અરેન્જ મેરેજ
અરેન્જ મેરેજ


નીતિશના હાથમાં સુહાનીનો હાથ ક્યારેક અડતો અને ક્યારેક છૂટી જતો. નવા સવા લગ્ન થયેલા અને એમાં પણ પાછા અરેન્જ મેરેજ. ખચકાટ અને મલકાટ વચ્ચે લાગણીઓનું ઝરણું ઉછળતું કૂદતું સતત વહ્યા કરતું. ગોવાની એક આર્ટ ગેલેરીમાં એ હનીમૂન કપલ ફક્ત ટાઈમપાસ કરી રહ્યું હતું. આમ તો બંનેમાંથી એકેયને પેઈન્ટિંગસ સાથે કોઈ લેવાદેવા નહીં છતાં એકમેકનો સહવાસ માણી રહ્યા હતા.
સુહાનીની નજર એક પેઇન્ટિંગ પર અટકી ગઈ. નીતિશ આગળ નીકળી ગયો. પાછળ જુએ તો સુહાની હતી નહીં, એ થોડો ચિંતામાં આવ્યો, સુહાનીનો શોધવા નીકળ્યો. સુહાની છેક પાછળ અટકી ગઈ હતી.
"શું થયું? કેમ અહીં અટકી ગઈ?"
"આ ચિત્રમાં ખોવાય ગઈ એટલે."
"અરે, દોરડા પર તાળું અને એ પણ દિલ આકારનું, એમાં લવ લખ્યું છે, તો ...??"
"આ ચિત્રમાં આપણે છીએ."
"આપણે?? કઈ રીતે?"
સુહાની નીતિશનો હાથ પોતાના હાથમાં લઈ બોલી..
"આ દોરડું એટલે આપનો સંબંધ, એના પર આ દિલ આકારનું તાળું એટલે આપણા મન અને એને જોડતી ચાવી એટલે ..."
તરત જ નીતિશ બોલી ઉઠ્યો..
"પ્રેમ".
બસ, એ દિવસથી નીતિશ-સુહાનીના ઘરના દીવાનખંડમાં આ પેન્ટિંગ શોભે છે.