અનોખું મિલન
અનોખું મિલન
ભુજ નજીક નાનાં એવાં સુખપર ગામમાં જમનભાઈ રહેતાં હતાં. તેને એક દીકરી હતી. જેનું નામ ચેતના હતું. તેનાં પડોશમાં જ રઘુ મહારાજ રહેતાં. તેનાં દિકરાનું નામ દેવેન હતું. ચેતના અને દેવેન નાનપણથી જ સાથે રમતાં, ભણતાં બંને પરિવાર વચ્ચે ઘર જેવાં સંબંધો હતાં. સમય જતાં બંને યુવાન થયાં. બાળપણની દોસ્તી પ્રેમની લાગણીમાં પરિવર્તિત થઈ. ચેતના હંમેશા કાગળ અને કલમ લઈ રાત થતાં જ પોતાનાં દિલની વાતો ડાયરીમાં ટપકાવતી રહેતી. ચેતના અને દેવેનના મૂક પ્રેમની સાક્ષી આ ડાયરી જ હતી.
એકવાર દેવેને પોતાની લાગણીની વાત ઘરમાં કરી, પણ દેવેનના પિતા આ વાતથી રાજી ન હતાં. ત્યાર બાદ દેવેન એમ.બી.બી.એસ કરવા લંડન જતો રહ્યો. ચેતના અને તેનો પરિવાર ધરતીકંપ પછી અમદાવાદ જતાં રહ્યાં. હવે બંને વચ્ચે વાતચીતનો પણ સંબંધ ન હતો.
આમ ઘણો સમય વીતી ગયો...
આજે થાકેલી ચેતના પોતાનો મોબાઈલ લઈને જોતી હતી, અચાનક એક નવી આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ પર તેની નજર પડી. "દેવેન જાની " ચેતનાની આંખ ચમકી. આટલાં વર્ષો પછી ચેતનાને દેવેન સાથેની પ્રેમની વાતો યાદ આવી ગઈ. ચેતનાના દિલનાં કોઈ ખૂણામાં છુપાયેલી દેવેન પ્રત્યેની લાગણી તાજી થઈ.
ચેતનાએ તરત જ દેવેનની આઈ. ડી જોઈ, તો તે હજુ સીંગલ હતો. પોતે પણ લગ્ન કર્યા ન હતાં. જૂનો પ્રેમ સળવળ્યો અને ચેતનાની આંગળી આપોઆપ ટાઈપ કરવા લાગી.
"હાય, દેવેન હું પણ તારી રાહ જોઉં છું."
ત્યાં જ સામેથી પણ જવાબ આવ્યો.
"હું પણ હજુ તને ચાહું છું."
આ વાંચી ચેતનાના ચહેરા પર ચંદ્રના કિરણો જેવી લાલીમા છવાઈ ગઈ.
"વરસોનાં તરસ્યાં હૈયાઓ આજે એક થઈને, એકબીજાનાં પ્રેમમાં તરબતર થાય છે."

