Ishita Raithatha

Romance Inspirational

4.7  

Ishita Raithatha

Romance Inspirational

અક્ષરાગ

અક્ષરાગ

11 mins
1.1K


આપણાં દેશમાં ઘણા તહેવાર ઉજવાય છે, પણ દિવાળી એક એવો તહેવાર છે કે જેમાં આખા દેશના લોકો પોતાના ઘરને નવી વહુની જેમ સજાવે છે, એકબીજાના ઘરે બેસવા જાય છે, લક્ષ્મીજીની પૂજા કરે છે, ઘરેઘરે રંગોળી હોય છે. કોઈના ઘરે એ સમયે દીકરાના લગ્ન થયા હોય અને એની પત્નીની પહેલી દિવાળી હોય ત્યારે એ ઘરે ખુશી બમણી થઈ જાય છે.

આપણે અહીં વાર્તામાં એક નવી પરણેલી વહુની સાસરે પહેલી દિવાળીની વાત અને પતિ પત્ની વચ્ચે પ્રેમ અને એકબીજાને સમજીને હંમેશા એકબીજાની ખુશીનું ધ્યાન રાખવાની વાત કરવાના છીએ.

અક્ષતા ખુબજ સુંદર અને શાંત છોકરી હતી. તે હંમેશા પોતાની ખુશીની પહેલા પોતાના ઘરના બધા લોકોની ખુશી વિશે વિચારતી હતી. તે હંમેશા બધાનું ધ્યાન રાખતી હતી, ઘરમાં પણ બધાની લાડલી હતી, આજે એ લાડલી દીકરીના લગ્ન છે, આજે અગિયારશ છે. આજથી પાંચમા દિવસે દિવાળી છે. આમતો લગ્નનું મુહૂર્ત દેવદિવાળી પછીનું હતું પણ અક્ષતાના દાદાની તબિયત સારી ના હોવાથી એ લોકોએ લગ્ન વહેલા કરવાનું નક્કી કર્યું. 

અક્ષતાના લગ્ન એના પિતાના મિત્ર, સચિનભાઈના દીકરા સાથે થવાના હતા, અક્ષતા જ્યારે નાની હતી ત્યારે તે લોકો બાજુમાં રહેતા, પણ થોડો વખત સાથે રહ્યા પછી અક્ષતાના પપ્પાના મિત્ર સચિનભાઈ તેના કુટુંબ સાથે બરોડા રહેવા જતા રહ્યા. ત્યાં તે લોકોને ટાઇલ્સનો શોરૂમ હતો. આમતો એ લોકોને ક્યારે મળવાનું ના થતું, પણ દિવાળી પર દર વર્ષે એ લોકો અક્ષતાના ઘરે ફોન કરતા અને બધા વાતો કરતા, ત્યારે અક્ષતાને સચિનભાઈના દીકરા ચીકુ સાથે વાત થતી.

દિવાળીના દિવસે કામ વધારે હોવાથી અને ઘરે ચોપડાપૂજન હોવાથી ચીકુ અને અક્ષતાને વધારે વાત નહોતી થતી. આમ બને મિત્ર હતા પણ નાનપણમાં એકબીજાને મળેલા હતા, પછી ક્યારેય પણ મળ્યા નહોતા, આજે બનેના લગ્ન છે.

અક્ષતા પોતાના રૂમમાં બેઠી હતી અને રૂમના ઝરૂખામાંથી બહાર જોતી હોય છે, અક્ષતા ને તે જરૂખા પાસે બેસવું ખૂબ ગમતું, તે વિચારતી હતી કે હું ઘરના લોકોને તો યાદ કરીશ પરંતુ આ મારો જરૂખો બહુ યાદ આવશે, ત્યારે ત્યાં તેનો ભાઈ આવે છે અને કહે છે કે, આ તારું પાનેતર છે, જાન હમણાં આવી જશે તું તૈયાર થઈ જજે, અક્ષતાએ કંઈ જવાબ ના આપ્યો, એ કંઈ વિચારમાં મગ્ન હતી. તેનો ભાઈ તેના માથે હાથ રાખીને કહે છે કે બહેન મને ચીકુ પર વિશ્વાસ છે કે એ તારા સપના પુરા કરવામાં તારી મદદ કરશે, દાદાજીની તબિયતના કારણે અમે લાચાર છીએ અને તારી મદદ નથી કરી શકતા.

