Trupti Patel

Romance

3  

Trupti Patel

Romance

અનામિકા -7

અનામિકા -7

6 mins
131


એક પ્રકારની ઉલઝન સાથે અનુ ફ્લાઈટમાં બેસે છે. એક જાણીતી લહેર એની બાજુમાંથી પસાર થતી હોય એવુ લાગ્યું. . એની હેન્ડબેગ સાચવતી હાથમાં બોર્ડિંગ પાસ લઈને સીટ શોધવાની મથામણમાં કંઈ સમજ નહોતી પડતી. એટલામાં જ એરહોસ્ટેટ આવી અને અનુને એની સીટ પર બેસાડી દીધી.

બાજુની સીટ પર કોણ છે એ જોયા વગર જ અનુ બારીની બહારના દ્રશ્ય જોવામાં અને પિક્સ લેવામાં મશગુલ બની ગઈ હતી. કોણ જાણે કેમ આજે વારેઘડીએ હૃદયમાં એક થડકારો આવી જતો હતો. વારે વારે મન બેચેન થઈ જતું હતું. ફ્લાઈટ ઉપડવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મોબાઈલ સ્વિચઑફ કરીને હેન્ડબેગમાં મૂકી દીધો. એરહોસ્ટેટની સૂચના પ્રમાણે સીટબેલ્ટ બાંધીને આંખો બંધ કરીને બેસી ગઈ. રનવે પર વિમાન દોડવા લાગ્યું. જેટલી ઝડપથી વિમાન રનવે દોડતું હતું એનાથી ય વધારે ઝડપથી અનુનું મન વિચારોમા દોડતું હતું. બધી સૂચના આપતી એરહોસ્ટેટ, દેશવિદેશના મુસાફર અને આગળપાછળ થતી વાતોનો ધીમો ધીમો કોલાહલ, આ બધાથી ક્યાંય દૂર અનુ બંધ આંખે પોતાની સપનાની દુનિયામાં પહોંચી ગઈ હતી. રનવે પર દોડતાં વિમાનની ઝડપથી જે રોમાંચ થાય એનાથી વધારે અયાનની યાદ રોમાંચિત કરી જતી હતી.

રનવે પર વિમાનની ઝડપ એકદમ વધી જવાથી બંધ આખોંએ જ અનુએ સીટના હેન્ડલ જોરથી પકડી લીધા.

"એય, અનુ," અચાનક એક અવાજ અનુને સંભળાયો. અનુ એકદમ ચોકી ગઈ અને આંખો ખોલીને આજુબાજુ જોયા વગર જ પોતાના માથા પર ટપલી મારીને વિચારવા લાગી કે અયાન અહીં ક્યાંથી ? ના ના, અયાન ના હોય, અને અનુએ જોરથી આંખો બંધ કરી દીધી. હૃદય બમણાં વેગથી ધડકવા લાગ્યું.

 ત્યાં તો ફરી એક વાર " એય અનુ, હજુ પણ આટલી ડરપોક જ છે તું. " આવું સાંભળતાં જ અનુ એકદમ ચોંકી ઊઠી અને બાજુમાં જોવા લાગી તો અયાનનો હસતો ચહેરો દેખાયો. આંખો પર વિશ્વાસ જ ના આવ્યો કે અયાન એની બાજુમાં છે અને એને બોલાવી રહ્યો છે.

"અરે તું . . . . સોરી, અયાન. . તમે. . ? અહીં ક્યાંથી ?" અનુ અચકાતાં અચકાતાં બોલી. અનુને હજુ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે અયાન એની બાજુમાં છે અને એની સાથે વાત કરી રહ્યો છે.

" અનુ, તું આ તમે પર ક્યાંથી આવી ગઈ ?" બોલતાં અયાન ચહેરા હલકી સ્માઈલ આવી ગઈ.

" બસ, એમજ. . . " અનુ હજુ પણ અસંમજમાં જ હતી.

" આંખોમાં ઉમટેલા આંસુના પૂર અને ચહેરા હાસ્ય. " અનુ પોતાને સંભાળી શકતી નહોતી. શુ બોલવું એ સમજાતું નહોતું. એકદમ અવાચક બનીને અયાનને જોવા લાગી. અયાન અનુના મનની હાલત સમજી ગયો.

