Trupti Patel

Others

4.5  

Trupti Patel

Others

સ્વીકાર

સ્વીકાર

3 mins
365


આજે સવારથી જ અનિકા ઘરના બધાં કામ ઝડપથી પતાવતી હતી. આજે એના દીકરા અંશનો જન્મદિવસ હતો એટલે સાંજે એક નાની એવી પાર્ટી હતી. સવારનો નાસ્તો અને ચા ડાયનિંગ ટેબલ પર મૂકીને અક્ષય, દિયા અને અંશને બૂમ પાડતાં, " ચાલો બધાં આવી જાવ, ચા નાસ્તો તૈયાર છે. "

અક્ષય શર્ટની બાંયને ફોલ્ડ કરતાં કરતાં ઝડપથી આવીને ડાયનિંગ ખુરશી પર બેસતાં જ પૂછી લીધું, " દિયા અને અંશ ક્યાં ? "

" બસ, આવતાં જ હશે. " અક્ષયના હાથમાં ચાનો કપ પકડાવતાં અનિકા બોલી.

 " લો આવી ગયા દિયા અને અંશ. " અનિકાએ બંનેનું સ્કૂલ માટેનું લંચબોક્સ તૈયાર કરતાં કરતાં કહ્યું.

અંશને જોતાં જ અક્ષયે અંશને હગ કરતાં વિશ કર્યું , "હેપ્પી બર્થડે ડિયર અંશ, "

 " થૅન્ક યુ પપ્પા " કહેતાં અંશ દિયાની બાજુમાં ગોઠવાઈ ગયો.

નાસ્તાની ડીશ અંશના હાથમાં પકડાવતાં અનિકાએ પણ વિશ કર્યું એ સાથે જ અંશ, " સવાર સવારમાં મારો મૂડ ના બગાડો, " બોલતાં નાસ્તાની ડીશ ટેબલ પર મૂકીને અચાનક ઊભો થઈ ગયો. 

અનિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. એ જોઈને અંશ કરતાં બે વર્ષ નાની દિયા, " મમ્મી રડીશ નહિ "એમ કહેતાં અનિકાને બાઝી પડી.

અક્ષય પણ લાચાર બનીને રડતી અનિકા અને ગુસ્સો કરતા અંશને જૉઈ રહ્યો. નાસ્તો કરવાનો કોઈનો મૂડ રહ્યો નહિ. અક્ષય ચા પીને ઓફિસ જવા નીકળી ગયો. દિયા પણ લંચબોક્સ સ્કૂલબેગમાં મૂકીને બહાર ઉભેલા અંશ સાથે સ્કૂલ રીક્ષાની રાહ જોવા લાગી.

અનિકા રડતાં રડતાં બાકી રહેલું કામ પુરુ કરવા રસોડામાં જતી રહી અને અંશ લંચબોક્સ લીધા વગર સ્કૂલ ગયો એની ચિંતા કરતી રહી.

અંશ ચાર વર્ષનો અને દિયા બે વર્ષની હતી ત્યારે એની મમ્મી માયા પરલોક સીધાવી ગઈ હતી. સગાવહાલાં અને મિત્રોના કહેવાથી નાની ઉમરમાં વિધવા થયેલી અનિકા સાથે સાદાઈથી લગ્ન કરી લીધાં હતાં. અનિકા બહુ સારી રીતે પત્ની અને માની ભૂમિકા નિભાવતી હતી. અનિકાએ પ્રેમ અને લાગણીભર્યા વ્યવહારથી અક્ષય અને દિયાના હૃદયમાં જગ્યા બનાવી લીધી પણ અંશનું હૃદય જીતવામાં અસફળ રહી. અનિકા ગમે એટલું કરે પણ અંશ એને મા તરીકે સ્વીકારી ના શક્યો. અક્ષયે પણ બહુ પ્રયત્ન કર્યા કે અંશ અનિકાને પ્રેમથી સ્વીકારી લે, પણ અંશમાં કોઈ બદલાવ આવ્યો નહીં.

અંશ આજે લંચબોક્સ નહોતો લાવ્યો એટલે ચૂપચાપ બેઠો હતો. ભૂખ તો બહુ લાગી હતી પણ ગુસ્સો ય હજુ એટલો જ હતો. એને થયું કે લંચબોક્સ લાવ્યો હોત તો સારુ, ભૂખે રહેવું ના પડતું ને. એ સાથે એને રડતી અનિકા યાદ આવી ગઈ. કેટલું બધું ધ્યાન રાખતી હતી બધાનું અને સૌથી વધારે તો મારું ધ્યાન રાખતી હતી. મારું જમવાનું, ભણવાનું અને મારી જરૂરી વસ્તુઓ બધું જ સમયસર હાજર કરી દેતી. કોઈ પણ કારણ વગર મારો ગુસ્સો સહન કરતી. હું બીમાર પડ્યો હોઉં તો સતત મારું ધ્યાન રાખતી. બીમાર હોઉં તો હું સૂઈ ગયો છું કે નહિ, મારું ઓઢવાનું બરાબર છે કે નહિ એ થોડી થોડી વારે ઊઠીને જોઈ લેતી. જમવામાં પણ મારી ભાવતી વસ્તુઓ વધારે બનતી. પપ્પા અને દિયા કરતાં પણ મને વધારે પ્રેમ કરતી. ખબર નહિ પણ આજે આ બધી વાતો કેમ આજે યાદ આવી ગઈ. આજે કેટલા પ્રેમથી મને બર્થડે વિશ કરી અને મેં એને રડાવી દીધી.

આજે અંશને એની મમ્મી અનિકાની લાગણી અને મહત્વ સમજાઈ ગયું હતું. સ્કૂલથી ઘરે આવ્યો ત્યારે અનિકા રોજની જેમ એની અને દિયાની સ્કૂલબેગ લેવા માટે દરવાજામાં ઊભી હતી. રોજ હસતી અનિકા આજે થોડી ઉદાસ લાગી. અંશની બર્થડે પાર્ટી હતી એટલે અક્ષય પણ ઘરે આવી ગયો હતો. અનિકાના હાથમાં સ્કૂલબેગ આપીને અંશ અનિકાને પગે લાગ્યો અને " સવારના મારા વર્તન માટે સોરી મમ્મી " આટલું સાંભળતાં જ અનિકાના આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યાં. અક્ષય અને દિયાની આંખોં પણ આંસુથી ભીંજાઈ ગઈ. ચારે જણ એકબીજાને પ્રેમથી ભેટી પડ્યાં.

આખરે, લગ્નના દસ વર્ષ પછી અનિકાને માના રૂપમાં સ્વીકૃતિ મળી ગઈ.


Rate this content
Log in