Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published
Participate in 31 Days : 31 Writing Prompts Season 3 contest and win a chance to get your ebook published

Prashant Subhashchandra Salunke

Romance


4.8  

Prashant Subhashchandra Salunke

Romance


અનોખો એકરાર

અનોખો એકરાર

7 mins 378 7 mins 378

  " રંગ બરસે ભીગે ચૂનરવાલી. રંગ બરસે.,”

  “બહાર મોટા અવાજે ચાલી રહેલા આ ગીતને સાંભળીને તમે સમજી જ ગયા હશો કે આજે હોળીનો તહેવાર છે. જોકે કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં પહેલાની જેમ એકબીજાને રંગવાનો આનંદ હવે ક્યાંથી મળવાનો ? બસ આમ જ ‘રંગ બરસે, હોલિયાં મેં ઊડે રે ગુલાલ, બલમ પીચકારી.’ જેવા હોળીના ગીતો ચલાવી રંગોત્સવની જૂની યાદોને વાગોળ્યા કરવાનું.

   એક વાત કહું ? આ તહેવાર સાથે મારી એક મીઠી યાદ સંકળાયેલી છે જે હું આજે તમને કહી સંભળાવવાનો છું. વાત નાની અમથી છે પરંતુ મારા જીવનની એ ખૂબ મહત્વની પળ છે. વળી તેના દ્વારા તમને એ પણ શીખ મળશે કે સમસ્યા એટલી વિકટ હોતી નથી જેટલી આપણે તેને ધારી બેસીએ છીએ. ખરેખર કહું તો આપણા મનનો ડર જ સમસ્યાના ઊકેલ ફરતે કરોળિયાના જાળાની માફક લપેટાઈને તેને ભયંકર ઓપ આપી દેતો હોય છે.

   અરે ! હું તમને મારો પરિચય આપવાનો તો ભૂલી જ ગયો ! નમસ્કાર, મારું નામ ચૈતન્ય છે. હું વ્યવસાયે ડોક્ટર છું અને સાથોસાથ વિવિધ થેરાપી વિષે જ્ઞાન મેળવવાનો પણ શોખ ધરાવું છું. વિશ્વના તજજ્ઞોએ માનવજાતિને ઉપયોગી બને તેવી અસંખ્ય થેરાપી વિકસાવી છે. જેમકે મેગ્નેટ થેરાપી, લાઈટ થેરાપી, સાઉન્ડ થેરાપી, સ્ટીમ થેરાપી, ડાર્ક થેરાપી, ઈલેક્ટ્રોન થેરાપી, મડ થેરાપી, ક્રિસ્ટલ થેરાપી. ઉફ ! બોલતા બોલતા જ હાંફ ચઢી ગયો. યાદી લાંબી છે અને દર મહીને તેમાં નવો નવો ઊમેરો થતો જ જાય છે. પરંતુ આ બધી થેરાપીમાં મને સહુથી વધુ જેણે આકર્ષિત કરી હોય તે થેરાપી છે ‘કલર થેરાપી’. રંગો દ્વારા મનુષ્યના માનસિક તણાવને હળવી કરતી આ થેરાપી ખરેખર આશીર્વાદ સમાન છે. આ થેરાપીમાં દરેક રંગોની એક સાયકોલોજી છે જેમકે પીળો રંગ ખુશી કે સહમતિનો અને લીલો રંગ નવી શરૂઆત કે પ્રેમનો ગણાય છે. તમને દેવદાસ ચલચિત્રનું પેલું ગીત યાદ જ હશે ને ? ‘હમ પે યે કિસને હરા રંગ ડાલા ?’ હા, ગીતકાર કે લેખક અમસ્તા જ તેમની રચનામાં કોઈ શબ્દનો ઉલ્લેખ કરતા નથી પરંતુ તેની પાછળ તેમનું ગહન ચિંતન રહેલું હોય છે.”

“ચાલો, ગરમાગરમ કોફી પી લો.” ચૈતન્યની પત્નીએ ટેબલ પર કોફીનો મગ મૂકતા કહ્યું.

“આ મારી ધર્મપત્ની અલ્પના છે.”

અલ્પનાએ વિનયપૂર્વક કહ્યું, “નમસ્કાર”

“અલ્પના, હું આ લોકોને આપણો હોળીવાળો પ્રસંગ કહી સંભળાવવા જઈ રહ્યો છું.”

“તમે પણ કઈ વાત લઈને બેઠા છો.”

