અમદાવાદની મીઠી યાદ
અમદાવાદની મીઠી યાદ
અમદાવાદનાં જન્મદિવસે અઢળક મીઠી વહાલભરી શુભેચ્છાઓ.
ભલે રહું હું બિલીમોરા પરંતુ અમદાવાદ મારું માનીતું. ૧૯૭૨/૭૩ માં હું અમદાવાદ હતી,મામાનાં ઘરે. મામાનું ઘર એટલે માનીતું જ હોય ને !
રિલીફ રોડ, રિલીફ ટોકીઝની બાજુમાં સસ્તું કિતાબ ઘર, જેમાં મેં પહેલવહેલી નોકરી કરી. વાંચન મારો શોખ, મને મજા આવતી.
અમદાવાદ જવાનું ધ્યેય હતું, કોમ્પ્યુટર શીખવાનું. પ્રવેશ ના મળ્યો. પ્રવેશ મળે ત્યાં સુધી બેસી રહેવા કરતાં કંઈક કરવું, ને નોકરી મળી ગઈ. સાથે પ્રોડક્ટીવિટી કાઉન્સિલ તરફથી ચાલતા અભ્યાસક્રમમાં ઓફિસ મેનેજમેન્ટમાં પ્રવેશ લીધો.
સવારે ૬ વાગ્યે નીકળી સાંજે ૬ વાગ્યે પરત પછી ટાઈપ ક્લાસમાં. મારી પાસે સાઈકલ હતી એટલે આ બધું શક્ય બન્યું.
અમદાવાદમાં ત્યારે જાણીતાં ચાર જ પૂલ. એ બધાં જ પૂલ, લાલદરવાજા, કેમ્પનાં હનુમાન, ઝૂલતાં મિનારા, કાંકરિયા, જેવાં તમામ જોવાલાયક સ્થળો મેં જોયાં છે. ગુજરાત યુનિવર્સીટી, અટીરા. તો વળી માત્ર પાંચ જ રૂપિયામાં તે જમાનાની જાણીતી હોટલ પૂરોહિતનાં ભોજનનો સ્વાદ પણ માણ્યો છે. કંઈ કેટલી સ્મૃતિ તાજી થઈ ગઈ. તો વળી સાયકલ પર કેલિકો મિલની મુલાકાત પણ લીધેલી. મારા મામા ત્યાં નોકરી કરતાં.
અત્યારે લખતી વખતે નજર સમક્ષ જાણે હું ૨૧ વર્ષની નવયૌવના બનીને સાયકલ પર ઘૂમી રહી હોઉં એવો અહેસાસ થાય છે.
અમદાવાદનાં લોકો જરા પણ કંજૂસ નહીં પણ માયાળું, પ્રેમાળ લાગ્યાં. અમદાવાદનાં લોકો અને અમદાવાદ હ્દયમાં અકબંધ છે.
તો હવે ન્યૂઝ ઓફ ગાંધીનગરનાં સંચાલક શ્રી પ્રદીપભાઈ રાવલે એમનાં વર્તમાનપત્રમાં સાહિત્ય વિભાગ ફાળવી અમારી કૃતિ ફોટા સાથે રજૂ કરવાની ઉમદા તક આપી. અમે તો એમનાં લાડકવાયાં સંતાન હોય એમ આમને સર્જકોને ચમકવતો વીડિયો યુટ્યુબ પર રજૂ થાય છે. શ્રી પ્રદીપભાઈનાં જીવનસાથી મિનાક્ષીબેનની મહેનતથી.
અમદાવાદ ક્યારેય ન ભૂલાય. સલામ અમદાવાદ આવે અમદાવાદીઓને.
