અનામિકા -4
અનામિકા -4
હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં બેઠેલી અનામિકાને એકદમ જ યાદ આવ્યું કે અયાનને ફોન કરીને સઘળા બનાવની જાણ કરે પરંતુ હોસ્પિટલમાં આવેલો પબ્લિક ફોન સંપૂર્ણ વ્યસ્ત હતો. એ વખતે. . લેન્ડ લાઈનની બોલબાલા હતી અને મોબાઈલ ફોન માર્કેટમાં નવો આવ્યો હોવાથી બધાને તે પોસાય તેમ નહોતો.
ઘણી વાર રાહ જોયા પછી અનામિકાનો વારો આવી જ ગયો અને એને સીધો અયાનના ઘરે ફોન લગાવ્યો. એમનો એકબીજાને મળવાનો સમય વીતી ગયો હતો છતાં પણ હજુ આશા હતી કે કદાચ અયાન ઘરે જ મળશે. . અનેક અરમાનો સાથે એણે નંબર ડાયલ કર્યો.
ચાલ કરું છું આજ હિંમત તને કંઈક કહેવાની,
શરૂ કરી છે આજે રીત તું જ સંગ વહેવાની.
સામે છેડેથી ફોન રિસીવ થયો. . . અને અયાન માટે પૂછ્યું..કે અયાન ઘરે છે કે નહીં ..ઘરે કામ કરતાં બહેને કહ્યું કે ભાઈ તો ઘરે નથી. એ તો ક્યારના ય ક્યાંક બહાર ગયાં છે. આ સાંભળતા જ એકદમ નિરાશ થઈને પોતાનું નામ જણાવ્યા વગર જ અનુએ ઉતાવળમાં ફોન મૂકી દીધો.
મનમાં હજાર સવાલ ઊઠતાં હતા. . . કે હવે અયાન મળશે કે નહીં..અયાન રાહ જોતો હશે ? અયાનનું રિએકશન કેવું હશે ?..એક બાજુ અયાન. . બીજી બાજુ પપ્પા. ..બંને જીવ કરતાં ય વધારે વહાલા..બંને ના વિચાર કરતાં કરતાં સામે પડેલી ખુરશીમાં મમ્મીની બાજુમાં આંખો બંધ કરીને બેસી પડી. . . . બંધ આંખોમાં આંસુ ઉભરાવા લાગ્યા..હૃદયની લાગણીઓ આંસુ બનીને વહેવા લાગી..અને અયાનનો હસતો ચહેરો દેખાવા લાગ્યો..બીજી બાજુ પપ્પાનો વેદનાભર્યો ચહેરો..જાણે બધું જ હારી ગઈ હોય એવુ લાગ્યું.
આ તરફ અયાન. . .
અયાન આજે એક અલગ દુનિયામાં પહોંચી ગયો હતો. જ્યાં જવાનું હર કોઈને પસંદ હોય છે..રાતદિવસ સપના જોતા હોય છે..હા. . પ્રેમની દુનિયા..એ એક અલગ જ અહેસાસ હોય છે, જ્યાં મનપસંદ વ્યક્તિ સાથે સમય પસાર કરવાનું ગમતું હોય છે. . . એની વાતો સાંભળવી, એની પસંદ નાપસંદ, એની નાની નાની વાતમાં પણ સાથ આપવો..એની કાળજી લેવી. . . . એની અર્થ વગરની વાતો પણ જીવ કરતાં ય વધારે વ્હાલી લાગતી હોય છે. અયાન આ બધું વિચારતાં વિચારતાં તૈયાર થઈને અનુને મળવા નીકળી ગયો. એની તો બસ એક જ લાગણી હતી કે હવે, "અનુ સાથેની એક ક્ષણ પણ નહીં ગુમાવું. આજે તો અનુ સમક્ષ મારા પ્રેમનો એકરાર કરી જ લઈશ."
બસ હવે, બહુ થઈ ગઈ મન સાથે તકરાર,
બસ હવે, કરી લઈશ મારા પ્રેમનો એકરાર.
ખુશખુશાલ અયાન મળવાનું નક્કી કરેલી જગ્યાએ, સમય કરતાં પણ વહેલો આવીને અનુની રાહ જોતો હતો. એની નજર વારંવાર ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ તરફ જતી હતી..આજે એક એક સેકન્ડ એક સદી જેટલી લાગતી હતી. . . જાણે સમય રોકાઈ ગયો હોય એવુ લાગતું હતું. બસ, ક્યારે અનુ આવે અને મારી એના પ્રત્યેની લાગણી વ્યક્ત કરી લઉં..અને અનુની પણ લાગણીને ઝીલી લઉં..અને અત્યાર સુધી અનુ અને એના માટે જોયેલા સપનાંને હકીકતમાં સાકાર કરી દઉં. એણે તો મનોમન વિચારી જ લીધું હતું કે અનુને પણ મારા માટે એવી જ અને એટલી જ લાગણી છે, જેવી મને છે અનુ માટે છે.
પણ, અનુના આવવાનો કોઈ અણસારો દૂર દૂર સુધી દેખાતો નહોતો. . નક્કી કરેલા સમય કરતાં પણ વધારે સમય પસાર થઈ ગયો હતો, પણ અનુ આવી જ નહીં. . હવે અયાનને ચિંતા થવા લાગી કે કેમ આવી નહીં અનુ ? કઈ થયું હશે ? કે બીજી કોઈ મુશ્કેલી આવી પડી હશે ? કે પછી મારા માટે કોઈ લાગણી નહીં હોય. . ..અહીં આવતી વખતે જેટલો ખુશ હતો અયાન, એનાથી પણ વધારે નિરાશ અને ઉદાસ થઈ ગયો. . . બધો જ ઉત્સાહ ઓસરી ગયો..અનુ માટે લાવેલું એનું મનપસંદ ગુલાબ પણ મુરજાઈ ગયું. અનુ મને પસંદ નહીં જ કરતી હોય એટલે જ ના આવી, એવું મનોમન વિચારતાં વિચારતાં નિરાશ વદને ઘરે જવા નીકળી ગયો.
ક્રમશ:

