અન્યાય
અન્યાય
"એ, એ સાંભળ, તું આમ કઈ રીતે અંદર ધસી આવ્યો ?"
"જુઓ, આપ જે કરી રહ્યા છો એ ઠીક નથી. મારી જોડે ભારોભાર અન્યાય થયો છે."
"તું જાણે છે પરિસ્થિતિ કેવી છે ? અને આ બધાની વચ્ચે તું જુના મુર્દા ઉખાડી રહ્યો છે ?"
"એ મુર્દાઓ બનાવવામાં વર્ષોથી મારૂ લોહી અને પરસેવો બંને પાણીની જેમ વહાવ્યો અને આ આજે આવેલાનું આટલું માન સન્માન ! "
" જો, અમે જાણીએ છીએ તું અતિ પ્રાચીન છે. વર્ષોથી અહીં હાજર છે. પણ આ તો વિદેશથી પધારેલ છે. એનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. વિશ્વના દરેક દેશની નજર એની ઉપર છે. જો આપણે એને મહત્વ ન આપીએ તો જવાબ આપવો પડે. "
" મારા સમયે તો જવાબ આપવાની કઈ પડી ન હતી. ન હજી મારા માટે કોઈ જવાબ આપવાનો છે. ખરું ને ? "
" એમાં ગુસ્સો કરવાની શી વાત ? શાંતિ રાખ. જેમ આટલા વર્ષો રાખી છે. ને એમ પણ આ એટલો ખતરનાક છે કે..... "
" ખતરનાક ? કયા દ્રષ્ટિકોણ થી ? "
" એટલા લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે કે આંકડા તું યાદ પણ રાખી ન શકીશ. "
" આંકડા ? એના આંકડાઓની પણ ગણતરી રખાય છે ? વાહ, વાહ. શું વાત છે ! મારા આંકડાઓ તો આજ સુધી દબાવીને રાખ્યા છે. જો એ જાહેર થાય તો....... "
" સસ... અવાજ નીચો રાખ. કોઈ સાંભળી ગયું તો ?"
" તો ? શું હું ડરું છું ? આજે તો તમારા અન્યાયનો પરદો ઉંચકીને જ રહીશ. આટલા વર્ષોથી હું રાત દિવસ આ દેશમાં કામે લાગ્યો છું અને આ આજના આવેલાને આમ હીરો બનાવી મુક્યો છે. આખી પ્રેસ, સમાચાર ચેનલો... બધે ફક્ત એ અને એજ છવાયેલો છે. મારી તો કોઈ વાત સુદ્ધાં નહીં. "
"પણ તને ઈર્ષ્યા થાય શેની ? એ તો લાઈલાજ છે અને તારો તો ઈલાજ શક્ય છે. "
" એક સમયે હું પણ તો લાઈલાજ જ તો હતો. હા, મારો ઈલાજ ભલે આજે શક્ય બન્યો હોય પણ હું આજે પણ એટલોજ ખતરનાક છું અને એમ પણ ઈલાજને પણ તમે ક્યાં મુક્ત રાખ્યો છે ? બીજા દેશમાં ડોકિયું કરો. બધુજ મફત પૂરું પાડવામાં આવે છે. દેશના નાગરિકની તંદુરસ્તી જાળવવા અને મારા પ્રચાર પણ પૂર્ણવિરામ મુકવા. અહીં તો જાતે કરો બધું અને એ પણ કેટલું મોંઘુ ! જો કોઈ ગરીબને અડકું, જેના ખિસ્સા બહારનો ખર્ચ હોય તો એ તો ગયો જ કામમાંથી અને સાથે સાથે એનું આખું કુટુંબ. "
" જો અમારી પાસે એટલી આર્થિક સહાયની આશ રાખવી અયોગ્ય છે. આટલી બધી દવાઓ, અલગ હોસ્પિટલ, જુદા જુદા પલંગ, આઈસોલેશન વોર્ડ્સ, વેન્ટિલેટર બધું પુરવાર કઈ રીતે પડાય ? "
