ભારત માંઁ
ભારત માંઁ
અખૂટવાત કરીએ આપણા દેશ વિશે શું કહેવું અને શું બાકી મૂકવું એ જ નથી સમજાતું, અખૂટ ખજાનો છે મારા દેશનો ક્યાંથી શરૂઆત કરું એ નથી સમજાતું.
મારો દેશ એ એક દેશ નહીં પરંતુ એક સંસ્કૃતિ છે. દુનિયાના કોઈ પણ દેશને તમે માં ના કહી શકો પરંતુ મારો ભારત દેશ એકમાત્ર એવો દેશ છે કે જેને તમે માં કહી શકો. “ભારતમાં”
અમે ભારત માતાના સંતાનો. સાહેબ દેશ ની કિંમત સમજવી હોય ને તો થોડાક દિવસ વિદેશમાં રહી આવવાનું એટલે તમને દેશની કિંમત સમજાઈ જશે કહે છે ને કે ઘરની કિંમત સમજવી હોય તો થોડા દિવસ બહારગામ ફરી આવો.
ઉપરનું આ વાક્ય ખાસ કરીને એ લોકો માટે છે જે દેશમાં જ રહીને દેશની સંસ્કૃતિને દેશની ધરોહરને હંમેશા ન બોલવાનું બોલતા હોય છે આપણા દેશમાં તો આવું છે ને ફલાણું છે ને ઢુકડુ છે ને બીજા દેશમાં આવું નહીં ને. તો તમને કોણ કહે છે અને કોણે કીધું કે તમે અહીંયા રહો. જતા રહો તમે બીજા દેશમાં પરંતુ ના રહેવાનું અહીંયા અને ખોટું ખરાબ બોલવાનું પણ અહીંયા. પેલું કહે છે ને કે ખાય એનું જ ખોદે એના જેવું છે.
આપણા ભારત દેશ વિશે વાત કરીએ સાહેબ તો વર્ષો પહેલા એક રાજાના નામ પરથી દેશનું નામ ભારત દેશ રાખવામાં આવ્યું છે. આપણા બંધારણમાં તેને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું છે પરંતુ આપણે એને હિન્દુસ્તાનના નામથી પણ ઓળખીએ છીએ. ભારત દેશની જે હાલમાં સીમાઓ આપણે જાણીએ છીએ કે પશ્ચિમમાં પાકિસ્તાન, ઉત્તરમાં અફઘાનિસ્તાન અને ચીન, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભુટાન, પૂર્વમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, દક્ષિણમાં શ્રીલંકા દેશ આવેલા છે. પરંતુ વર્ષો પહેલા ભારત દેશની સીમાઓ છેક અફઘાનિસ્તાનથી આગળ ઈરાન સુધી અને આ બાજુ છેક બરમાં(મ્યાન્માર) સુધી વિકસેલી હતી. ભારત દેશ એક ભૂમિનો ટુકડો નથી પરંતુ એક જીવતું જાગતું વ્યક્તિત્વ છે.
વર્ષો પહેલા આ દેશની સંસ્કૃતિમાં જ રામાયણ, મહાભારત જેવા ગ્રંથો રચાઈ ગયા. હિમાલયમાં ભગવાન શંકરને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે તો ગોકુળ મથુરાની માલીપા મારો ભગવાન શ્રીકૃષ્ણ રમીને મોટા થયા છે અયોધ્યાની વાત કરીએ તો મર્યાદા પુરુષોત્તમ રામ જ્યાં જન્મ્યા અને રામ રાજ્યની સ્થાપના કરી હતી. આ ધરતી ઉપર ખુદ ભગવાને પણ આવીને રહ્યા હોય એ દેશની ધરતી કેટલી ભાગ્યશાળી કહેવાય. એના પછી કેટલાય રાજાઓ આવીને રાજ કરી ગયા. ગુપ્ત વંશ, મૌર્ય વંશ, ચાલુક્ય વંશ, ત્યારબાદ અફઘાનો આવ્યા ત્યારબાદ મોગલ આવ્યા થોડા ઘણા વર્ષો આ દેશ પર મરાઠા સામ્રાજ્ય પણ હતું. સમય જતા જતા અંગ્રેજોનું આગમન થયું અને કહીએ કે એક મહાન લોકશાહી ઉપર 200-500 ગોરા લોકોએ પોતાની હુકુમત ચલાવી અને લગભગ 200-250 વર્ષ શાસન કર્યું. ભારત દેશની સંસ્કૃતિને નિસ્તો નાબૂદ કરી નાખી એક ગુલામી તરીકેનું જીવન બધાના મનમાં ઘર કરી ગયું. અંગ્રેજોએ રાખેલી ગુલામી હાલમાં પણ અમુક અમુક જગ્યાએ જોવા મળે છે આમ ભારત દેશનો ઇતિહાસ વિવિધતાથી ભરેલો છે.
હળવે હળવે અંગ્રેજોના ગુલામીમાંથી છૂટવાનો સમય આવી ગયો હતો. 1857 નો સંગ્રામ ભારત દેશના લોકોના હૃદયમાં એક સ્વતંત્રતા માટેની જ્વાળામુખી ભડકી ઊઠી અને ધીમે ધીમે સ્વરાજ તરફ ડગ ભર્યા. હજારો લાખો જીવ આમાં શહીદ થઈ ગયા. કંઈક લોકોએ આમાં પોતાના હાડ હોમી દીધા અને આખરે દિવસ આવી ગયો 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો. વર્ષોના કારાવાસ પછી એક પક્ષીને પાંજરામાંથી જેમ છૂટું મૂકવામાં આવે એમ ભારત સ્વતંત્ર થયું. એક ગુલામીની જંજિરથી દેશ લોકશાહી દેશ બન્યો જેના બે ટુકડા થયા. ભારત અને પાકિસ્તાન અને એ દુશ્મની આજે પણ આઝાદીના 70-70 વર્ષ પછી પણ જોવા મળે છે.
ભારત દેશમાં 28 રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશો છે જમ્મુ કાશ્મીર જેને સ્વર્ગ કહેવામાં આવે છે એનો આઝાદીનો મુદ્દો કાયમ એક લાવાની માફક સળગતો રહ્યો છે 370 ની કલમ રદ થઈ જવા છતાં પણ એનો નિવેડો નથી આવ્યો.
આપણો દેશ આજે દુનિયાની મહાસત્તાઓમાં સામેલ થઈ રહ્યો છે પહેલા અમેરિકા, ફ્રાંસ અને રશિયા જેવી મહાસત્તાઓ ભારત દેશને પછાત ગણતી. પરંતુ હાલના સમયમાં દુનિયાની મહાસત્તાઓ ભારત સાથે મૈત્રી પૂર્ણ સંબંધો રચવાની કોશિશમાં છે. કારણ કે ભારત સોને કી ચીડિયા હતો અને હવે કદાચ ફરીથી એ ચીડિયા પોતાના મૂળ સ્વરૂપમાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે.
ભારત દેશ ઉત્તરમાં સ્વર્ગરૂપી કાશ્મીર અને દક્ષિણમાં રામસેતુ સુધી જ્યારે પૂર્વમાં બંગાળાની ખાડીથી છેક પશ્ચિમમાં કચ્છના સિરક્રિક સુધી વિસ્તરેલો છે. ભારત દેશની સંસ્કૃતિ બહુ યુગો યુગો જૂની છે.
આપણા દેશની ધરતી પર મહાન સંતો થઈ ગયા, મહાન ઋષિમુનિઓ થઈ ગયા, મહાન વૈજ્ઞાનિકો, મહાન રાજાઓ, એવા અનેક મહાન વ્યક્તિત્વ ધરાવતા મનુષ્યો આપણા ભારત દેશની ધરતી ઉપર જન્મ્યા છે.
આપણા દેશ ઉપર તો અઢળક પુસ્તકો લખાઈ ગયા છે અને હજુ પણ પુસ્તકો લખાશે તો પણ આ દેશની વાતો ખૂટે એમ છે નહીં. એટલા માટે મને આવડે એટલું એક શબ્દોરૂપી પુષ્પોથી ભેટ અર્પણ કરું છુ.
મારો દેશ મારા માટે ખુબ જ મહાન છે. હુ એને કાયમ સમર્પીત રહીશ.
જય હિન્દ જય ભારત
