Trupti Patel

Others

4  

Trupti Patel

Others

આંગળિયાત

આંગળિયાત

2 mins
245


સવજીભાઈ આજે તો રડી પડ્યા. આજે સવારથી એમનો જીવ ગભરાતો હતો. હવે આયુષ્યની દોરી ગમે ત્યારે તૂટી જશે એવું લાગતું હતું. સવજીભાઈ છેલ્લા બે મહિનાથી બીમાર હતાં. આટલા બધાં વર્ષોથી બંને દીકરા વચ્ચે કરેલો ભેદભાવ હવે રહી રહીને યાદ આવતો હતો અને અફસોસ પણ થતો હતો કે, કાશ ! હું રાજુને પિતાનો પ્રેમ આપી શક્યો હોત તો આજે આટલો બધો વસવસો ના રહેતો. હવે પોતાની ભૂલ સમજાઈ હતી. એમનાં પત્ની કાંતાબેન ત્રણ વર્ષ પહેલાં જ સ્વર્ગે સીધાવી ગયા હતાં.

કાંતાબેનના લગ્ન સવજીભાઈ સાથે થયા ત્યારે તે બે વર્ષના રાજુને લઈને આવ્યા હતાં. સવજીભાઈનું ઘર આર્થિક રીતે સાવ પછાત હતું અને કુટુંબમાં ખાસ કોઈ હતું નહિ એટલે કોઈ એમને કન્યા આપવા તૈયાર નહોતું. એમ ને એમ જિંદગીના બત્રીસ વર્ષ પસાર થઈ ગયા. એવામાં જ કાંતાબેન વિધવા થયા એટલે પાડોશીના પ્રયત્નથી થોડા સમય પછી સવજીભાઈનો મેળ બેસી ગયો. પણ, રાજુને હૃદયથી સ્વીકારી ના શક્યા. કાંતાબેન સાથેના લગ્નજીવન દરમ્યાન એક દીકરો પંકજ અને એક દીકરી જયા, એમ બે સંતાનના પિતા બન્યા.

સવજીભાઈના હૃદયમાં થોડું પણ સ્થાન મળે એ માટે કાંતાબેન બહુ પ્રયત્ન કરતાં પણ એમની બધી લાગણીઓ અને પ્રેમ પંકજ અને જયા તરફ વળી ગઈ. એમના મનમાં એક જ વિચાર ચાલતો કે રાજુ તો પારકું લોહી કહેવાય, છેવટે છે તો " આંગળિયાત " જ ને. આ જ કારણથી રાજુને બીમાર પડ્યા ત્યાં સુધી અપનાવી ના શક્યા. કાંતાબેનના ગયા પછી તો રાજુ પ્રત્યે સાવ બેદરકાર થઈ ગયા. એમનાં વધારે પડતા પ્રેમ અને લાગણીને કારણે પંકજ નાનપણથી જ જિદ્દી અને ઘમંડી બની ગયો હતો. કોઈના કહેવામાં પણ નહોતો રહ્યો. જવાબદારી માથે આવશે એટલે સુધરી જશે એમ માનીને સવજીભાઈ એની ભૂલો અને જિદને આંખ આડા કાન કરીને ચલાવી રહ્યા હતાં અને પુત્રપ્રેમમાં સાવ આંધળા બની ગયા હતાં.

કાંતાબેનના ગયા પછી સવજીભાઈ ત્રણ વર્ષે જયારે બીમાર પડ્યા ત્યારે એમનો પુત્રપ્રેમનો મોહભંગ થયો.

બીમાર પિતાની સેવાચાકરી કરવાની તો દૂર રહી પણ ખબરઅંતર ય ના પૂછી. જયારે રાજુ દિવસરાત કોઈ પણ સ્વાર્થ વગર પિતાની સેવા કરવા લાગ્યો. પોતે તો ક્યારેય રાજુ સામે જોયું નથી. લાગણી તો ઠીક છે પણ એની શું જરૂરિયાત છે એ પણ પૂછ્યું નથી તો પણ એ આટલી બધી લાગણી અને પ્રેમથી સેવા કરતો જોઈને એમનું હૃદય ગદગદ થઈ ગયું અને રાજુ પ્રત્યે લાગણીઓ વહેવા લાગી.

આજે જયારે સવજીભાઈને એવું લાગ્યું કે હવે આ બીમારીમાંથી હવે ઊભું નહીં થવાય એટલે રાજુને પાસે બોલાવીને એનો હાથ પકડીને ક્યાંય સુધી રડતા રહ્યા એની આંખોમાં જોતાં રહ્યા. આખરે, "મને માફ કરજે દીકરા."

એટલું બોલતાં બોલતાં જ એમનો "આત્મા" અનંત યાત્રાએ જવા નીકળી ગયો.


Rate this content
Log in