ભાષાને શું વળગ્યું ભૂત!
ભાષાને શું વળગ્યું ભૂત!
‘ભૂત ભાષા’ને નથી વળગ્યું, ભૂત આપણાં (માનવીનાં) દિમાગને વળગ્યું છે. ‘ભાષા’ ને ભલાં ભૂત કેવી રીતે વળગે? તે તો બિચારી સંપૂર્ણ પણે આપણાં તાબામાં છે. જનમ્યા ત્યારે કઈ ભાષા બોલતાં હતાં? એક જ ભાષા, ‘રડવાની’. જે દુનિયાની દરેક વ્યક્તિ સમજી શકે છે. કોઈ અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ કે હિંદીમાં રડતું નથી. ગુજરાતીમાં તો નહી જ! જેમ મોટું થાય તેમ માતા અને પિતા બોલતાં હોય તે ભાષા બાળક શીખે છે. જેમ જન્મ આપનાર માતા કહેવાય છે, તેમ બોલવાની ભાષાને “માતૃભાષા” કહીએ છીએ.
જો ભાષાનું વર્તમાન ભવ્ય તો ભવિષ્ય ઉજ્જવલ તેમાં શંકાને સ્થાન નથી. આ કાળા માથાંનો માનવી ખોટી ખાંડ ખાય છે. શું સમજે છે પોતાની જાતને? ભાષા પર પ્રભુત્વ તો બાજુએ રહ્યું રોજ બરોજની ભાષામાં પણ મોટો ભમરડો! આપણે વાત કરી રહ્યા છીએ માતૃભાષા ગુજરાતીની. ‘બાવાનાં બેય બગડ્યા’ની જેમ નથી પાકું ગુજરાતી આવડતું કે નથી અંગ્રેજી, બે જણાં ભેગાં થાય તો ભાષાની ખિચડી કરીને વાત ચાલું કરે. ઉપરથી પોતાની જાતને આધુનિક ગણાવે!
જ્યાં પોતાની ભાષામાં ફાંફા પડતાં હોય ત્યાં ‘બિચારી’ આપણી રાષ્ટ્રભાષા હિંદીનાં તો ધજિયા ઉડાવે!
હજું ગઈ કાલની વાત છે. મારી મિત્ર ન્યૂયોર્કથી આવી હતી. અમારાં ઘરની સામે ઘણો સુંદર મોટો બગિચો છે. જેનાં ચાર ભાગ છે. ‘ટેનિસ’ રમવા માટે, કૂતરા માટે, નાનાં બાળકો માટે જેમાં હિંચકા અને લસરપટ્ટી હોય અને અંતે મારાં/તમારાં જેવાઓને ચાલવાં માટેનો હિસ્સો. સામેથી આવતી મારી એક બગિચાની બહેનપણી મળી. બંન્નેની ઓળખાણ કરાવી સાથે ચાલી રહ્યા હતાં.
‘આ સુનિતા હમાણાં થોડાં વખત પહેલાં વડોદરાથી આવી છે’. ત્રણે જણાં વચ્ચે વાત ચાલુ થઈ ગઈ. ઘડીમાં ગુજરાતી બોલે, ઘડીમાં અંગ્રજી વચમાં મરાઠી પણ આવી જાય. મારી હાલત કાપો તો લોહી ન નિકળે જેવી થઈ ગઈ. કઈ ભાષામાં કેવી રીતે વાત ચાલુ રાખવી?
મારી આદત પ્રમાણે જો ભારતથી નવા જુવાનિયાં આવ્યા હોય તો, ગુજરાતી સાથે ગુજરાતીમાં અને ઉત્તર પ્રદેશનાં લોકો સાથે હિંદીમાં વાત કરવાની મારી આદત છે. નવા નવા આવેલાં ભારતીયોને તેથી આત્મિયતા લાગતી. અહીં તેમને ગમતું નથી. જો તેમની સાથે આપણી ભાષામાં વાત કરીએ તો ખુશ થાય છે.
નવા આવેલાં ને ન કોઈ ઓળખે. ન નોકરી કરી શકે કે ન ગાડી ચલાવે. તમે સમજી શકો કેટલાં ગુંગળાઈ મરે. માતા, પિતા , સાસરીવાળા સહુ ભારતમાં પતિ આખો દિવસ નોકરી પર હોય. ઉપરથી ઘરનું બધું કામકાજ જાતે કરવાનું. જો નાનું બાળક હોય તો ૨૪ કલાક તેની પાછળ. આપણાં દેશનાં જુવાનિયાઓને ભણતર અને આવડતને કારણે અમેરિકા આવવાનો મોકો મળે છે તે જેટલું સાચું છે તેટલું જ તેમની પત્નીઓને અહીં એકલતા કોરી ખાય છે. તેમાંય જો હિંદી ભ
ાષા ન આવડે તો બે હિંદુસ્તાની ભેગાં થઈ અંગ્રેજીમાં જ વાત કરી શકે!
