અરીસો
અરીસો




અંધકાર ભર્યા શયનખંડમાં ફક્ત એક નાઈટલેમ્પનું અજવાળું હતું. એ આછા ઉજાસમાં ચળકી રહેલા વેદાંતના ચ્હેરા ઉપર પરસેવાના ટીપા બાઝી રહ્યા હતા. આંખો અતિ પહોળી અને ભયભીત હતી. હાથમાં એક અરીસો હતો. જેના ઉપરની પકડ ધીરે ધીરે વધુ સખત થઇ રહી હતી. અરીસામાં ધ્યાનમગ્ન વેદાંતનું હૈયું પૂર જોશે ધબકી રહ્યું હતું.
એ કઈ રીતે શક્ય હોય શકે ?
આવું કઈ રીતે બની શકે ?
અરીસામાં પ્રતિબિંબિત દ્રશ્યો એક પછી એક એના જીવનમાં બની રહેલી ઘટનાઓ જોડે આબેહૂબ મેળ કઈ રીતે ખાઈ શકે ?
અરીસામાં હાજર એ માનવી જોડે જે કઈ ઘટી રહ્યું હતું એવુજ કંઈક પોતાના જીવનમાં પણ આકાર લઇ રહ્યું હતું. જાણે અરીસામાં એ માનવી નહીં એ જાતેજ હાજર હતો. માન્યમાં ન આવે એવું !
પોતાની પરિસ્થિતિ એ અરીસામાં સંઘર્ષ કરી રહેલ જીવ જેવીજ અસહ્ય અને પીડાદાયક હતી. એક પછી એક ભજવાઈ રહેલા દ્રશ્યો જાણે એના જીવનની હકીકત ઉઘાડી પાડી રહ્યા હતા. મનમાં વ્યાકુળતા હદ વટાવી રહી હતી. હવે આગળ શું થશે ? એવુજ કંઈક અપેક્ષિત જે એણે નિહાળ્યું હતું, અનુભવ્યું હતું કે પછી કંઈક અપેક્ષાવિહીન, અત્યંત ભિન્ન, તદ્દન જુદુંજ.
અરીસામાં હાજર માનવીનું હૃદય કોઈએ ક્રુરતાથી તોડ્યું હતું, જે રીતે આખી કોલેજની સામે અનુપમાએ એનું. એવાજ ભાવનાવિહીન પ્રત્યાઘાત, એવીજ મશ્કરીનો લ્હેકો, ઉપસ્થિત ભીડ આગળ એવીજ ઢળી ગયેલી એ અરીસામાં હાજર માનવીની શરમથી ઝુકેલી દ્રષ્ટિ. એ દિવસે એ એમજ ઉભો રહી ગયો હતો. અનુપમાના મોઢે શબ્દો સહજ સરળ સહેલાઈથી બહાર નીકળી આવ્યા હતા.
" પ્રેમ ? તું અને હું ? અશક્ય....મશ્કરી કરે છે ને ? "
કોલેજના કેમ્પસ ઉપર ગુંજેલું અનુપમાનું અટ્ટહાસ્ય કેવું વેધક અને જીવલેણ હતું !
જીવલેણ, હા, જીવલેણ.
અનુપમા તો અતુલ પાછળ ઘેલી હતી, છે અને રહેશે.
અતુલની આધુનિક છટાઓ અનુપમાને આકર્ષે છે. એના વસ્ત્રોની પસંદગી, એના ગોગલ્સની બ્રાન્ડ, એના મોંઘા, મોહ પમાડનાર પર્ફ્યુમ્સ અનુપમાની દ્રષ્ટિમાં અતુલ્ય છે. એક મધ્યમ વર્ગીય, પિતાવિહિન કુટુંબના એકમાત્ર જવાબદાર પુરુષ પાસે આ બધા વિકલ્પો ક્યાંથી હાજર હોય? પોતાની પાસે તો ફક્ત ધગશવાળો જાહેર પરસેવો, વારંવાર પુનરાવર્તિત થતા સામાન્ય
વસ્ત્રો, એની અંદર સુરક્ષિત સુંદર, સ્વચ્છ મન અને પ્રમાણિક લાગણીઓ જ હતી..પણ એ પૂરતું ન જ હતું, અનુપમાનો પ્રેમ મેળવવા, એનો સાથ ઝંખવા, એના મનને સ્પર્શવા..
