પુસ્તક આપણો મિત્ર
પુસ્તક આપણો મિત્ર
પુસ્તક એટલે આપણો એક સાચો મિત્ર.......પુસ્તક એટલે આપણા જીવનમાં શીખવા માટેની નિસરણીનું પ્રથમ પગથિયું.
એ પછી કોઈ પણ પુસ્તક હોય બાળમંદિરમાં આપેલી કાર્ટૂનની કે પછી પંચતંત્રની વાર્તાઓ કે પછી ગીતા, મહાભારત, રામાયણ કોઈ પણ કેમ ન હોય જેમાંથી આપણને શીખવા મળે એ ચોપડી હોય.
ચોપડી એટલે ખબર પડે ને...? જેને ઈંગ્લીશમાં બુક કહેવાય, હિન્દીમાં કિતાબ કહેવાય, ગુજરાતીમાં પુસ્તક કહેવાય એને અમારી દેશી ભાષામાં અમે ચોપડી કહીએ. બહુ જૂની કહેવત છે
"જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય"
એટલે જે જીવનમાં ભણશે ગણશે અને આગળ પ્રગતિ કરશે એ શાંતિથી બેસીને રોટલી ચોપડીને, ઘી વાળી રોટલી ચોપડી શકે એટલો સક્ષમ બનશે. આ એનો ભાવાર્થ છે કહેવત બહુ જૂની છે પણ હાલમાં પણ લાગુ પડે છે, જે લોકો ભણ્યા છે એ તેમના પાછલા જીવનમાં સુખી થયા છે અને જ્યારે લોકોએ વિદ્યાર્થી કાળ દરમિયાન ભણવામાં ધ્યાન નથી આપ્યું એ લોકો પાછળના જીવનમાં હેરાન થાય છે.
આપણે વાત કરતા હતા પુસ્તકની, પુસ્તકનું મહત્વ માનવીના જીવનમાં બહુ રહ્યું છે આમ પણ મને નાનપણથી પુસ્તક સાથે બહુ લગાવ, એમાં પણ ગુજરાતી સાહિત્ય, એમાં પણ જો સૌથી વધારે વહાલુ હોય તો મને કચ્છ, કાઠીયાવાડ, સૌરાષ્ટ્ર ઉપર લખાયેલી પુસ્તકો અને અને એમાં પણ જો કોઈ મારો પ્રિય લેખક હોય તો ઝવેરચંદ મેઘાણી જેની અઢળક પુસ્તકો મેં વાંચી છે.
એમાંની મને જો ગમતી હોય કોઈ પુસ્તક તો એ છે સોરઠી બહારવટિયા. મારી ખૂબ જ પ્રિય પુસ્તક છે એક સમયે હું જ્યારે એન્જિનિયરિંગ ભણતો હતો ત્યારે મારા ફ્રી સમયમાં હુ તમને મારી કોલેજની લાઇબ્રેરીમાં વધારે જોવા મળુ એવું બનતું. સોરઠી બારવટીયા ની વાત કરી છે તો એની સાથે સંકળાયેલો મારો એક કિસ્સો તમને સંભળાવું.. એક વખત હું મારી કોલેજની લાઇબ્રેરીમાં પુસ્તક લેવા માટે ગયો ત્યાં ગુજરાતી સાહિત્યના પુસ્તકો ક્યાં પડ્યા હશે એ મને ખ્યાલ જ હતો એટલા માટે હું સીધો જ એ અલમારી જોડે જઈને ઉભો રહ્યો,, અને એમાંથી મેં સોરઠી બારવટીયા પુસ્તક હાથમાં લીધું એ પુસ્તક હાથમાં લેતા જ જાણે અંદર લખાયેલા અલગ અલગ બહારવટિયાઓના જીવન ચરિત્ર મને કહી રહ્યા છે મને પોતાની જોડે બોલાવી રહ્યા છે એવું મને અંતરથી ભાવ પ્રગટ થયો એટલે મેં નક્કી કર્યું કે આ પુસ્તકને આપણે વાંચવું છે તેથી પુસ્તકને હું ઘરે લઈ જવા માટે લાઇબ્રેરીના સાહેબ પાસે ગયો તેમણે મારી પાસે લાઇબ્રેરીનું કાર્ડ માગ્યું જેમાં બુક લઈ જવાની પાછા આપવાની તારીખ લખવામાં આવે છે, એટલે મેં તરત મારુ કાર્ડ આપ્યું સાહેબે નામ વાંચ્યું અને અને કાર્ડમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાંચીને સાહેબ બે ઘડી મારી સામે જોઈ રહ્યા,
પછી મને પૂછ્યું કે " એન્જિનિયરિંગના સ્ટુડન્ટ થઈને ગુજરાતી સાહિત્યની પુસ્તકો લઈ જાઓ છો.....?
મેં કહ્યું " હા શું અમને ન મળી શકે આ પુસ્તકો..?"
તો સાહેબે કીધું કે " ના એન્જિનિયરિંગના સ્ટુડન્ટને એન્જિનિયરિંગની જ બુકો મળે".
આનો મેં વિરોધ કર્યો મોટા સાહેબ પાસે આ વાત ગઈ, સાહેબે મને બોલાવ્યો એમના જોડે ચર્ચા વિચારણા કરતા અને મારી ગુજરાતી સાહિત્ય પ્રત્યેની રુચિ જોઈને સાહેબે મને એક અલગ કાર્ડ આપ્યું અને એમણે કીધું કે " આ કાર્ડથી તમને બધી જ પ્રકારની બૂકો મળી રહેશે, અને સાહેબે આનંદ વ્યક્ત કર્યો કે ઇંગ્લિશ મીડિયમ અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હોવા છતાં પણ તમે ગુજરાતી સાહિત્યમાં રુચી ધરાવો છો તે માટે મને ખૂબ જ આનંદ થયો છે.
