Mariyam Dhupli

Drama Inspirational Romance

1.0  

Mariyam Dhupli

Drama Inspirational Romance

અનોખો વેલેન્ટાઈન

અનોખો વેલેન્ટાઈન

3 mins
15.2K


૧૪મી ફેબ્રુઆરી. આખું વિશ્વ્ પ્રેમની ઉજવણી કરવા ઉમટી પડ્યું હતું. પ્રેમના એકરાર શબ્દોમાં ઢળી રહ્યા હતાં. ભેટ અને પુષ્પગુચ્છ વડે દરેક એકરાર યાદગાર બનાવવામાં આવી રહ્યા હતાં. હ્નદયનાં સેતુઓ બંધાઈ રહ્યા હતાં. લાગણીઓનાં સમુદ્ર ઉમટી રહ્યા હતાં.આખું જગત પ્રેમનાં રંગમાં રંગાઈ રહ્યું હતું. પ્રેમનાં પ્રદર્શનો અને મેળાઓનાં શોર ચારે દિશાઓમાં ગુંજી રહ્યા હતાં.

ત્યારે .......

એક નાનકડાં ગ્રામ્યવિસ્તારનાં એક સુમસામ પાદર ઉપર બે માનવીઓ તદ્દન મૌન ઉભા હતા. એમનાં સંબંધ સમા એમનાં પડછાયાં પણ ઉનાળાનાં બળબળતા તડકામાં એકસાથે છતાં જુદા- જુદા પ્રતિબિંબિત થઇ રહ્યા હતાં. એક શબ્દ પણ ઉચ્ચારાઈ રહ્યો ન હતો. કદાચ એની જરૂર પણ ન હતી. વર્ષો જૂની આ ટેવ હતી. મૌનની પરિભાષા જ એમની વચ્ચે પ્રાધાન્ય હતી, સહજ હતી અને આરામદાયક પણ. 'હું તારી જોડે છું' એવું ક્યારેય કહેવાની જરૂર જ પડી ન હતી. કારણકે બન્ને બાળપણથી યુવાની સુધી પડછાયાં સમાં જોડે જ તો હતાં, એજ પૂરતું નહીં?

કહેવું જરૂરી કે કરવું?

પરંતુ આજે એક પડછાયો અન્યથી વિખૂટો પડવાનો હતો. વર્ષોનો સાથ છૂટવાનો હતો. શ્રેષ્ઠ મિત્ર વિનાં જીવન આગળ જીવવાનું હતું. પણ અહીં આંસુ માટે કોઈ અવકાશ ન હતો. દુઃખ, ઉદાસી કે રુદનની નબળાઈ બન્ને પક્ષે મંજુર ન હતી. એકબીજાની નબળાઈ થવું સહેજે કબૂલ ન હતું. સબળ, બળવાન સંબંધની ખુમારી યુવક અને યુવતીનાં ગંભીર પરિપક્વ ચ્હેરાઓ પર સ્પષ્ટપણે છલકાઈ રહી હતી.

વિરાન, સન્નાટાથી ભરપૂર પાદર ઉપર ફક્ત બે યુવા હૈયાઓનાં ધબકાર સિવાય કશુંજ સંભળાઈ રહ્યું ન હતું . બન્નેને એકમેકનાં હૃદયનાં એ ધબકાર જાણે ધ્યાનથી સાંભળીને આજીવન હૃદયમાં સાચવી રાખવા હોય એમ બન્નેની નજર એકજ દિશામાં, ધૂળની ડમરીથી રચાયેલ દૂર ક્ષિતિજ ઉપર અવિરત મંડાઈ હતી.

ક્ષિતિજને ચીરતી એક બસ ધીરે ધીરે એમની તરફ આગળ વધી રહી હતી. એ ફક્ત બસ હતી કે એક શરીરને એના પડછાયાથી વિખુટા પાડવાં ભાગ્યએ મોકલાવેલી એક સવારી?

બસને જોતાજ યુવાને પોતાના ખભા પર ખોસેલા થેલાને ઉતારી હાથમાં લીધો. થેલામાંથી બે ભેટ કાઢી યુવતીને થમાવી. બન્નેની આંખો થોડી ક્ષણો માટે એકમેકમાં ખોવાઈ ગઈ. કશેક ઊંડાણોમાં ઉતરી હજારો વાર્તાલાપ થઇ રહી. અસંખ્ય પ્રશ્નો હતાં અને ફક્ત એક ઉત્તરની આશ!

બસ આવી પહોંચી. યુવક ત્વરાથી બસમાં ગોઠવાઈ ગયો. ધીરે ધીરે બસ ગામની એ સૂની પાદરને છોડી ચાલી.

યુવતીએ અધીરાઈ જોડે તરતજ પહેલી ભેટને લપેટેલું કાગળિયું ઉઘાડ્યું.

લાલ રંગની સાડી ....દુલ્હનનો પરિવેશ ...પ્રેમનો પ્રસ્તાવ !

આંખો ધડ ધડ ભીંજાઈ ગઈ. અશ્રુનો ધોધ વર્ષોનું નિયંત્રણ ગુમાવી વહી પડ્યો. લાગણીઓનું પૂર ઉમટી પડ્યું. સંવેદનાઓની મીઠી પીડા મજબૂત હૃદયને નબળું પાડી રહ્યું.

અચાનક બીજી ભેટ દ્રષ્ટિ આગળ આવી. અધીરાઈ ફરી એકવાર હાવી થઇ. ઉત્સુકતા જોડે બીજા ભેટને લપેટેલું કાગળ ઉખેડી નાખ્યું.

સફેદ શ્વેત સાડી ....

વિધિ સામેનો પડકાર !

આંખોના આંસુ થીજી ગયાં. અશ્રુનાં સ્થાને ગર્વ દરેક ખૂણામાં

વ્યાપી ગયો. ક્ષણભરની ભાવાત્મક નબળાઈ પર ફરીથી મજબૂત હ્નદયનું આધિપત્ય સ્થપાઈ ગયું.

લક્ષયબઘ્ધ મનમાંથી નીકળી રહેલો નાદ શબ્દોથી ગુંજતો સુની ગામની પાદરમાં પડઘો પાડી રહ્યો .

"જય હિન્દ"

ગામની સરહદ વટાવી રહેલી બસની બારી ઉપર ટેકવેલા યુવકના હાથની વર્દીની બાંય હવામાં તિરંગા સમી ખુશીથી ઝૂમી રહી હતી. કદાચ એ જાણી ચુકી હતી કે દેશની સરહદ ઉપર દરરોજ ઉજવાતા દેશપ્રેમના વેલેન્ટાઈન ડે નો હિસ્સો બનવા જઈ રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama