અંત
અંત
મમ્મી ! અમારા એરીયામાં કોરોનાના ઘણાં કેઇસીસ થયા છે એટલે બિલ્કુલ બહાર નીકળાય એવું નથી. નીલને પણ કેવી રીતે મોકલું ? તારી માટે કરિયાણું, શાકભાજી વગેરે મોકલવાની ખૂબ ઇચ્છા થાય છે. નિયતિ ફોન પર એની 'મા' નયનાને કહી રહી હતી.
"બેટા ! તું ચિંતા ન કર મને વસ્તુઓ મળી રહે છે" નયના એ જવાબ આપ્યો.
બધી ડીલીવરી બંધ હોવાથી મમ્મીની ચિંતા થવી સ્વાભાવિક હતી. પછી તો જેટલી વાર ફોન કરે મમ્મી નવી નવી વાનગી બનાવતી હોય. ફોટા પણ પાડીને વોટ્સએપ પર મોકલે. ને નિયતિ મનમાં ને મનમાં મમ્મીને સામાન પહોંચાડનાર દુકાનદારનો આભાર માનતી. એકલી રહેતી મમ્મીને આ લોકડાઉનમાં પણ એકલતા નથી લાગતી જાણી હળવી ને ખુશ રહેતી.
આજે ઘણાં દિવસે પોલીસ જરા છૂટ આપે છે જાણી એણે થોડી વાર મમ્મી પાસે જવાનું વિચારી ગાડી કાઢ
ી. મમ્મીની સોસાયટીની બહાર ગાડી પાર્ક કરતી હતી કે એની નજર પડી વોચમેનને એક ભરેલી મોટી થેલી આપતા શખ્સ પર ત્યાં એના શબ્દો પણ સંભળાયા. "લો આ બસ્સો ત્રણમાં આપી દે જો" લે આ તો મમ્મી નો ફ્લેટ નંબર...!! ધ્યાનથી જોતાં સમજાયું કે આ તો અરોરા અંકલ જે મમ્મી સાથે જોબ કરે છે અને મમ્મીની જેમજ જીવનસાથી ગુમાવી એકલા જ રહે છે. અચ્છા --તો આ છે મમ્મીને સામાન પહોંચાડનાર ડીલીવરી મેન ! એણે વિચાર્યું..
સાથે જ એના મનમાં બીજા વિચારનો ઝબકારો થયો. વેલેન્ટાઇન ડે ના દિવસે ફ્લાવર ને હાર્ટ ને ચોકલેટ ભેટ આપવું એ પ્રેમ ? કે આ કપરા કાળમાં પોતાના જાનના જોખમે બહાર નીકળી કોઇને જરુરિયાત ની વસ્તુ પહોંચાડવી એ પ્રેમ ?
નિયતિને લાગ્યું મમ્મી માટે જીવનસાથી શોધવાની એના મનમાંજ ચાલી રહેલી શોધનો આ જે અંત આવ્યો.