અમારાં જમાનામાં ગુજરાતી એટલે પાકું ગુજરાતી બોલાય. જો વચ્ચે અંગ્રેજી શબ્દ ઘુસાડ્યો તો લોકોની આંખો ફરે. અમારાં દવે સર અને જયા બહેન જોડણીનાં ખૂબ પાકાં. પરિક્ષાનાં પેપર પર લાલ ચિતરડાં ચિતરી મૂકે. અંદર શું લખ્યું હતું એ શોધવું પડે.
આ પેલી ‘ઉંઝા જોડણી’, સારું થયું એ નવું “બખડજંતર” જોવાં તેઓ જીવતા નથી! હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ તે બંન્ને વચ્ચેનો ભેદ ન જાણીએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો સમય આવે. એવાં કડક છતાં જ્યારે નિબંધ લખ્યો હોય તો કહેશે, “તારો નિબંધ આખાં વર્ગને વાંચી સંભળાવ”. ‘તું ગુજરાતીમાં નિબંધ સરસ લખે છે.'
ભાષા સાથે ચેડાં આપણે કહેવાતાં વિદ્વાનો કોની પરવાનગીથી કરતાં હશે? હું તો સામાન્ય વ્યક્તિ છું. મારો અભિપ્રાય દર્શાવવાની સ્વતંત્રતા લીધી છે. કોઈનું અપમાન કરવાનો ઈરાદો નથી. પણ ભાષા સાથે જે છૂટછાટ લેવામાં આવી છે તે જરા પણ પસંદ નથી. એક વાત કહેવાની ઈચ્છા રોકી શકતી નથી. સત્ય કોઈ પણ સમયે, સ્થળે અને સંજોગોમાં સત્ય રહેવાનું. અસત્યનો આંચળો ક્યારે દગો દેશે તેનો કોઈને અંદાઝ હોતો નથી!
આજે આ ઉંમરે પણ ગર્વનો અહેસાસ થાય છે. ગૌરવભેર આપણી ગુજરાતી અને હિંદી ભાષા ભણતાં. હિંદીમાં તો પરિચય સુધીની પરિક્ષા આપી. કોવિદ વખતે ભણવાનું બહુ હતું તેથી ન આપી શકાઈ. હા આજે ૨૧મી સદીમાં ઘણું બધું બદલાઈ ગયું.
સહુથી વધુ બદાલાયું હોય તો “માનવીનું મન”. તેમાં પ્રવેશેલી વિકૃતતા અને પશ્ચિમનું આંધળું અનુકરણ આપણને કઈ દિશામાં લઈ જાય છે, તેનું ભાન પણ નથી.
ભાષા એ દેશની કરોડ રજ્જુ છે. જો તેમાં ખોડ ખાંપણ જણાશે તો ભાષા સાથે સંસ્કૃતિ પણ વિખરાઈ જશે. ખરું પૂછો તો અંગ્રેજો એ કરવામાં સફળ થયાં છે. આપણાં લોહીમાં ભારતીય ભાષા કમ ‘અંગ્રેજી’ વહેતી કરી ગયા. જે માનવ શરીરનાં ખૂણે ખૂણે ઝેર પ્રસરાવી ગઈ. આજે ૨૧મી સદીમાં જો જરાક પણ અંગ્રેજીની વિરૂદ્ધમાં બોલશો તો લોકો તમને પાગલખાનામાંથી છૂટી આવેલાં માનશે. આપણી આધ્યાત્મિકતાને પ્રચંડ ધક્કો અંગ્રેજીએ પહોંચાડ્યો છે.
અધોગતિએ માઝા મૂકી છે. આપણી ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નું જ્ઞાન અંગ્રેજીમાં લોકોને વધારે ગમે છે. મૂરખાઈ તેની ચરમ સીમા પાર કરી ગઈ છે. ‘યોગ’ની વિદ્યા’ નું પ્રસરણ અંગ્રેજીમાં થઈ રહ્યું છે. તેનાં ઉચ્ચાર સાંભળીને મારાં તમારાં જેવાનું લોહી ખોળી ઉઠે છે.
‘વસુધૈવ કુટુંબકમ’ની દોડમાં કુટુંબ જ વિસરાઈ ગયું. કઈ ભાષામાં આપણે પારંગત છીએ તે કળવું મુશ્કેલ છે. પારંગત ન હોઈએ તો કોઈ વાંધો નથી, કિંતુ ભાષાની ખિચડી કે પુલાવ ન બનાવીએ તો પણ ઘણું.