બાંધ્યો છે.
બાંધ્યો છે.
જયારે 'કાપ્યો છે' શબ્દ આવે છે ત્યારે મને હમેશા 'બાંધ્યો છે' શબ્દ યાદ આવે છે અને હું સુખદ સ્મરણોમાં ખોવાઈ જઊ છું. આમ પણ ઉતરાણની મજા તેા અમદાવાદ માં જ આવે. એમાં ય જો તમારું ઘર શહેર ના ચાર દરવાજા ની અંદર આવેલું હોય તો પૂછવું જ શુ!
અમદાવાદમાં અમારુ ઘર શહેરમાંજ આવેલું. એની તો મઝા જ કંઈક જુદી હોય. દરેક વ્યક્તિ ની ઈચ્છા એ લહાવો લેવાની હોય.
સમીપ એમ.બી.બી એસના પ્રથમ વર્ષમાં આવ્યો અને એના પપ્પાની વડોદરા બદલી થઈ ગઈ. તેથી પોળનું મકાન ખાલી કરી એ લોકો વડોદરા જતાં રહ્યા. મને ઘણું જ દુઃખ થતુ હતુ. કારણ કે અમે નાનપણથી સાથે સાથે જ રહેતા હતા.
જયારે સમીપ ડોક્ટર થઈ ગયો અને એને આગળ ભણવું હતુ વચ્ચે બે મહિના આગળની તૈયારી કરવા માટે ઘેરજ હતો. એ દરમ્યાન ઉતરાણનો તહેવાર આવ્યો અને જુના પડોશી હોવાના નાતે એ ઉતરાણ કરવા અમારે ત્યાં જ આવી ગયો. મને પણ ઉતરાણનો ખૂબ શોખ. સવારથી હું ધાબે ચઢી જતી.સાથે જામફળ, તલ સાંતળી, બોર તથા શેરડી તો હોયજ.
થોડીવારમાં સમીપ પણ ધાબે આવી ગયો. મારી નજર ન હતી એને અગાઉથી ખબર પણ આપી ન હતી. હું એક કપાયેલા પતંગને પકડવા જતી હતી. પરંતુ હું પતંગ પકડુુ એ પહેલાં પાછળ ઉભેલા સમીપે પતંગ પકડી લીધો. હું પતંગ ઝુટવવામાં ગઈ એમાં પતંગ થોડો ફાટી ગયો. મેં ગુસ્સે થઈ પાછળ જોયું તો સમીપ હતો. મારો બધો ગુસ્સો ઊતરી ગયો છતાં ય મારા મોં પરના ભાવ કળવાના દીધા, બોલી "હવે આ ફાટલો પતંગ કઈ રીતે ચગાવાશે ?"
સમીપે શાંતિથી જવાબ આપ્યો, "ગુંદર પટ્ટી લગાવીને હું ચઢાવીશ. હા, પણ જો કોઈ મારી
ફીરકી પકડે તો !"
આખરે મેં એની ફીરકી પકડી. એ પતંગ પર એને બીજી ચાર પતંગ કાપી દરેક વખતે હું બૂમો પાડતી. "એ.. કાપ્યો.. છે" આખરે જયારે એની પતંગ કપાઈ ત્યારે એ મોટેથી બોલ્યો, "એ.. કાપ્યો.. છે. " હું હસી પડી. ત્યારે સમીપ બેાલ્યો, "કયારેક આ રીતે આનંદ લૂંટવો જોઈએ.એને અમે પોઝિટિવ થિંકિંગ કહીએ છીએ. "
મને સમીપ ગમતો હતો પણ હું કઈ રીતે કહુ ? એવામાંજ મેં જોયું કે એ જે પતંગ લાવેલો એને કિન્યા બાંધી ન હતી. તેથી જ હું બોલી, "લાવો હું કિન્યા બાંધી દઉ ?"
સમીપ મારી સામે જોઈ બોલ્યો, "હું તો તારી સાથે કાયમ માટે બંધાવા આવ્યો છું."
એની વાત સાંભળી હું શરમાઈ ગઈ દોડીને નીચે જતી રહી. પરંતુ થોડી જ વારમાં હું સમીપને જમવા બોલાવા આવી. ત્યારે હું ઘણું શરમાતી હતી. સમીપ મારી પાસે આવીને બોલ્યો, "હું અહીં પતંગ કાપવા માટે નથી આવ્યો હું તો કાયમ માટે તને બાંધવા આવ્યો છું. જનમો જનમના બંધનમાં બાંધવા આવ્યો છું. "
હું માત્ર એટલું જ બોલી, "તમારું ભાવતું ઊંધિયું તૈયાર છે જમવા ચલો."
એટલીવારમાં બાજુના ધાબા પરથી અવાજ આવ્યો, "એ.. કાપ્યો.. છે" સમીપ મારી નજીક આવતાં બોલ્યો, "મેં તો બાંધ્યો છે"
બસ ત્યાર બાદ હું સમીપ સાથે બંધઈ ગઈ છું. હજી પણ ઉતરાણને દિવસે અમારા બાળકો હાજર હોવા છતાંય એ કયારેક બોલે છે, "એ.. બાંધ્યો.. છે. " હવે અમારા બાળકો મોટા થઈ ગયા છે તેઓ પણ કયારેક અમારી સામે જોઈ બોલે છે, "એ.. બાંધ્યો.. છે" આ શબ્દો સાંભળતાં જુના દિવસોની યાદ તાજી થઈ જાય છે અને હું આ ઉંમરે પણ શરમાઈ જઊ છું.