“અરે ! આજે હોળીના દિવસે એ પ્રસંગ યાદ ન આવે તો ક્યારે આવે ? દોસ્તો, અલ્પના સાથે મારી પ્રથમ મુલાકાત કલર થેરાપીના વર્કશોપમાં થઈ હતી. પ્રથમ નજરે જ મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. કદાચ વર્કશોપમાં તેની હાજરીને લીધે જ મારી એકપણ દિવસ ગેરહાજરી પડી નહોતી.”

“અમથું કંઈ પણ બોલો નહીં.”

“અલ્પના, તારા પ્રેમના રંગમાં રંગાઈને જ તો હું કલર થેરાપીના પ્રેમમાં પડ્યો હતો.”

“બસ કરોને હવે. શું બધાની સામે આમ બોલી રહ્યા છો ?”

“અલ્પના, દિલની વાત કહેવા માટે હિંમતની જરૂર હોય છે. હિંમતની.”

“હવે રહેવા દોને જયારે દિલની વાત કહેવાની હતી ત્યારે તો તમારી જીભ ઊપડતી નહોતી. હવે આ લોકો સામે હિંમત કરીને શું ફાયદો ?” આમ કહી અલ્પના રસોડામાં જતી રહી.

“અલ્પના પણ ખરી છે. તેની વાતનું ખોટું ન લગાડતા તેને આમ જ બોલવાની આદત છે. હા, તો વર્કશોપ દરમિયાન હું અલ્પનાને દિલોજાનથી ચાહવા માંડ્યો હતો પરંતુ તેની સામે પ્રેમનો એકરાર કરવાની મારી હિંમત ચાલતી નહોતી. જયારે મારા મિત્રોએ કહ્યું હતું કે અલ્પના તો તારા ફળિયામાં જ રહે છે ત્યારે મારું મન ખુશીથી ઝૂમી ઊઠ્યું હતું. થોડા દિવસ પહેલા જ તેઓ ત્યાં રહેવા આવ્યા હતા. બસ પછી શું ? વર્કશોપ પૂર્ણ થયા બાદ હું તેના ઘરની સામે જઈને ઊભો રહેતો. તેની એક ઝલક જોવા હું ચાતક પક્ષીની જેમ તેની બાલ્કની તરફ મીટ માંડી ઊભો રહેતો. ક્યારેક એ દેખાય, ક્યારેક નહીં. જેવું એ દિવસનું મારું નસીબ. કોઈકવાર અલ્પના મારી સાવ નજદીકથી પસાર થઈ જતી. ત્યારે તેની ઝુલ્ફોમાંથી આવતી મોહક સુંગધ મને મદહોશ કરી દેતી. હું તેનો હાથ પકડી તેની સામે પ્રેમનો એકરાર કરી રહ્યો છું એવા દ્રશ્યો મારી કલ્પનામાં આવીને ખડા થઈ જતા પરંતુ વાસ્તવમાં એમ કરવાની મારી હિંમત ચાલતી નહોતી. મનમાં વિચાર આવતો કે, તે ના પાડશે તો ? મારા ઘરે ફરિયાદ કરશે તો ? મને તમાચો ચોડી તમાશો કરશે તો ? ખરેખર કહું તો માણસની હિંમતને તેના મનના વિચારો જ ડગમગાવી દેતા હોય છે. આમ સમયનું ચક્ર ફરતું રહ્યું અને દિવસો વિતતા ગયા. આખરે આવ્યો હોળીનો એ દિવસ. અમારા ફળીયામાં ખૂબ મોટી હોળી થતી. દસ દિવસ પહેલા જ હોળીનો ખાડો ખોદાઈ જતો અને સહુ કોઈ તેમાં પોત પોતાના ફાળાના લાકડા મૂકી જતા. દસ દિવસમાં તો નાની સરખી દેખાતી એ હોળી વિરાટ રૂપ લઈ લેતી. એ દિવસે હોળી પ્રાગટ્યના સમયે અલ્પના તેની બહેનપણીઓ સાથે પૂજા કરવા આવી હતી. મેં તેની તરફ જોયું ત્યારે તે તીરછી નજરે મારી તરફ જ જોઈ રહી હતી. ઉફ ! તેની એ કાતિલ નજર. આજે પણ તે નજરને યાદ કરી મારું દિલ ધબકી ઊઠે છે. ‘તવ કાતિલ નયન વાર, સીધી દિલ પર કરે અસર, કરતી રહે આમ જ પ્રહાર, બસ ! નહીં આ વિતે પ્રહર.’

હું હિંમત કરીને તેની પાસે ગયો.