સાહેબ પાસેથી કાર્ડ લઈને હું પાછો લાઇબ્રેરીમાં આવ્યો પહેલા સાહેબને કાર્ડ આપ્યું અને ઉમળકાભેર એ પુસ્તકને હું હાથમાં લઈને બહાર નીકળ્યો. એટલે આ એક મારો નાનકડો કિસ્સો હતો જે પુસ્તક સાથે સંકળાયેલો છે.
સોરઠી બહારવટિયા આ પુસ્તકની માલીપા સૌરાષ્ટ્રના એવા ખમીરવંતા બહારવટિયાઓની કહાની અને એ લોકોના જીવન ચરિત્ર લખવામાં આવેલા છે. તેમાનું મારું પ્રિય જો કોઈ પાત્ર હોય તો એ છે "જોગીદાસ ખુમાણ" એવો ખમીરવંતો બહારવટિયો જેને સૌરાષ્ટ્રના અને ગોહિલવાડના લોકો પણ એક માન દઈને બોલાવતા હતા. બહારવટિયા એટલે એ સમયના રાજથી રૂઠેલા વ્યક્તિ જેને બારવટીયાના કહેવામાં આવતું.
ભાવનગરના ગોહિલ રાજા સામે જોગીદાસ ખુમાણનું બહારવટુ હતું પુસ્તક તો બહુ મોટું હતું એમાંનું મારું પ્રિય પાત્ર જોગીદાસ ખુમાણ અને જોગીદાસ ખુમાણના જીવનનો એક અદ્ભૂત કિસ્સો જે મને જીવનમાં બહુ ગમે.
" એક સમયે રાજાએ મુજરાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં જોગીદાસ ખુમાણને બોલાવવામાં આવ્યા હતા. રાત્રે મહેફિલ જામી હતી હૈદરાબાદથી નૃત્ય કરવા માટે નાયકાઓને બોલાવવામાં આવી હતી. યંત્ર સાથે નૃત્ય ચાલી રહ્યું હતું બધા નૃત્યની મોજ માણી રહ્યા હતા પરંતુ આ બાજુ જોગીદાસ ખુમાણ પોતાના હાથમાં રુદ્રાક્ષ નો બેરખો(માળા) લઈને આંખો બંધ કરીને એક એક બેરખો ફેરવી રહ્યા હતા " તુ...હી ઠાકર, તુ....હી ઠાકર, તુ....હી ઠાકર. રાજાની નજર જોગીદાસ ખુમાણ ઉપર પડી એટલે જોગીદાસ ખુમાણ ને રાજાએ કીધું કે " જોગાભાઈ આ નાચવાવાળી તમારા માટે છેક હૈદરાબાદથી બોલાવવામાં આવી છે તો તમે બેરખો સાઈડમાં મૂકો અને આ નાચવાવાળીનો નાચ જુઓ, ત્યારે જોગીદાસ ખુમાણ એ જે વાત કીધી ને એ જીવનમાં ઉતારવા જેવી છે,
જોગીદાસ ખુમાણ એ કીધું કે " આ નાચવાવાળી જે છે એ કોકની દીકરી તો હશે ને...? એ કોકની બેન તો હશે ને ? રાજાએ કીધું " હા એ તો હોય જ ને જગાભાઈ પણ એનુ શું ? ત્યારે જોગીદાસ ખુમાણ એ કીધું કે " તમે રાજાઓ કદાચ બેન દીકરીઓને નાચતા જોઈ શકો પણ આ જોગીદાસથી એ ન જોવાય એટલા માટે હું મારી નજર નીચે રાખીને ભગવાનનું નામ લઉં છું.
આ કિસ્સો આપણને આપણા સમાજની બેન દીકરીઓની ઈજ્જત કરતા શીખવાડે છે એ સમયના બહારવટિયાઓ પણ એક દેશભક્તની માફક જીવતા આમાં તો અનેક બારવટીયાઓનું જીવનચરિત્ર " સોરઠી બારવટીયા " નામના પુસ્તકમાં લખેલું છે. જીવનમાં એક વાર અચૂક એ પુસ્તક વાંચવું એટલે અંતમાં હું એટલું જ કહીશ કે પુસ્તક વાંચવાનો એક શોખ જીવનમાં પાળવા જેવો છે. ભલે તમને ગમતા પુસ્તક વાંચો પણ જીવનમાં એ શોખ પણ રાખો. ભલે સોશિયલ મીડિયામાં કલાક બે કલાક ઓછો ટાઈમ બગાડો પણ થોડો ઘણો પુસ્તકો પાછળ પણ સમય કાઢવો. જેથી કરીને જીવનમાં કંઈક સારા વિચારો આપણને પુસ્તકમાંથી મળતા હોય છે. ક્યારેક કોઈ પુસ્તક વાંચવાથી આપણને કોઈ વિડંબના માં હોય તો એમાથી નિકળવાનો રસ્તો મળી રહેતો હોય છે.
આજે વિશેષ તો નથી કહેવું પણ "પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ છે " એવું હું કહીશ તો એ અતિશયોક્તિ નથી.