" અનુ, રિલેક્સ. . "પોતાના હાથમાં રહેલી પાણીની બોટલ અનુને આપતાં બોલ્યો.

અનુ આવી રીતે કેમ જુએ છે તું. . . ? કહીને અનુની આંખ સામે ચપટી વગાડે છે અને પછી માથા પર હળવી ટપલી મારી હસી પડે છે.

"સહેજ પણ બદલાઈ નથી તું યાર. . હજુ પણ કંઈ બોલતાં પહેલા હજાર વાર વિચારે છે નહિ ?" કહીને ખડખડાટ હસી પડ્યો અયાન. . એને હસતો જોઈને અનુએ બાંધી રાખેલી લાગણીઓનો ધોધ પૂરજોશમાં આંસુરૂપે વહેવા લાગ્યો. . . .

"અયાન, આટલા વર્ષો પછી તું. . . ? મારી સામે. . . આમ અચાનક. . ?" આટલું બોલતા તો ગળે ડૂમો ભરાઈ ગયો અનુ ને. . . અયાને થોડી વાર રડવા દીધી અનુને, પછી એના હાથ પર હાથ મૂકીને અનુને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યો. શાંત થયેલી અનુને જોઈને અયાને ધીમેથી પૂછ્યું," અનુ, એક વાતનો જવાબ આપ, કે મારી ભાળ મેળવવાનો પ્રયાસ કેમ કર્યો નહિ. "

" મારા માટે ગુસ્સો, નફરત કે સ્ત્રીસહજ શરમ. . . "

અયાનનું વાક્ય પુરુ થાય એ પહેલા તો અનુ એકદમ બોલી પડી," તારા માટે પ્રેમ અને મારા પરિવાર તરફની જવાબદારી. "

આ જ સાંભળવાની રાહ જોતો હોય એમ અયાને તરત જ અનુનો હાથ જોરથી પકડી લીધો અને અનુની આંખોમાં જોવા લાગ્યો. એને અનુની આંખોમાં એ જ દેખાયું જે પોતે અનુ માટે અનુભવતો હતો. અનુ પણ આ આવેલી તક જવા દેવા નહોતી માંગતી. એ સમજતી હતી કે આજે નહિ બોલી તો ક્યારેય નહિ બોલી શકે.

" અયાન, તારા મનમાં મારા માટે કેવી લાગણી હતી અને અત્યારે કેવી લાગણી છે એ હું નથી જાણતી પણ મને તો અગિયારમાં ધોરણથી જ તારા માટે અનહદ લાગણી હતી, અત્યારે પણ બેશુમાર લાગણી છે અને ભવિષ્યમાં પણ આટલી લાગણી રહેશે. "અનુ એક જ શ્વાસે જલદી જલદી બોલી પડી.

" તો પછી મને મળવા કેમ આવી નહિ ? "અયાને બધું જાણવાની અધીરાઈથી પૂછ્યું.

જવાબમાં અનુએ એના પપ્પા સાથે જે થયું અને પછી પરિવારની જવાબદારી આવી પડી એ બધું જ અયાનને કહી દીધું. અનુની વાત સાંભળીને અયાનને અનુની લાગણી માટે જે ગેરસમજ થઈ હતી એ દૂર થઈ ગઈ.  

આમ, પણ ગેરસમજના આંસુ વહી ગયા પછી પ્રેમમાં આંસુ પણ મીઠા લાગતાં હોય છે, જેની મીઠાશ અયાન માણી રહ્યો હતો.

જીવનની આ ક્ષણ માણવા માટે જાણે કેટલું ય તપ કર્યું હતું, અનુ અને અયાને એ એમનું મન જ જાણતું હતું. અયાન પણ આજે પોતાની બધી લાગણીઓ કહી દેવાના મૂડમાં હતો. એના વિચારોને અધવચ્ચે અટકાવતા અનુ બોલી, "અયાન, આ અણધાર્યા મિલનની કોઈ કલ્પના જ નહોતી. " અયાન પણ જાણે રાઝ ખોલી દેવાના મૂડમાં હતો.

"અનુ, મારે માટે આજની આ ક્ષણ અણધારી નહોતી.