તેણે મારી તરફ જોઈ સ્મિત કર્યું.

તેના સ્મિતે મને પ્રેરકબળ પૂરું પાડ્યું.

“એક વાત કહું ?” મેં અલ્પના તરફ જોતા કહ્યું.

“કહો ને ?” અલ્પનાએ મારી આંખમાં આંખ પરોવતા કહ્યું.

‘નજરથી નજર મળતી રહી મારા વિચારોમાં એ ભળતી રહી, હૈયામાં મારા પીગળતી રહી, આહ ! દિલમાંથી નીકળતી રહી.’ તેની ઝીલ જેવી નીલી આંખોમાં હું ગોથા ખાવા માંડ્યો. પણ મારી જીભ ઊપડી નહીં.

“અલ્પના, આ છોકરો શું કહે છે ?” પાસે ઊભેલી તેની બહેનપણીના ઘોઘરા અવાજે મારી તંદ્રા તોડી.

ખલાસ.

મારી હિંમત તૂટી.

“હું… હું તો બસ એ જ કહેવા આવ્યો હતો કે હોળીથી દૂર ઊભા રહો. નહીંતર તે પ્રગટશે ત્યારે તેની ઝાળથી તમે દઝાશો.” હું થોથવાતા સ્વરે બોલ્યો.

“તમે આ જ કહેવા આવ્યા હતા ?” અલ્પના ખીલખીલાટ હસતા બોલી.

તેણે મર્મથી પૂછેલા એ પ્રશ્નથી હું ઝંખવાઈ ગયો અને વિલે મોઢે “હા” બોલી ત્યાંથી ખસી ગયો હતો.

કાશ ! મેં તેને મારા દિલની વાત કહી દીધી હોત. કાશ ! મેં હિંમત કરી હોત. જયઘોષ અને ઢોલ-નગારાના અવાજ વચ્ચે મારા દિલમાં પ્રજવલિત પ્રેમ અગ્નિના પ્રતિક સમી હોળી પ્રગટી ઊઠી. તેના પ્રકાશપુંજમાં નહાઈને અલ્પનાનું સૌંદર્ય ઔર દીપી ઊઠ્યું હતું. શું ગજબની સુંદરતા તેના રૂપમાંથી ઝળકી રહી હતી. હોળીની સહુ કોઈ સજોડે પૂજા કરી રહ્યા હતા ત્યારે અલ્પનાને મારાથી દૂર ઊભા રહી પૂજા કરતા જોઈ મારું હૃદય તડપી ઊઠ્યું. મનમાં થયું કે હું પણ તેની પાસે ઊભો રહી પૂજામાં જોડાઈ જઉં પણ… પણ મારી હિંમત ચાલી નહીં.”

પૂજા કરી સહુ કોઈ વિખરાઈ ગયા.

બીજા દિવસે આવી ધૂળેટી.

અમે સહુ ફળિયાના મિત્રો એકબીજાને રંગવામાં મશગુલ હતા. હું તીરછી નજરે અલ્પનાના ઘરની બાલ્કની તરફ જોઈ લેતો હતો. તેને ત્યાં ન જોતા હું ઉદાસ થઈ જતો.

“શું બાઘાની જેમ ઉપર જોઈ રહ્યો છે.” આમ કહી મારા મિત્ર ધીરજે મુઠ્ઠીમાં ગુલાલ ભરી મારા પર ફેંક્યો. તેણે ફેંકેલો ગુલાલ મારા મોઢા પર આવીને પડતા મારા વિચારોની તંદ્રા તૂટી. ધીરજના આવા વર્તનથી પ્રેમમાં તરબોળ મારું હૃદય ક્રોધથી ભભૂકી ઊઠ્યું. “ઊભો રહે બદમાશ. તને હમણાં સબક શીખવાડું છું.”

મારી વાત સાંભળી ધીરજ ભાગવા માંડ્યો. ખરેખર કહું તો ધૂળેટીની આ પણ એક મજા છે. તેને આમ ભાગતો જોઈ મારો રોષ વધુ ભડકી ઊઠ્યો, મેં આસપાસ નજર ફેરવી તો એક થેલામાં લીલો રંગ દેખાયો. મેં એ રંગ મારા બંને હાથની મુઠ્ઠીમાં ભર્યો અને ધીરજ પાછળ દોટ લગાવી. મને આમ તેની પાછળ આવતો જોઈ ધીરજ વધુ જોરથી દોડવા લાગ્યો. મેં પણ મારી ગતિ વધારી. આખરે ધીરજ એક એવી ગલીમાં આવ્યો કે જ્યાં આગળનો રસ્તો બંધ હતો.