વિચારોની તીવ્રતાથી મનમાં સખત દુખાવો ઉપડ્યો. ફરીથી શ્વાસો જાણે થંભી રહી. એક કારમો ઘા અંતરને ટુકડે ટુકડે વીંધી રહ્યો. શરીરમાં નબળાઈ, હૈયામાં નિરાશાનું પૂર ઉમટી પડ્યું. કેવી દયનિય હાલત છે પોતાની ! અંતિમ એક મહિનો કઈ રીતે પસાર થયો એ માત્ર પોતાની અંતર આત્માજ જાણે છે.
અતુલની રુઆબદાર બાઈક પાછળ બેસવાથી પોતાની કિંમત વધતી હોવાનો અનુપમાને જબરો વ્હેમ છે. પોતાનો બસનો પાસ ચોરીછૂપે એ વાતની નિયમિત નોંધ લે છે.
હોટેલમાં જમવાનો લ્હાવો અતુલ જોડે જ તો માણી શકાય... પોતાની સાથેતો ફક્ત માના હાથનું જમણ ડબ્બામાંથી કેન્ટીનમાં પેટ ભરી શકે.
અતુલ પાછળ તો કોલેજની દરેક યુવતી મધમાખી જેમ ભમરાતી રહે છે. અનુપમા પણ એમાંની એક જ તો ? અતુલને પણ અનુપમાના સુંદર ચ્હેરામાંજ તો રસ છે. એ રસ પણ વળી કાયમી તો નહીજ. સમય અને આકર્ષણની મર્યાદામાં બંધાયેલો. અનુપમા શું એ નથી નિહાળી શકતી ? નથી અનુભવી શકતી ? નહીં, એ સૌ જાણે છે, સૌ સમજે છે. છતાં પ્રેમના અંધ પાટા બાંધી જાતને જ છેતરે છે.
પોતે અનુપમા માટે કઈ પણ કરી શકે છે. એને ખુશ નિહાળવા, એને રાજી કરવા કોઈ પણ હદ વટાવી શકે છે. અનુપમાના જીવનમાં એનું મહત્વ કઈ પણ હોય પરંતુ પોતાનું જીવન તો અનુપમાથી શરૂ થઇ અનુપમા પરજ સમાપ્ત. પણ હવે ?
અનુપમા વિના એક એક ઉચ્છવાસ ભારે પડી રહ્યો છે. ન આંખોમાં નિંદ્રા પોતાનું સ્થાન બનાવી રહી છે, ન વિચારોમાં અનુપમા સિવાય કોઈનું સ્થળ બની રહ્યું છે. પોતે જીવે છે ખરો કે એક લાશ ફક્ત શારીરિક હલનચલન કરી રહી છે ? બન્ને હાથ આવેગ સભર કાનના પરદાને ઢાંકી રહ્યા. આખો ચ્હેરો ઘભરાટથી લાલ અને ભીનો થઇ ઉઠ્યો. હૈયાના ધબકારા ઝડપ ચુકી રહ્યા.
હવે શું ? હવે શું ? આગળ ?
આગળ અરીસામાં નવું દ્રશ્ય શરૂ થયું. એ દ્રશ્ય નિહાળતાંજ આત્મા થીજી ગઈ. બધુજ ક્ષણિક અટકી પડ્યું. સમય થંભી ગયો. અરીસામાં હાજર માનવી જમીન ઉપર ઢળી પડ્યો. હાથમાંની નસમાંથી ઉષ્ણ લોહીની ધાર પૂર જોશે વહી નીકળી. જાણે એકજ ક્ષણમાં રગેરગ નું લોહી બહાર ઉમટી પડ્યું. ધીમે ધીમે શ્વાસો સંકેલાઇ ગઈ. શરીર લીલું બાઝી ગયું અને બન્ને પગના તળિયા વિરુદ્ધ દિશામાં ઢીલા છૂટી પડ્યા. જીવન એને હરાવે એ પહેલા જીવનને હરાવી એ નીકળી પડ્યો. એક એવા સ્થળે જ્યાં ન જીત હોય ન હાર, ન પ્રેમ હોય ન ઘૃણા, ન અનુભૂતિ હોય ન પીડા. સર્વત્ર શાંતિ અને શાંતિ..
આહ, શાંતિ. આવીજ શાંતિ મન યાચે છે. જ્યાં હૃદય અને મગજનો શોર પીગળી જાય. જ્યાં અપેક્ષાઓ શૂન્યાવકાશમાં ઓગળી જાય. કશુંજ યાદ ન રહે. ન પ્રેમ, ન ભાવનાઓ, ન લાગણીઓ અને ન અનુપમા.
