અનિરૂધસિંહજી ઝાલા

Drama Romance

3  

અનિરૂધસિંહજી ઝાલા

Drama Romance

અમર શૌર્યસભર પ્રેમગાથા

અમર શૌર્યસભર પ્રેમગાથા

3 mins
138


સ્નેહ છલકતાં નેણલે દિલ્હીપતિ ભારતનો આખરી બાહુબલી રાજા પૃથ્વીરાજ ચૌહાણ સંયુક્તાના વખાણ સાંભળી તેનાં તરફ ખૂબજ આકર્ષાયો હતો પણ પોતાનાં ધૈર્યનાં કારણે ચૂપ બેઠો હતો અને બીજી તરફ સંયુક્તાના મનમાં પણ રાય પિથોરા પ્રત્યે અદભુત પ્રેમની ચુંબકીય અસર થવાં લાગી હતી. હૃદય મન પ્રિયતમ પૃથ્વીરાજને સમર્પણ કરેલ સંયુક્તાના પિતાજીએ તેનું સગપણ બીજે નકકી કરતાં સંયુક્તાએ નછૂટકે પોતાના મનનાં માણીગર પિથોરાને કહેણ મોકલ્યું કે,

"વિપત વેળાએ પધારજો તમ પ્રિયા કરે પ્રેમનો પોકાર 

મર્દ પર અંતરનો વિશ્વાસ, કરવું મારે તમ હૃદયે રાજ."

દિલ્હીનાં દરબારમાં વટથી શોભતો પૃથ્વીરાજ સંયુક્તાનું આ કહેણ સાંભળી હજીય વિચાર કરે છે કે, ભાઈઓના સ્વયંવરમાંથી અપહરણ કરતાં રાજપૂતોમાં વિખવાદ થઈ શકે જે ભારતભૂમિ માટે ખતરાની ઘંટી બની શકે. રાજાનાં મિત્ર ચંડ, ચામુંડ અને ચંદ બરદાઈ રાજાનાં મનનાં ભાવ સમજી મૌન રહે છે. પણ ગુપ્તચર સમાચાર આપે છે કે,.., 

"જયચંદે કનોજમાં યોજેલ સંયુક્તાના સ્વયંવરમાં રાય પિથોરાની હાંસી ઉડાડવા પૃથ્વીરાજનું પૂતળું સેવક તરીકે બનાવીને રાખ્યું છે."

રાજદરબારમાં રાજાનાં ત્રણેય મિત્રોની તલવાર ખેંચાય છે અને વીર ધીર રાજા ભ્રુકુટી ખેંચી મિત્રોના દરબારીઓના પ્રતિભાવની રાહ જુએ છે. આંખોથી મંત્રણા બાદ ત્રણેય મિત્રો વતી બારોટ ચંદ બરદાઈ ગર્જના કરે છે....,

"હે મિત્ર મહારાજ..! વાત ફક્ત તમારાં પ્રેમની હતી ત્યાં સુધી અમે મૌન સેવ્યું. હવૅ વાત તમારા વટની આવી છે, એટલે અમારાથી મૌન રહેવાતું નથી," હાથ ઉંચો કરી ચંદ બરદાઈ સભા ગજવે છે,..

"વટ વચનને વેર ખાતર જીવે રાજપૂત જાત, 

પ્રેમને વટ જાળવજે, પિથોરા કમર કસીને હવૅ આજ "

જેનાં ઘટમાં ઘોડા થનગને અને યૌવન વીંઝે પાંખ, એવો બાહુબલી વીર ઊભો થઈને ગર્જના કરે છે,

 "મોકલો સમાચાર કે પૃથ્વીરાજ સંયુક્તાનાં વચનોનું સન્માન જાળવી તેને લેવા આવે છે."

શમશેરો ખેંચાય છે મિત્ર ચામુંડ કહે છે,

"મિત્ર ચંડ ચામુંડની હયાતીમાં પૃથ્વીરાજે બહુ મહેનત કરવાની ન હોય. તમામ ગુપ્ત યોજના ઘડાઈ ગઈ છે. આપ પધારો કનોજમાં ડંકો વગાડવાં."

રાજા તો મૂછમાં મલકાય છે, મનમાં વિચારે છે....,

"અદભુત ચુંબકીય આકર્ષણ ભીતરમાં સંયુક્તા પ્રત્યે હતું પણ દેશનાં હિત માટે પ્રેમને દબાવી મનને સમજાવતો હતો, પણ આજે જયચંદે જાણે અજાણે મારી મજાક ઉડાવી મારા શૌર્યને નિમંત્રણ આપ્યું છે, અને સંયુક્તાએ મારા પ્રેમને નિમંત્રણ આપ્યું છે."

