અનોખો તહેવાર
અનોખો તહેવાર
પહેલાના લોકોમાં તહેવાર ઉજવવા માટેની ઉત્સુકતા જે હતી અને સમય જતા જતા તેમાં હવેની પેઢીની નિરસતા જે આપણને દેખાઈ રહી છે.
મિત્રો તહેવારો તો તમને બધાને ખબર જ છે કે દરેક પ્રદેશના અલગ અલગ તહેવાર હોય આપણો ભારત દેશ એ સાંસ્કૃતિક ભાવ થી ભરાયેલો છે, આપણા દેશની સંસ્કૃતિ બહુ જૂની છે અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે. એમા તારીખ પ્રમાણે પણ તહેવારો ઉજવવામાં આવે છે અને તિથિ પ્રમાણે પણ તહેવારો ઉજવવામાં આવે છે
જેમકે રામ નવમી, વસંત પંચમી, દિવાળી, ગણેશ ચતુર્થી, રક્ષાબંધન આ બધા તહેવારો તીથી પ્રમાણે ઉજવવામાં આવે છે. ભારતનો એકમાત્ર ઉતરાયણ જ એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે. ચૌદ જાન્યુઆરીના રોજ ઉતરાયણ ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસે મહાન વ્યક્તિત્વ ધરાવતા એવા મહાભારત કાળના ગંગાપુત્ર ભીષ્મ આ દિવસે મૃત્યુ પામ્યા હતા કહે છે કે ઉતરાયણના દિવસે જેનું મૃત્યુ થાય એને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આવી તો ઘણી બધી લોકવાયકાઓ આપણા દેશમાં તહેવારો સાથે જોડાયેલી છે. જેમ કે રામે રાવણનો વધ કર્યો, અસત્ય ઉપર સત્યનો વિજય થયો અને રામ સીતાને લંકામાંથી લઈને અયોધ્યા પાછા પધાર્યા. અયોધ્યા વાસીઓ રાજા રામ અને માતા સીતા ના સ્વાગત માં તે દિવસે દિવાળી મનાવે છે. જેમ ગુજરાતમાં ઉતરાયણ મનાવવામાં આવે છે એવી જ રીતે પંજાબી ભાઈઓ એમનો તહેવાર લોહડી ઉજવે છે, તે દિવસે નવા પાકની લણની કરવામા આવે છે. તેમજ તમિલ ભાઈઓ પોંગલ નામનો ઉત્સવ બનાવે છે.
જેમ અલગ અલગ પ્રદેશ હોય છે એ પ્રમાણે એ લોકોના પારંપરિક ઉત્સવ પણ હોય છે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરે પ્રદેશોમાં અલગ અલગ તહેવારો મનાવતા હોય છે. આ બધું તો તમને ખબર જ છે, કયા કયા તહેવારો મનાવવામાં આવે છે, શું એની વિશેષતાઓ હોય છે.
પહેલા ના જમાનામાં જે રીતે દરેક તહેવારો હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવતા હતા એવી રીતે હાલની જનરેશન તહેવારોમાં ઉત્સુકતા નથી દેખાવથી. અમારી જ વાત કરીએ તો અમે પહેલા ઉતરાયણ આવતી તો આગલા દિવસે રાત રાત જાગીને પતંગની કિન્નાઓ બાંધતા, સવારે ચાર પાંચ વાગ્યે પતંગ ચગાવવા માટે ધાબા ઉપર ચડી જતા હતા અને રાત્રે આઠ વાગે તો પણ નીચે નહોતા આવતા. પરંતુ હાલ તહેવાર હોય એટલે એને હોલીડે સમજીને આરામ ફરમાવવામાં આવે છે, પહેલા દિવાળી હોય એટલે લોકો એકબીજાના ઘરે શુભેચ્છા મુલાકાત માટે જતા પરંતુ હવે એવો વ્યવહાર નથી જોવા મળતો. અને હોળી જેવો તહેવાર તો જાણે લુપ્ત જ થઈ ગયો છે.
આખા ભારત દેશની તો વાત નથી કરતો પરંતુ ગુજરાતના તહેવારોની વાત કરીએ તો બાર મહિનામાં એક પણ મહિનો ખાલી જતો નથી તહેવાર વગર જેમ કે કારતક મહિનામાં નુતન વર્ષાભિનંદન થી શરૂઆત કરીએ અને આસો મહિનાની દિવાળી સુધીના તહેવારો ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં તહેવારોની સાથે સાથે ભાત ભાતના અને જાત જાતના મેળાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોડાયેલા છે. તહેવારો એ આપણી સંસ્કૃતિમાં વણાઈ ગયા છે, અને તહેવાર એ જ આપણી સંસ્કૃતિ છે એવું કહીએ તો પણ ચાલે.
પરંતુ મારા મત પ્રમાણે તહેવાર એટલે શું...?
તો મિત્રો જ્યારે પણ તમે કોઈપણ વાતમાં આનંદ અનુભવો તો એ પણ તમારો તહેવાર છે એમ માનવું.
તમે હાથમાં લીધેલું કામ પાર પડી જાય સફળતાપૂર્વક તો માનવાનું એ દિવસે તમારો તહેવાર છે.
તમે કોઈપણ વ્યક્તિના ચહેરા પર એક સ્માઈલ લાવી શકો, કોઈના જીવનમાં પ્રકાશ કરી શકો તો સમજી લેવાનું કે તમારો તહેવાર.
વર્ષોથી અબોલા લીધેલા ભાઈઓ જ્યારે એકબીજાને ગળે ભેટીને મળે અને આંખના ખૂણા ભીના થાય એટલે સમજવાનું કે એ દિવસે તેમનો તહેવાર.
વૃદ્ધાશ્રમમાં વર્ષોથી એના વહાલ સોયા દીકરાની રાહ જોતી માં ને એનો દીકરો પોતાના ઘરે પરત લઈ જવા માટે આવે એ દિવસે દિવાળી જેવા તહેવારને પણ ઝાંખા પડે એવો તહેવાર એક માં ના હ્રદય મા હોઈ છે.
જાહેર જીવનમાં ઉજવાતા તહેવારોની વાતો તો તમે ઘણી બધી સાંભળી હશે પરંતુ માનવીના અંતરાત્મા ની માલીપા ઉજવાતા તહેવારો જો કોઈ હોય તો એ છે બે ભાઈબંધો નું મિલન, માં દીકરાનું મિલન, ભાઈ ભાઈનું મિલન, આ મિલન જ્યારે થાય છે ત્યારે એક અનોખો તહેવારો ઉજવાય છે.
અંતમાં એટલું જ કહીશ કે જો તમારો વ્યવહાર સારો હશે તો તમારા તહેવારમાં કોઈ પણ જાતની ખોટ નહીં આવે.
