાક્ય પૂર્ણ થાય એ પહેલા જ અંજલિ તેને વળગી પડતા બોલી, “મને માફ કરી દો... મને માફ કરી દો...”
બહાર બાળકો રંગ ભરેલી પિચકારીથી અને અહીં સુજલ અને અંજલિ એકમેકને અશ્રુઓથી ભીંજવી રહ્યા...