 હથિયાર સજીને યોજના મુજબ દિલ્હીપતિ કનોજનાં રાજ દરબારમાં આયોજિત સ્વયંવરમાં જઈને પોતાનાં જ પૂતળા પાછળ ઊભો રહે છે. પિથોરાને પોતાની જાત પ્રત્યે ગર્વ થાય છે, જયારે સ્વયંવરમાં આવતાં રાજાઓ પોતાનાં પૂતળાંને પણ સન્માન આપે છે.

આ તરફ શણગાર સજીને સંયુકતા પોતાનાં હૃદયે બિરાજતાં હૃદયેશ્વર રાય પિથોરાને મનમાં કહે છે....,

 " મધદરિયે હિલોળાં ખાય નાવડી મુજ જીવનની 

મળે ભવોભવ તું જ, એક જ આશ મુજ જીવનની."

સંયુક્તાને ભારોભાર ભરોસો પોતાનાં પ્રેમ ઉપર હતો અને તેથીય વઘુ શૂરવીર પૃથ્વીરાજ પર. રુમઝુમ પગલે સ્વયંવરમાં પધારીને સંયુકતા નીચું મોઢું રાખીને હાથમાં ફૂલોનાં હાર સાથે લોહચુંબકની જેમ કોઈ પણ રાજાની સામું જોયાં વગર તેનાં હૃદયેશ્વર રાય પિથોરાના પૂતળા તરફ ખેંચાતી જાય છે અને પ્રિતમનાં પૂતળાની સામે તે નજર ઊંચી કરીને મનભરીને નીરખતી રહે છે અને છુપાયેલ પિથોરાના હૃદયના ધબકારાં મહેસૂસ કરતાં ધીમેથી બોલે છે...,

" હૈયું રહે ન હવે હાથ, હૃદય અનુભવે પિયુ આસપાસ,

સ્વીકારો સદા માની પોતાની, કરજો પુરી મારી આશ."

 "હે પ્રાણપ્રિય બાહુબલી પિથોરા આપ મારી આસપાસ છો, એવું મારુ હૃદય મહેસૂસ કરે છે."

પૂતળા પાછળ પૃથ્વીરાજ સંયુક્તાનો પ્રેમભાવ જોઈ ધન્યતા અનુભવે છે.

"જોઈ લો ! સહુ, એ દિલ્હીમાં બેઠેલાં પૃથ્વીરાજનું પૂતળુ આપ સહુની સેવા માટે ઊભું છે." કહીને જયચંદ ખડખડાટ હસે છે. પણ ઘણાં રાજાઓને આ વાત કઠે છે અને તેમાંય સહુથી વઘુ ગુસ્સો સંયુક્તાને પોતાનાં હૃદયેશ્વરની મજાક ઉડાવતાં પિતા ઉપર ચડે છે. 

જયચંદની મજાકનો મૌન ધરીને જડબેસલાક જવાબ આપતી હોય તેમ સંયુકતા પૃથ્વીરાજનાં પૂતળાને હાર પહેરાવીને મનથી પોતાનાં પતિ પરમેશ્વર તરીકે પસંદ કરે છે. સંયુક્તાની પ્રેમની અસર પૃથ્વીરાજના હૃદયમાં વર્તાય છે, તે પૂતળામાંથી બહાર પ્રગટ થાય છે અને ગળામાં તેનાં હાર લટકતો જોઈને સંયુક્તાનું હૃદય, મન પ્રસન્નતા અનુભવે છે. ઘણા શૂરવીર રાજવીઓ પણ મનોમન ખુશી અનુભવે છે. 

 જયચંદ અને બીજા રાજવીઓની તલવારો ખેંચાય છે. પણ ત્યાં જ આંધીની જેમ પવનવેગે ઘોડો અંદર પ્રવેશ કરે છે અને જેવો ઉત્તમ ઘોડો તેવો જ ઉત્તમ અસવાર રાય પિથોરા સંયુક્તાને ભરદરબારમાં સહુની નજર સામે ઉંચકીને ઘોડા પર બેસાડી પળમાં જ સૈનિકો સાથે ભાલા વડે ઝઝૂમતો લાશોનાં ખડકલા કરતો રાજમહેલની બહાર નીકળીને દિલ્હીની વાટ પકડે છે. દિલ્હીનાં દરબારમાં ભવ્ય સ્વાગત અને વિજયોત્સવ ઉજવાય છે. અને આજ ઇતિહાસમાં આ બંને પ્રેમીઓનો ચુંબકીય પ્રેમ અમર બની ગયો છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama