બેન્ચ
બેન્ચ


"હેલ્લો, જવાબ છે સપનાઓની દુનિયા."બેન્ચ પર આ જવાબ વાંચતા જ રશ્મીને ખુશીનો અનુભવ થયો.
"હેલી, જો કોઈએ મારા કોયડાનો જવાબ આપ્યો છે." રશ્મી તેની સહેલી હેલીની બાય ખેંચી તેને તે જવાબ વાંચવાનો ઈશારો કરવા લાગી.
"છે કોઈ એવી દુનિયા જ્યાં મળે સમુદ્ર અને આકાશ,જ્યાં થાય દુઃખોનો અંત અને સ્થિર સુખોનો ઉદય.
જવાબ છે સપનાઓની દુનિયા. હા... હા..હા ... લાગે છે તારી જેમ કોઈ બીજા વ્યક્તિનું ધ્યાન પણ કમ્પ્યુટર એન્જિનિરીંગ કરતા સાહિત્યમાં વધુ છે. હેલ્લો તો કહે એ વ્યક્તિને."
"ના.ખબર નહીં કોણ હોય." રશ્મીએ કોલેજમાં દિવસ દરમ્યાન તો તે વાત ટાળી દીધી.
રાતે જમીને હેલી અને રશ્મી ફરી મોબાઈલ પર વાતે વળગ્યા. થોડીવાર તો આમતેમની વાતો ચાલી પણ વળી બન્નેને એ જ વિચાર આવ્યો કે આખરે એ વ્યક્તિ કોણ છે જેને જવાબ આપ્યો? આમ એ બન્ને કોલેજના પ્રથમ વર્ષમાં હોવાને કારણે સંપૂર્ણ કોલેજ અને કોલેજના વિદ્યાર્થીઓથી પરિચિત ન હતી. વળી પ્રથમ દિવસે જ તેમને જ અનુભવ થયો એ પછી તેમની કોલેજના વિદ્યાર્થીઓ સાથે વધુ ભળવામાં રસ પણ ન હતો. પ્રથમ દિવસે જ જયારે તે બંન્ને પોતાના ક્લાસ તરફ જઈ રહી હતી ત્યારે જ ચાર છોકરીઓની ટોળકીએ તે લોકોને રોકી માથે બેગ મૂકી ચાલવા કહ્યું હતું. એ તો સારું હતું કે કોલેજનો જીએસ વ્યોમ અને તેનો મિત્ર રાહુલ યોગ્ય સમયે આવી ગયા અને આ પ્રકારનું રેગિગ અટકાવી દીધું. બન્નેને તે યાદ આવ્યું તેથી તેઓએ બેન્ચ પર જવાબ લખનાર તે વ્યક્તિ સાથે વાત ન કરવાનું નક્કી કર્યું.
“રશમી , તે તારું નામ તો લખ્યું ન હતું ને કશે ?”
“ના હેલી, મે નામ લખ્યું હતું બેન્ચ પર.”
“કઈ નહીં હવે આગળ વાત નહીં કરતી”
આમ થોડા દિવસ તો રશમીએ વાત ન કરી પણ તેના મગજમાં એ વિચાર તો હતો જ કે વ્યક્તિ કોણ હતી. આખરે બીજા અઠવાડિયે ફરી બેન્ચ પર લખાણ હતું.
“રશમી તમે કહ્યું નહિ કે મારો જવાબ સાચો હતો કે નહીં?” રશમી આ પ્રશ્ન વાંચી આશ્ચર્યચકિત થઈ ગઈ અને અનાયાસે તેને લખી દીધું કે હા જવાબ સાચો હતો. પછી તો બેન્ચના માધ્યમથી રશમી અને એ અજાણી વ્યક્તિ વચ્ચે ઘણી વાતચીત થઈ.આખરે એ અજાણી વ્યક્તિએ રશમીને પોતાનું નામ સ્નેહ કહ્યું.
હેલી તો એ બન્નેને સ્નેહરશ્મિના નામ વડે ચીડવવા લાગી, જેવીએમ એંજીન્યરિંગ કોલેજની કમ્પ્યુટર વિભાગની એવી જોડી જેને હવે કમ્પ્યુટરના તારો જોડવા કરતાં વધુ રસ દિલના તાર જોડવામાં હતો. રશમીને પણ હેલીની આ મીઠી ટકોર બહુ ગમતી , પણ હજી સ્નેહને તે રૂબરૂ તો મળી જ ના હતી.