“હવે બેટમજી બરાબરનો ફસાયો. હવે ભાગીને ક્યાં જઈશ ?”

મારી આ વાત સાંભળી ધીરજે એક શાકભાજીની લારી તરફ દોટ લગાવી. હું પણ તેને રંગવાના પુરા જોશમાં હતો. લારી તરફ આવીને ધીરજ રોકાઈ ગયો. તે ખૂબ હાંફી રહ્યો હતો.

આ જોઈ મેં જોશથી બુમ પાડી, “બદમાશ, હવે તું નહીં બચે.” આમ કહેતાની સાથે મેં મારી મુઠ્ઠીમાં ભરેલા લીલા રંગનો જોશભેર પ્રહાર કર્યો.

પરંતુ આ શું ?

અણીના સમયે ધીરજે નીચે નમી ઘા ચૂકવ્યો અને ઊછળીને સામી ગલીએ દોટ લગાવી દીધી. તે તો બચી ગયો પરંતુ હું ફસાઈ ગયો. મેં ફેંકેલો રંગ શાકભાજી ખરીદવા આવેલી એક છોકરીના મોઢા પર પડ્યો.

“વોટ નોનસેન્સ.” આમ કહેતાની સાથે તે છોકરી એ મારા તરફ જોયું.

છોકરીનો ચહેરો જોતા જ મારા પગ નીચેની ધરતી સરકી ગઈ. કારણ, એ છોકરી બીજી કોઈ નહીં પણ મારી અલ્પના હતી. રંગ મેં ફેંક્યો છે તે જાણી જતા તેનો ગુસ્સો શમી ગયો. તે પ્રેમભરી નજરે તેના શરીર પરના રંગને જોઈ રહી. હું બરાબરનો ડરી ગયો હતો. અલ્પના મારી પાસે આવી. હું બે ડગલા પાછળ ખસ્યો. આ જોઈ અલ્પના મુસ્કુરાઈ ઊઠી. બીજી જ ક્ષણે તેણે બાજુમાં ઊભેલી રંગની લારી પર દસ રૂપિયાની નોટ મૂકી તેમાંથી રંગની એક પોટલી ઊઠાવી. હું ધબકતા હૃદયે તેને જોઈ રહ્યો. અલ્પના મારી પાસે આવી અને મારા ગાલ પર હળવા હાથે રંગ લગાવતા બોલી, “હેપ્પી હોળી..”

આમ બોલી તે શરમાઈને તેના ઘર તરફ દોડી ગઈ.

મેં મારા ગાલ પર હાથ ફેરવી અલ્પનાએ લગાવેલો રંગ જોયો. મને આશ્ચર્યનો એક ઝાટકો લાગ્યો. અલ્પના અને હું અમે બંને કલર થેરાપીના અભ્યાસુ હતા. રંગ સંકેતને સારી રીતે સમજતા હતા. મારા ફેંકેલા પ્રેમના પ્રતિક સમા લીલા રંગના જવાબમાં અલ્પનાએ મારા ગાલ પર સહમતિના પ્રતિક સમો પીળો રંગ લગાવ્યો હતો. મેં કરેલી નવી શરૂઆતના પહેલના પ્રતિઉત્તરમાં અલ્પનાએ તે રંગ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી. આ જોઈ હું આનંદથી ઊછળી પડ્યો અને જોરથી બોલી ઊઠ્યો. “અલ્પના, હેપ્પી હોળી.”

દોડતી અલ્પનાએ પાછળ વળીને જોયું અને સહમતિમાં ડોકું ધુણાવી પાછી તેના ઘર તરફ દોડી ગઈ.

આમ અમારા પ્રેમ પ્રકરણની શરૂઆત એ દિવસથી થઈ. બસ આગળની કહાની તો આપ જાણો જ છો. અમારા પરિવારજનોને મનાવી અમે બંને લગ્નગ્રંથિથી બંધાઈ ગયા હતા. આટલી હતી અમારી આ પ્રેમ-કહાની. મારી વાતને પૂર્ણવિરામ આપતા પહેલા એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે પ્રેમીઓએ તેમના પ્રેમનો ‘આઈ લવ યુ’ કહીને નહીં પરંતુ “હેપ્પી હોળી” કહીને કર્યો હોય તેવો આ દુનિયાનો હશે એકમાત્ર અને અનોખો એકરાર.


Rate this content
Log in

More gujarati story from Prashant Subhashchandra Salunke

Similar gujarati story from Romance