 સમજી લે, કે આજે હું તને અહીં મળવા જ આવ્યો છું. "

" અનુ,જે દિવસે મળવાનું હતું આપણે ત્યારથી લઈને ગયા મહિના સુધી ગેરસમજનું પોટલું લઈને ફરતો હતો, અને તું તો સોશ્યલ મીડિયા પર ક્યાંય છે જ નઈ તો તને શોધવી ક્યાં ? નથી તારો મોબાઈલ નંબર મારી પાસે. . . એટલે જ નમ્રતાને ફેસબુક પર શોધીને અમે એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા અને તારા વિશે વાત થઈ અને તારા આ આખા પ્રોગ્રામની મને ખબર પડી . . . હવે હું આ લાગણીઓનો બોજ લઈને જીવવા નથી માંગતો. બસ, જ્યારથી તારા વિશે ખબર પડી ત્યારથી હું તારી સાથે આ ક્ષણો જીવવા માંગતો હતો. એટલે જ આવ્યો છું દિલ્હી સુધી,પછી તું જે કહે એ મંજૂર છે મને. "

 અનુ એકદમ નવાઈ પામી ગઈ આ વાત સાંભળીને, કે અયાન મારા માટે જ આવ્યો છે અમદાવાદથી દિલ્હી સુધી.

 એ તો પલક ઝબકાવ્યા વગર અયાનને જોઈ રહી હતી ને સાંભળી રહી હતી.

"અનુ, આપણે બેસ્ટ ફ્રેન્ડ તો હતાં જ પણ એ સંબંધને એનાથી પણ એક કદમ આગળ લઈ જઈએ ? "

" પાનખર બનીને રહી ગયેલી જિંદગીને નવેસરથી નવપલ્લીત કરીએ, પણ તું ઈચ્છે તો જ. "અનુ કંઈ બોલી નહિ એટલે સહેજ અચકાઈને અયાન બોલ્યો.

 આ સાંભળીને અનુની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યાં અને ક્યારે દિલ્હી આવે એની રાહ જોવા લાગી.

 અયાન રાહ જોતો રહી ગયો અનુના જવાબની"આ છોકરી મને પાગલ બનાવીને જ રહેશે. " એવુ મનમાં વિચારવા લાગ્યો, પણ હવે કંઈ બોલવું નથી એવું મનોમન નક્કી કરીને ચૂપ થઈ ગયો. થોડીવારમાં જ દિલ્હી આવી ગયું. અયાનને દિલ્હી એરપોર્ટથી બહાર નીકળવામાં થાક લાગી જશે એવુ લાગ્યું,અનુનો કોઈ જવાબ મળ્યો નહિ એટલે. પણ પોતાની લાગણી તો વ્યક્ત થઈ ગઈ અનુ સમક્ષ, એનો સંતોષ હતો.

અયાન અનુને મળીને એક્ઝીટ તરફ જતો હતો ને એકદમ અનુ પણ એનો હાથ પકડીને એક્ઝીટ તરફ ચાલવા લાગી.

"અરે ! તું ક્યાં બહાર આવે છે અનુ ?" અયાન બોલી પડ્યો.

"કેમ હું તારી સાથે આવું તો તને કોઈ વાંધો છે ?" બોલતાં અનુ શરારતભર્યું હસી.

"ના પણ તારો લગેજ . . . . . "

" લગેજમાં તો વેસ્ટર્ન કપડાં જ હતાં. જવા દે ને. . તું શોપિંગ કરાવજેને સાડીઓ અને કુર્તીનું. "અયાન સાથે મજાક અનુ બોલી.

અયાનને કંઈ બોલવાનો મોકો આપ્યા વગર અનુએ એની હૅન્ડબેગમાંથી મોબાઈલ લઈને ઓન કરીને નમ્રતાને મેસેજ કરી દીધો કે,"હું ત્યાં નથી આવતી. "

થોડી જ વારમાં નમ્રતાનો કોલ આવ્યો કે, " મળી ગયો અયાન ? "

" હા " કહીને અનુએ મોબાઈલ મૂકી દીધો અને અયાનનો હાથ પકડીને સપનાંની દુનિયાને હકીકતમાં બદલવા ઉડાન ભરી.


Rate this content
Log in

Similar gujarati story from Romance