Trupti Patel

Children Stories

3  

Trupti Patel

Children Stories

રંગબીરંગી દુનિયા

રંગબીરંગી દુનિયા

2 mins
180


આજે પરી બહુ ખુશ ખુશ હતી. અરે ! પરી જ નહિ પણ એના મમ્મી પપ્પા અને બા પણ ખુશ હતાં. બહુ ઉત્સાહથી પરી બા અને મમ્મી સાથે વાતો કરતી હતી અને મનમાં ને મનમાં હસ્યાં કરતી હતી. આજે પરીની મમ્મી અને બાના ચહેરા આટલાં બધાં વર્ષો પછી ઉત્સાહ અને આશાથી ચમકતા હતાં. પરીના પપ્પા પણ બહુ જ ઉમ્મીદ સાથે ડૉક્ટરને મળવા એમની કેબીનમાં ગયા હતાં.

પરી એની બા સાથે વાતો કરતાં કરતાં રંગબેરંગી સપનોની દુનિયામાં ખોવાઈ ગઈ હતી. કેવી હશે આ રંગબેરંગી દુનિયા ? બા, મમ્મી અને પપ્પા કેવા લાગતાં હશે ? હું કેવી લાગતી હોઈશ ? પરી આવા બધાં વિચારોમાં હતી ત્યાં જ નર્સ અને વોર્ડબોય રૂમમાં આવ્યાં અને પરીને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની તૈયારી કરવા લાગ્યાં.

હકીકતમાં પરી જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતી. એટલે પરી નાનપણથી જ કલ્પના અને સપનોની દુનિયામાં રાચતી

હતી અને આ રંગીન દુનિયા વિશે વિચાર્યા કરતી હતી. પરીના પપ્પાએ પરી દેખતી થાય એ માટે બહુ બધાં ડોક્ટરને મળ્યા હતાં, પણ બધાનું એક જ નિદાન હતું કે કોઈ ચક્ષુદાન કરે તો તો જ પરી આ દુનિયા જોઇ શકશે. આંખો માટે પરીના પપ્પાએ એનું નામ હોસ્પિટલમાં લખાવી દીધું હતું.

આજે, આટલાં વર્ષો પછી પરીને કોઈ ચક્ષુદાતા મળી ગયો હતો. પરીને નવી આંખો મળવાની હતી, એટલે બે દિવસથી પરી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ડોક્ટરે પણ કહી દીધું હતું કે પરી હવે જોઇ શકશે. થોડી જ વારમાં પરીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને ઓપરેશન શરૂ થઈ ગયું. ઓપરેશન થિયેટરની બહાર પરીના મમ્મી પપ્પા અને બા એમની વ્હાલી પરી ક્યારે બહાર આવે એની રાહ જોતાં જોતાં રંગીન કલ્પનામાં ખોવાઈ ગયા.


Rate this content
Log in