“ઇંતેહા હો ગઈ ઇંતેજારકી, મેરે દોસ્તકે દીદારકી.” રશમીએ શાયરીરૂપે સ્નેહને મળવા કહ્યું.
“કરની હે જો બાત વો બાત અભી બાકી હે, મેરે દોસ્ત દીદારકી વો રાત અભી બાકી હે.”સ્નેહે શાયરી લખ્યા બાદ પોતાનો ફોન નંબર આપ્યો હતો.
તે રાતે રશમીએ ધ્રૂજતા હાથે અને રોમાંચિત હર્દયે સ્નેહને ફોન કર્યો. ઘણી વાતો થઈ, પણ રશમી સમગ્ર વાતચીત દરમ્યાન એ જાણવા મથી રહી કે અવાજ કોનો છે ? અકળાઇને રશમીએ પૂછ્યું શું તમે મને જાણો છો ? તેને જવાબ હકારમાં મળ્યો , સાથે સ્નેહે એ પણ કહ્યું કે હું તો તમને રોજ જ કોલેજમાં જોવ છું. રશમીની ધીરજ હવે ખૂટી તેને સ્નેહને રૂબરૂ મળવા માટે આગ્રહ કર્યો પણ સ્નેહે બીજી વાતો કરી રશમીની તે વાતને ટાળી દીધી, તેને કહ્યું યોગ્ય સમયે તે રશમીને મળશે.
“હેલી, સ્નેહ તો મળવાની વાતા ટાળે છે પણ સાચું કહું હું હવે તેને પસંદ કરવા લાગી છું. એ ભલે ટાળે હું જાતે એને શોધીને એને મળીશ. તું મારી બેસ્ટ ફ્રેંડ ને? મદદ કરશે ને મને ?”
“હ રશમી, કેમ નહીં ? ચાલ તું કે કામ કર કે મને સ્નેહનો નંબર આપ. મારો એક મિત્ર સરકારમાંન્ય હેકર છે. એ તને શોધી આપશે કે આ સ્નેહ કોણ છે આખરે ?”
જેવો રશમીએ સ્નેહનો નંબર આપવા માટે માબાઈલ ચાલુ કર્યો તરત જ સ્નેહનો એક મેસેજ આવ્યો, “હું હમણાં કોલેજના પ્રોજેકટને લીધે આ શહેરમાં નથી. પંદર દિવસ બાદ આવીશ ત્યારે ચોક્કસ આપણે મળશુ.”આ મેસેજ વાચતા રશમી ખુશ થઈ ગઈ અને તેને હેલીને તેના મિત્ર સાથે આ અંગે વાત કરવા ના પડી દીધી.
ત્યારબાદ તો રોજ રશમી સ્નેહ સાથે કલાકો સુધી વાતો કરવા લાગી અને ક્યારે તેને સ્નેહ સાથે પ્રેમ થયો તેનો પણ તેને ખયાલ ન રહ્યો.
“હેલ્લો રશમી ?”હેલીના અવાજમાં એક અજાણ્યો ડર હતો.
“હા હેલી બોલ, આટલી રાતે કેમ ફોન કર્યો ?” રશમીએ ફોન ઊપડતાં કહ્યું.
“ 0000111100. આ જ નંબર છે ને સ્નેહનો ?” હેલીએ ખૂબ જ ડર સાથે સવાલ કર્યો.
“હા કેમ ?”
“રશમી આ નંબર ઉપલબ્ધ જ નથી. મારા મિત્રે બધી તપાસ કરી.”
“શું ?” હવે ડરવાનો વારો રશમીનો હતો. આ સાંભળતા જ તેને ધ્રૂજારી ચડી હતી.
“આજથી 3 વર્ષ પહેલા આપણી કોલેજમાં સ્નેહ નામનો એક છોકરો હતો, જે કોલેજ એલેકશનમાં જીએસ બન્યો હતો. એટલે તેનો જે હરીફ હતો તેને કોલેજમાં જ સ્નેહની હત્યા કરી હતી, તેને તો જેલ થઈ હતી પણ..હેલ્લો .. હેલ્લો “ ફોન કટ થઈ ચૂક્યો હતો.