" એ જ તો મારી ફરિયાદ છે. જો આના માટે બધુજ કરી રહ્યા છો તો મારા માટે કેમ ન કર્યું ? ફક્ત એટલે કે આના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબ આપ્યા વિના છૂટકો નથી. ખરું ને ? અને આર્થિક સહાય ? એ તો કરવેરો ભરતા લોકોનો આર્થિક હક છે. જે દેશમાં ધર્મના નામે પાણી પૈસાની જેમ વહેતુ હોય ત્યાં માનવ ધર્મ માટે પૈસાની તંગી કેમ થઈ જાય છે ? "
" જો હવે તું તારી સીમા ઓળંગી રહ્યો છે. હદમાં રહીને વાત કર. નહીંતર...... "
" નહીંતર શું ? બહુ થયું. હવે હું ચૂપ નહીં બેસું. સત્ય સામે લાવીને જ રહીશ. બધાને જાણ થવીજ જોઈએ. હું જે શરીરમાં પ્રવેશું છું એને ઉધરસનું મકાન બનાવી દઉં છું. ધીરે ધીરે હું ફેફ્સાઓમાં પહોંચી શ્વાછોશ્વાસના ઈન્ફેક્શન ફેલાઉં છું. જો યોગ્ય ઉપચાર ન કરવામાં આવે તો હું પણ આ વિદેશી જેમ જ લન્ગસ ફેલ્યોર કરવામાં પણ અચકાતો નથી અને સૌથી ખતરનાક બાબત તો એ છે કે હું પણ આની જેમજ ચેપી છું. ખાંસી, છીંક, સ્પર્શથી હું સહેલાયથી એક શરીરમાંથી અન્ય શરીરમાં પ્રવેશી શકું છું. મારાથી છુટકારો મેળવવા માટે દવા જેટલી જરૂરી છે એટલોજ આઈસોલેશન વોર્ડ પણ. નહીંતર એકમાંથી બીજા, બીજા માંથી ત્રીજા અને એમ કરતા કરતા આખા કુટુંબને હું ભરખી જવાની ક્ષમતા રાખું છું. જયારે વિદેશમાં હું કોઈના શરીરમાં દેખાઉં છું તો પહેલો પ્રશ્ન એજ પૂછાય છે, તમે ભારતની મુલાકાત લીધી હતી ? કારણકે સૌ જાણે છે અહીં મારા માટે આઈસોલેશન વોર્ડ કાયદાકીય ફરજીયાત નથી. એટલે રસ્તે ચાલતો, ભટકતો હું કોઈ પણ શરીરમાં પ્રવેશી શકું છું. મારા માટે ક્યાં કદી માસ્ક કે સૅનેટાઈઝરની જોગવાઈ થઈ છે ? વિદેશમાંતો હું જે શરીરમાં પ્રવેશું એને સીધું આઈસોલેશન વોર્ડમાં તાબડતોડ ઈલાજ માટે મોકલી દેવાય છે. મને શરીરમાં સાથે રાખી રસ્તા ઉપર ચાલવું ત્યાં કાયદાકીય ગુનોહ છે. જો કોઈ ઈલાજ છોડી ભાગી જાય તો પોલીસ ફરીથી હોસ્પિટલ પહોંચાડી દે છે અને અહીં ....... અરે આ શું કરો છો ? કહું છું, છોડો મને..... ક્યાં લઈ જાઓ છો આમ........... ? મારું......... ?..........મા ........ રુ ..........મા ....."
થોડા સમય પછી........
"સર, કામ થઈ ગયું."
"વેરી ગુડ. જુઓ, ધ્યાન રાખજો. ચુસ્ત નજર. એનું મોઢું કોઈની આગળ ખૂલવું જોઈએ નહીં. થોડીજ મિનિટોમાં ઈન્ટરનેશનલ વિડીયો કોન્ફ્રન્સ શરૂ થશે. આંકડાઓ ક્યાં છે ?"
"આ રહ્યા ."
કોવિડ ૧૯ની તૈયાર કરાયેલ ફાઈલ કોન્ફ્રન્સમાં ભાગ લેનારાઓ જોડે બહાર નીકળી ગઈ.
અંધકારમાં પૂરાયેલો ટીબીની માંદગીનો કીટાણુ બંધ મોઢે બંધાયેલો હંમેશની જેમ લાઈમ લાઈટથી આજે પણ અછડતોજ રહી ગયો..........!