અક્ષતા કહે છે, ભાઈ તને ખબર છે, હું અત્યારે શું વિચારું છું ? હા બહેન મને ખબર છે કે તું તારા ચિરાગસર વિશે વિચારે છે. તું એકવાર હજી એમને ફોન કરને, કદાચ એમની સાથે વાત થઈ જાય. મે કર્યો હતો, પણ તેના ઘરે કોઈ કામવાળા એ ફોન ઉપાડ્યો અને કહ્યું કે સર ઘરે નથી.

તને ખબર છે ભાઈ, ક્રિકેટ મારી જિંદગી છે. મારે ઇન્ડિયા ગર્લ્સ ક્રિકેટ ટીમમાં સામેલ થવું છે, એ મારું સપનું છે, પણ ત્યાં કેવી રીતે પહોંચવું, કેટલી મહેનત કરવી, સાચો રસ્તો, બધું મને ચિરાગસર પાસેથી શીખવા મળ્યું. એક વર્ષ પહેલાં જ્યારે હું અહીં રાજકોટ ક્રિકેટ ટીમમાં સામેલ થઈ ત્યારે ચિરાગસર ત્યાં અમારી ટીમના કોચ હતા. મે જ્યારે અમને પહેલીવાર જોયા ત્યારથી એ મને બહુ ગમતા, સરએ હંમેશા મને સાચો રસ્તો દેખાડ્યો છે, અને હું જ્યારે આ જરૂખામાંથી બહાર જોતી હોઉં ત્યારે મને લાગે કે કાશ આકાશમાં ઊડતા પંખી છે તેની જેમ હું પણ ઊડી જાવ અને સર પાસે પહોંચી જાવ.

સપનું મારું હતું પણ સાચો રસ્તો હંમેશા ચિરાગસર એ જ દેખાડ્યો છે, ક્યારે કેટલી મહેનત કરવી, ક્યારે શાંતિથી કામ કરવું, સામેના ખેલાડીના મનમાં શું ચાલે છે, આપડી ટીમને કેવી રીતે જીતાડવી, વગેરે ઘણું બધું મેં ચિરાગસર પાસેથી જ સિખ્યું છે. આજે હું સારી બોલર છું તો એ પણ ચિરાગસરની મદદથી જ છું. મારી સારી વાત, ખરાબ વાત, મારી તાકાત, મારી નબળાઈ, બધું ચિરાગસરને ખબર હતી, આજે હું આટલી સારી બોલર છું તો એ પણ ચિરાગસરના લીધે જ છું.

 અમે ખૂબ સારા મિત્ર પણ હતા, આવતા અઠવાડિયે ઇન્ડિયન ગર્લ્સ ક્રિકેટ ટીમનું સિલેકશન છે, એના માટે મે અને સર અમે બંને એ ઘણી મહેનત કરી હતી. પરંતુ અચાનક દાદાજીની તબિયત બગડવાથી મારે ઘરે આવવું પડ્યું, અને મને સર સાથે આ બાબત વિષે વાત કરવાનો ટાઇમ પણ ના મળ્યો. અને ઘરે આવી તો અહીં તો મારા લગ્નની તૈયારીઓ ચાલે છે, હું શું કરું ભાઈ મને કંઈ નથી સમજાતું.

જો બહેન તારા માટે તારા સપના મહત્વના છે કે દાદાજીની અને કુટુંબની ખુશી. તું વિચારી લેજે. ના ભાઈ હું તૈયાર છું, દાદાજી માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. બને વાતો કરતા હોઇ છે ત્યાં ઢોલનો અવાજ આવે છે. એ અવાજથી બંને ભાઈબહેન એકબીજાનો હાથ પકડીને રડે છે, અક્ષતા પૂછે છે, ભાઈ શું ચીકુ પણ ચિરાગસરની જેમ મારું ધ્યાન રાખશે ? મારા સપનાં પૂરા કરવામાં મારો સાથ આપશે ? શું અમે બને એકબીજાને સમજી શકીશું ?