રશમીની નજર તેના રૂમમાં આતેમ ફરી રહી હતી, અચાનક લાઇટ જતાં તેને હવે ખૂબ જ ડર લાગી રહ્યો હતો. સાથે જ હવે તેને માટે એ વાત નવી ન હતી કે જે સ્નેહ સાથે તે વાતો કરતી હતી તે કોઈ જીવિત વ્યક્તિ ન હતી, આખા શરીરે પરસેવાથી રેબજેબ રશમી દરવાજા તરફ ભાગી રહી હતી ત્યારે જ તેને અનુભવ્યું કે કોઈએ તેનો હાથ પકડ્યો હતો, પણ એ રૂમમાં એના સિવાય કોઈ ન હતું.
“સ્નેહ, મને ખબર ન હતી કે ....”રશમી ધ્રૂજતા અને હાફતા અવાજે બબડવા લાગી.
“કે હું જીવિત નથી. હ પણ શું પ્રેમ કરવો એ માત્ર જીવિત વ્યક્તિઓનો જ અધિકાર છે ?” સ્નેહનો જ શાંત અવાજ હતો આ.
“ના.પણ ?”
“પણ શું ? હું તને કોઈ હાનિ નહીં પહોચાડું.” સ્નેહના અવાજમાં ગંભીરતા અને પ્રેમ છલકતા હતા.
રશમીએ જિજ્ઞાસાવશ ડરતા-ડરતાં પાછળ ફરી સ્નેહ તરફ જોયું. સ્નેહ ખૂબ જ સૌમ્ય દેખાતો હતો, બિલકુલ પણ ડરાવણો નહીં. પણ પછી તે ડરીને પાછળ હટી ગઈ.અને જાણે એવું લાગ્યું કે એના એ ડરે સ્નેહની પણ હિમ્મત તોડી દીધી. સ્નેહના મુખ પર જાણે દુ:ખના વાદળો છવાયા અને તે એક ક્ષણમાં અંધારામાં જ કયાક ઓઝલ થઈ ગયો. રશમી તો ફર્શ પર ફસડાઇ પડી હતી અને તેને આંખો સજ્જડ રીતે મીચી હતી. સચ્ચાઈ હવે તેની સામે હતી પણ એનો સ્વીકાર તે કરી શકતી ન હતી. તેના દિલમાં હજીયે કોઈ ખૂણે આશા હતી કે સ્નેહ એ કોઈ બીજી વ્યક્તિ હશે.
ત્યાર પછી કેટલાય દિવસો તેને મોબાઇલની એ શાંત પડેલી સ્ક્રીનને જોવામાં જ વિતાવ્યા એ આશાએ કે સ્નેહનો મેસેજ આવશે પણ તેની એ આશા તો તે જ દિવસે અંધારામાં ઓઝલ થઈ ગઈ હતી.
જગમાં એવું કહેવાય છે કે જ્યારે પ્રેમને વિરહનો રંગ ચડે ત્યારે તેનો રંગ વધુ પ્રગાઢ થઈ જાય, રશમીને પણ હવે એ વાતની સાબિતી મળી હતી. કલાકો સુધી તે બંધ બારણે રડતી રહેતી, તેના આ વર્તનથી હેલી પણ મુઝવણ અનુભવતી. પોતાની કસમ આપી રશમીએ હેલીના હોઠ સીવી દીધા હતા. હેલી ન તો આ સહી શકતી કે ન તો કોઈને કહી શકતી.પણ પોતાની પ્રિય મિત્ર રશમીનું આ દુ:ખ દૂર કરવાનો એક વિકલ્પ તેને વિચારી લીધો હતો. એક દિવસ સાંજે કોલેજ બાદ તે રશમી સાથે રશમીના ઘરે પહોચી.
“આંટી , અમારી કોલેજમાથી દૂધનીના પ્રવાસે જય રહ્યા છે, હું જવા માંગુ છું પણ મમ્મી એમ કહે છે કે જો રશમી સાથે આવે તો જ તને જવા દવ. હું આ રશમીને કહું છું પણ એ ના પડે છે. તમે જ એને સમજાવો આંટી એકવાર કોલેજ પત્યા પછી જીવનમાં એટલો સમય રહે છે ? તમે જ વિચારોને આંટી તમારા પણ કોલેજના દિવસો અને આજના દિવસોમાં કેટલું અંતર હશે.” હેલીએ રશમીની મમ્મી પાસે ના કહેવાનો કોઈ વિકલ્પ બાકી રાખ્યો જ ન હતો.
“હા બેટા, હેલી સાચું કહે છે જ ફરી આવ.”
“પણ મમ્મી મારો કોઈ મૂડ નથી.”
“કઈ નહીં એ તો ત્યાં જઈને સારો થઈ જશે. જ તમે બન્ને ફરી આવો.”
