અરસપરસ
અરસપરસ


વર્ષો પછી હું એકલો હીંચકા પર સાંજે બેઠો હતો. પગના હડસેલા સાથે ઉદાસીમિશ્રિત હર્ષ ઉલેચતો હતો.
પાંચ વર્ષ પછી સાત નંબરના રુમમાં રહેતી માયાનો દિકરો એને ફરી ઘેર લઈ જવા આવ્યો હતો. માયાને શંકા-કુશંકા તો ઘણી થઈ કે કેમ લેવા આવ્યો હશે? પણ અમે બધાએ સાથે મળીને નિરાકરણ કાઢ્યું કે,
“જવું તો ખરું.. બહુ બહુ તો શું થશે? ફરી મુકી જશે ને! “
અને માયા એના દીકરા સાથે રવાના થઇ. સારું થયું.
આમ પણ વૃધ્ધાશ્રમમાં અમે દિવાળી - બેસતા વર્ષે ભલે શબ્દોમાં અરસપરસ સાલમુબારક કહીએ પણ દિલમાં તો દરેકને ફરી ઘર મળે એવી જ નિ:શબ્દ શુભેચ્છાઓ પાઠવતા હોઇએ.
ચાલો કોઇકના આશિષ અને શુભેચ્છાઓ કોઇકને ફળી.
અમારી આશા ફરી જીવંત થઇ.