બંને વાતો કરતા હોય છે ત્યાં તે રૂમમાં દાદાજી પણ આવે છે અને બંનેની માથે હાથ રાખીને કહે છે કે, તમારી ખુશીથી વધારે મારા માટે કંઈ નથી, મેં તમને મોટા કર્યા છે, તમારી ખુશીની ખબર તમારાથી વધારે મને ખબર હોય છે. બને સમજતા નથી, દાદાજી બંનેનો હાથ પકડીને બંનેને રૂમની બારી પાસે લઈ જાય છે, કહે છે કે બેટા તારો નાનપણનો મિત્ર જે તારો જીવનસાથી બનવાનો છે એને એકવાર જોઈ તો લે, જો તારી હા હોય તો જ આપણે તારા લગ્ન કરીશું.

અક્ષતા ખૂબ રડતી હોય છે, તે જરૂખામાંથી બહાર જોવાની ના પાડે છે. ત્યાં અચાનક ઢોલ વાગવાનો અવાજ બંધ થઈ જાય છે ને શાંત વાતાવરણ થઈ જાય છે, ત્યાં એક સિટી વાગે છે, એ સિટીના અવાજથી અક્ષતાની આંખમાં આંસુના બદલે એક અલગ ચમક દેખાઈ છે ને તે તરત બોલે છે કે આ તો ચિરાગસરની સિટીની અવાજ છે. તે જરૂખાની બહાર જોવે છે તો ત્યાં નીચે ઘોડા પર ખુબજ સુંદર શેરવાની પહેરીને ચિરાગસર જ બેઠા હોય છે.

  દાદાજી અક્ષતાના માથે હાથ રાખે છેને કહે છે કે ખુશ છે ને બેટા ? ત્યાં પાછી સિટી વાગે છે ને અક્ષતા નીચે જોવે છે તો ચિરાગસર ઘોડા પરથી નીચે ઉતરીને અક્ષતાને પૂછે છે કે વિલ યુ મેરી મી ? આ સાંભળતાની સાથે જ અક્ષતાની ખુશીનો પર નથી રહેતો અને તે ખૂબ શરમાઈ જાય છે. દાદાજી કહે છે કે બેટા, આ ચીકુ જ ચિરાગસર છે. મને ખબર હતી કે મારી દીકરીને શું ગમે છે. માટે હું ચિરાગના માતાપિતાને મળવા ગયો તો ખબર પડી કે આતો સચિનભાઈનો દીકરો ચીકુ છે. મે એ લોકો આગળ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો તો એ લોકો પણ ખુશ થઈ ગયા, અને અમે લગ્ન નક્કી કરી લીધા. અને હા હવે તું જલ્દીથી તૈયાર થઈ જા, હું નીચે જાવ છું જાનનું સ્વાગત કરવા.

બધા જાન નું સ્વાગત કરે છે, ચિરાગ પણ ક્રીમ અને મરૂન કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગે છે, ચિરાગની પર્સનાલિટી જોઈને ત્યાં આવેલા બધા મહેમાન પણ વાતો કરવા લાગે છે કે, અક્ષતા અને ચિરાગની જોડી ખૂબ સરસ છે, ત્યાં થોડીવારમાં લગ્નની વિધિ શરૂ થઈ જાય છે, અને થોડીવારમાં ગોરબાપા કહે છે કે,કન્યા પધરાવો સાવધાન......

અક્ષતા એના ભાઈ સાથે આવે છે, એને આવતી જોઈને ચિરાગની સાથેસાથે બધા તેને એક નજરે જોયાજ કરે છે, નીચી નજરે ધીમાધીમા ડગલા ભરતી, ખુબજ સોહામણી હાલ સાથે આગળ વધતી અક્ષતા જાણે કોઈ પરી હોય એટલી સુંદર લાગતી હતી, ક્રીમ પાનેતર અને તેની ઉપર મરૂન ચૂંદડી પહેરીને ચિરાગ માટે સાજશણગાર કરીને આવી હતી, હાથમાં વરમાળા લઈને તે ચિરાગ સુધી પહોંચે છે ને આંખોમાં નજાકત અને શરમ સાથે આંખોની પાંપણ ને ધીરેથી ઊંચી કરીને તે ચિરાગ સામે જોવે છે, ત્યારે બને એકબીજાને ખુબજ પ્રેમભરી નજરે જોયા રાખે છે.