આખરે રશમીએ નમતું મૂકી, હેલી સાથે ફરવા જવું પડ્યું. પણ ત્યાં પણ તેનું મન સ્નેહને જ યાદ કરતું હતું.
“રશમી ચાલ આ ભીડથી થોડા દૂર જઈને ત્યાં ફોટા પાડીએ.”હેલી રશમીનો હાથ ખેચી તેને બીજા વિધ્યાર્થીઓથી થોડે દૂર લઈ ગઈ.
“હેલી આ જગ્યા બરાબર નથી. ચાલ પાછા જઈએ.” રશમીની નજર ત્યાં લફંગા જેવા લગતા 4-5 છોકરાઓ પડી જેઓ તે બન્નેને ઘૂરી રહ્યા હતા. પણ ફોટા પાડવામાં મસ્ત હેલીને તે વાતનું ધ્યાન જ ન હતું. થોડો સમય તે લોકો હે અને રશમીને ઘૂરી રહ્યા, ત્યારબાદ જ્યારે તે બન્નેનું તેઓ તરફ ધ્યાન ન હતું ત્યારે તે બન્ને નજીક જઈ, હેલી અને રશમીને ઘેરી વળ્યાં અને અભદ્ર રીતે વર્તન કરવા લાગ્યા પણ અચાનક ઉઠી રહેલા ધૂમડાને લીધે દરેક વ્યક્તિની આંખ સામે અંધારા છવાયા.
જ્યારે રશમી અને હેલીની આંખો ખૂલી ત્યારે તેઓ પોતાની બસમાં પોતાના મિત્રો સાથે જ હતા. એ મિત્રો પાસેથી જ તેઓને જાણવા મળ્યું કે તેઓ બસથી થોડે દૂર બેહોશ હાલતમાં મળ્યા હતા.
“હેલી ચોક્કસ સ્નેહે જ આપણને બચાવ્યા.”રશમી સ્નેહને ચારેતરફ શોધતા બોલી, હેલીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું.
પણ એ રાતે ઘરે ગયા બાદ રશમી સ્નેહને મળવા માટે બોલાવવા લાગી. થોડી વાર બાદ ધૂમાડાના ગોટાઓમાં સ્નેહનો સંદેશો મળ્યો.
“રશમી, તું સાચું કહે છે એક જીવિત અને મૃત વ્યક્તિ વચ્ચે પ્રેમ શકય નથી. મને યાદ કરવાનું છોડી દે હવે.”
“ના પણ મારા વિચારો હવે બદલાઈ ગયા છે , આપણે આટલા મહિનાઓ જેમ સાથે રહ્યા તેમ રહી જ શકીએ ને.”
“પણ મારા પ્રેમમાં ન તો તને કોઈ સ્પર્શની અનુભૂતિ હશે કે ન તો હમેશનો સાથ.”
“પણ સાહનુભૂતિ તો હશે ને ? “
રશમી આજે પણ આ સવાલના જવાબની રાહ જ જોઈ રહી હતી. સ્નેહનો તેને ત્યાર પછી કોઈ સંદેશો મળ્યો ન હતો. પણ એ એહસાસ જરૂર હતો કે સ્નેહ હરહમેશ તેની આસપાસ હોય છે. એક પડછાયો બની જ. લગભગ એટલે જ રશમી જિંદગીના 10 વર્ષ એકલા ગાળી ચૂકી હતી.
અને આજે ફરી તેનો કારઅકસ્માતમાં ચમત્કારિક બચાવ એ સ્નેહની જ હાજરીનો પુરાવો હતો. રશમી આજે ફરી કોલેજના એ જ ક્લાસમાં પહોચી જ્યાં એ બેન્ચ હતી અને હજી પણ એ બેન્ચ એ દરેક વાતચીતને સંઘરીને બેઠી હતી.
રશમી હળવેથી બેન્ચ પર કોતરાયેલા એ સંદેશાઓ પર હાથ ફેરવી રહી હતી, ત્યારે જ તેના હાથને જાણે એક અણસ્પર્શયો સ્પર્શ અનુભવાયો જ તેના હાથને બેન્ચ પર કોતરાયેલા એક નવા સંદેશા તરફ લઈ ગયો, જ્યાં લખ્યું હતું,
“ આઈ લવ યુ રશમી હમેશ માટે.”
“લવ યુ ટુ.” રશમી ફરી એ જ બેન્ચ પર હસતાં-હસતાં સંદેશો કોતરવા લાગી.