Trupti Patel

Others

3  

Trupti Patel

Others

પ્રેમનું ઝરણું

પ્રેમનું ઝરણું

2 mins
219


આકાશ આજે સવારથી જ થોડો ઉદાસ લાગતો હતો. કોણ જાણે કેમ આજે ઘરે જવાનું મન નહોતું પણ મમ્મીનું મન સાચવવા જવું પડે એમ હતું. જો આજે પણ સમયસર ઘરે ના પહોંચ્યો તો મમ્મીનું બોલવાનું ચાલુ થઈ જશે, એટલે જ મમ્મીએ આપેલા સમય કરતાં એક કલાક વહેલો ઘરે પહોંચી ગયો અને થોડી વાર સૂઈ જવાનું બહાનું કરીને ઉપર રૂમમાં જતો રહ્યો." દરેક વખતે થાય છે એવું આજે પણ થશે ? " એવું વિચારતાં વિચારતાં આકાશ, બાલ્કનીમાં પડેલી ખુરશીમાં આંખો બંધ કરીને બેસી ગયો.

આકાશ નીતાબેન અને મયુરભાઈનો એકનો એક હોશિયાર,હેન્ડસમ અને સંસ્કારી દીકરો હતો,જે અમેરિકાની યુનિવર્સીટીમાં એમબીએની ડિગ્રી મેળવીને અત્યારે મયુરભાઈનો બિઝનેસ સંભાળી રહ્યો હતો. સત્યાવીસ વર્ષનો આકાશ છેલ્લા બે વર્ષથી મમ્મી અને સગાંવહાલાંએ બતાવેલી છોકરીઓ જોયા કરતો હતો પણ એમાંની એક પણ છોકરીને પસંદ નહોતો કરી શક્યો, એટલે નીતાબેન હવે આકાશ પર અકળાયેલા હતાં. જેટલી પણ છોકરીઓ જોઈ એ બધી જ સજાવેલી ઢીંગલી જેવી, પ્લાસ્ટિકિયું સ્મિત અને તેના સ્ટેટ્સને પરણવા આવી હોય એવુંં લાગતું હતું. આકાશને રંગરૂપનું મહત્વ નહોતું પણ જેને જોતાં જ હૃદયના તાર ઝણઝણે, પહેલી જ નજરમાં ગમી જાય એવી સીધી સાદી છોકરીની તલાશ હતી.

આજે પણ એક છોકરીને જોવા જવાનું હતું એટલે ઘરે વહેલો આવી ગયો હતો. આ વખતે તો છોકરીના ઘરે મુલાકાત રાખવાને બદલે નજીકના ગાર્ડનમાં મળવાનું ગોઠવ્યું હતું. દર વખતે છોકરી જોઈને ના કહેવી પડે એ આકાશને પસંદ નહોતું એટલે છેલ્લા બે મહિનાથી છોકરી જોવાનું ટાળતો હતો. પણ, આજે મમ્મીના દબાણથી કાવ્યાને મળવા જવાનું હતું. દર વખતની જેમ આજે આકાશ વ્યગ્ર

 હતો. એને ખબર જ હતી કે આ વખતે પણ નિરાશ જ થવું પડશે, અને ફરી એક વાર ના કહેવી પડશે.

" મારી પસંદની છોકરી મળશે કે નહિ કે પછી આજે પણ ના કહેવી પડશે. " એવુંં મનમાં વિચારતો વિચારતો કાવ્યાને મળવા ગાર્ડનમાં પહોંચી ગયો અને એક બાંકડા પર બેસી ગયો અને કાવ્યાની રાહ જોવા લાગ્યો.

થોડી વાર પછી સામેથી એકદમ આછા પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેરલી, ખુલ્લા વાળમાં,સહેજ ભીને વાન અને આજુબાજુમાં જોતી કાવ્યા નજરે પડી. બાયોડેટામાં અલપ ઝલપ ફોટો જોયો હતો એટલે આકાશ થોડે દૂરથી જ કાવ્યાને ઓળખી ગયો. શિયાળાની વહેલી ડૂબતી સાંજ, કેસરિયું આકાશ અને આછા પીળા કલરના ડ્રેસમાં કાવ્યાને જોઈને, "બસ, આવી જ હોવી જોઈએ મારી હમસફર." એવુંં બોલતાં એકદમ ઊભો થઈ ગયો.

હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા અને કાવ્યા માટે પ્રેમનું ઝરણું વહેવા લાગ્યું અને કાવ્યા સાથે વાત કર્યા વગર જ આ સબંધ માટે મમ્મીને ફોન કરીને હા પાડી દીધી.


Rate this content
Log in