અનોખી પ્રીત
અનોખી પ્રીત
લાલ ફૂલોથી સુશોભિત વાતાવરણ, ચારે તરફ સફેદ ચાદરોથી છવાયેલાં બરફનાં શિખરો પર પડતી સૂરજની કિરણો એક અજબ લાલીમા ફેલાવતી હતી. આ અવર્ણનીય કુદરતી વાતાવરણ જોઈ તેનાં પ્રેમમાં પડી જવાનું મન થાય. ખળખળ વહેતી બિયાસ નદીનાં સૂરીલા સંગીતને માણતી અજવા રોજ વહેલી જ પોતાનાં કામ પર આવી જતી. અણીદાર નાક, બદામની ફાડ જેવી આંખો અને રૂપાળી એવી અજવાને જોઈ સૌ કોઈ તેને દિલ દઈ બેસે.
અજવા તેનાં પિતા સાથે રહેતી હતી. તેનાં પિતા કુલુમા રિવર રાફટિંગ કરાવતાં હતાં. અજવા પણ પિતાની સાથે જ આવતી અને ચેરી વેચતી હતી. અજવાના હોઠો જેવી લાલ ચટક ચેરી લેવાં ઘણાં પ્રવાસીઓ પડાપડી કરતાં હતાં.
એકવાર આઠ, દશ છોકરાઓ સીમલા ફરવા આવ્યાં. જેમાં અથર્વ પણ હતો. નાક, નકશે રૂપાળો, હેન્ડસમ અથર્વ અજવા પાસે ચેરી લેવાં જાય છે. અજવાનુ સૌંદર્ય જોઈ અથર્વ તો એકપળમાં અજવાને દિલ દઈ બેઠો. હિંમત કરી તે અજવા પાસે જાય છે. અને કહે.
" આપ મારી જીવન સંગીની બનશો ? "
અજવા તો આ સાંભળી સ્થિર થઈ ગઈ. થોડીવાર થતાં તેનાં પિતા આવે છે. અથર્વ તેનાં પિતાને પણ કહે છે. કે આપની દીકરી સાથે લગ્ન કરવાં માગું છું. પણ તેનાં પિતા દયામણી નજરોથી તેની સામે જોયું. ફરીથી અથર્વ અજવાને પૂછે છે.
" શું આપ મારી સાથે લગ્ન કરશો ? "
અજવાની આંખોનાં આંસું તેના ગુલાબી ગાલો પર થીજી ગયાં. એ જોઈ અથર્વ બોલ્યો.
" શું થયું ?"
તો અજવાના પિતા કહે.
" અજવા નાનપણથી બોલી શકતી નથી. "
આ સાંભળી સ્તબ્ધ થયેલો અથર્વ કંઈ પણ બોલી શક્યો નહીં.