ત્વરાથી ઉઠી ઊંઘની બધીજ ટીકડીઓ એણે હથેળીમાં એકસાથે ઠલવી દીધી. આખી હથેળી ટીકડીઓથી છલોછલ ઉભરાઈ ઉઠી. પડખેના ટેબલ ઉપરથી પાણીનો ગ્લાસ હાથમાં ખડખડ કરતો ધ્રુજી રહ્યો.
એક જ ઘૂંટડો....એકજ શ્વાસ....બધુજ સમાપ્ત....
અચાનક અરીસા ઉપર આવી ડોકાયેલી દ્રષ્ટિ વિરામચિન્હ સમી દીસી રહી. એક અંતિમ દ્રશ્ય રહી ગયું.
અંતિમ દ્રશ્ય ?
હજી એક દ્રશ્ય ?
પણ હવે શું ઘટી શકે ?
એ તો જતો રહ્યો.
હવે શું ભજવાઈ શકે ?
અંત થવા પહેલા અરીસાનો અંત નિહાળી ન લેવાય ? થોડી ધીરજ વેઠી ન શકાય ?
કેમ નહીં ? માત્ર બે મિનિટનું કામ.
કંપતા હાથે અરીસો ફરી ઉપર ઉઠ્યો. અંતિમ દ્રશ્ય આખરે ભજવાયું.
ઓહ, નહીં, પણ....
એમાં એમનો શું વાંક ?
એમને કઈ વાતની સજા ?
આ તો અન્યાય....
અન્યાય ?
હા, અન્યાય જ તો વળી.
નર્યો, નર્યો સ્વાર્થ....
અમાનવીય...અમાનવીય....તર્કવિહીન, બુદ્ધિભ્રષ્ટ !
નહીં, નહીં, નહીં.
અરીસાને આલિંગનમાં લઇ એણે ચૂમી લીધો. એના પ્રતિબિંબે આખરે એને ઉઘારી લીધો.
વહેલી સવારે ઘરના રસોડામાંથી આવી રહેલા અવાજથી માતૃ નજર વિસ્મિત થઇ ઉઠી.
" અરે આટલી સવારે રસોડામાં શું કરે છે. ?"
" સાંભળ, નાસ્તો કરી લીધો છે. તારી માટે પણ તૈયાર કર્યો છે. કોલેજથી પરત થઈશ ત્યારે બહાર જઈશું. બહાર જમીશું. તૈયાર રહેજે...."
" પણ સાંભળ તો ખરો..."
" પણ બણ કઈ નહીં. હું નીકળું છું. મોડું થાય છે...."
કોલેજની બેગ ભેરવી ઉત્સાહ સભર યુવાન ડગલાં દાદર ઉતરી ગયા.
માતૃ નજરમાં દિવસોથી વ્યાપેલી ચિંતા અને તાણના સ્થાને અનેરી તૃપ્તિ છલકાઈ ઉઠી. વિના કારણે, વિના કહ્યે, ઓરડામાં પુરાયેલો દીકરો આજે આખરે ખુશ ખુશ બહાર નીકળ્યો.
અદભુત ચમત્કાર !
બસમાં ગોઠવાઈ વેદાંતે પોતાનું બેગ ચકાસ્યું. અરીસો હાથમાં આવ્યો. પંપાળ સભર હાથ અરીસા પર ફરી ઉઠ્યો. અંતિમ દ્રશ્ય ફરીથી આંખો સામે તરી રહ્યું, અંતિમ સંવાદ જોડે..
' અને એ યુવાનની આત્મહત્યાએ એક અન્ય જીવ પણ લીધો. યુવાન પુત્રની લાશ નિહાળતાંજ માનું હૃદય પણ થંભી ગયું....'
ઘરના રસોડામાં હોંશે હોંશે નાસ્તો કરી રહેલી પોતાની સ્વસ્થ માનું સ્મરણ થતાંજ વેદાંતે એક ઊંડો હાશકારો લીધો.
અરીસો બેગમાં પરત ગોઠવ્યો.
લાઇબ્રેરીનું આઈડી હાથમાં લીધું.
કોલેજ પહોંચી સીધાજ પુસ્તકાલયમાં પહોંચવાનો નિર્ણય મનોમન કર્યો.
આજે અરીસો પરત કરવાની અંતિમ તિથિ હતી.