એક ક્ષણ માટે સમય પણ જાણે રોકાય ગયો હોય એવું લાગ્યું. બંને એકબીજાને જોતા હોય છે ત્યાં બધા તેના પર ફૂલો વરસાવે છે. બને ખૂબ ખુશ હોય છે. લગ્નની વિધિ શરૂ થઈ જાય છે, હસ્તમેળાપ, કન્યાદાન, પછી ભોજન સમારંભ અને અંતે વિદાય.

વિદાયના સમયે અક્ષતા, તેના દાદા, માતાપિતા, ભાઈ બધા ખૂબ રડતા હતા ત્યારે ચિરાગ અને તેના માતાપિતા એ લોકોને કહે છે કે આજથી અક્ષતાના બધા સપના પૂરા કરવાની જવાબદારી અમારી, અમે ક્યારેય પણ એની આંખોમાં આંસુ નહીં આવવા દઈએ. તમે લોકો ચિંતાના કરતા. આટલું કહીને એ લોકો વિદાય લે છે.

અક્ષતાનું સાસરીમાં ભવ્ય રીતે સ્વાગત થાય છે. અક્ષતાને ચિરાગ સાથે ઘણી વાતો કરવી હતી, પરંતુ ઘરે ઘણા મહેમાન હતા અને વડીલો પણ હતા, તે વિચારતી હતી કે કેવીરીતે વાત કરું ? ચિરાગ અક્ષતાને ખૂબ સારી રીતે સમજતો હતો, માટે તે સમજી ગયો કે અક્ષતા તેની સાથે વાતો કરવા ઇચ્છે છે. માટે તે એ જ ક્ષણે ત્યાં ગયો અને અક્ષતાનો હાથ પકડીને તેને કહે છે કે તું થાકી ગઈ હોઈશ, માટે રૂમમાં જયને આરામ કર, હું હમણાં થોડીવારમાં આવું છું.

અક્ષતા એ ફક્ત એની નજર નીચી કરીને એની વાત માનીને રૂમમાં જતી રહી. થોડીવાર પછી ચિરાગ પણ રૂમમાં આવે છે, અને જુએ છે તો અક્ષતા રૂમના જરૂખામાંથી બહાર જોતીજોતી શાંતિથી કંઇક વિચારતી હતી. ચિરાગ તેની પાસે આવીને બેસે છે અને કહે છે કે શું વિચારે છે ? એનો અવાજ સાંભળીને અક્ષતાનું ધ્યાન ભંગ થાય છે ને તે કહે છે કે કંઈ નહીં, હું તો એમજ વિચારતી હતી, કંઈ ખાસ નહીં.

  ચિરાગ તેને એક ફાઈલ આપે છે, અને તે વાંચીને તેમાં સહી કરવા કહે છે, અક્ષતા ફાઈલમાં સહી તો કરે છે પણ વાંચતી નથી, ચિરાગ ફરી તેને વાંચવા કહે છે પણ તે કહે છે કે મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. આટલું કહીને તરત સહી કરીને ફાઇલ આપી દે છે. અને બને એકબીજાના પ્રેમમાં ડૂબી જાય છે.

સવાર પડતાંની સાથે બને જણા ખૂબ સુંદર તૈયાર થઈને બધા વડીલોને પગે લાગે છે. દિવાળીનો તહેવાર હતો માટે ઘરમાં પણ ઘણું કામ હતું માટે અક્ષતા તે કામમાં વ્યસ્ત રહેવા લાગી, પરંતુ ચિરાગ તો કંઈનેકંઈ કામથી તેની પાસે આવીને બેસી જતો, અને બને ફરીથી એકબીજાને પ્રેમભરી નજરોથી જોયા કરતા હતા.

 બધા ખૂબ સુંદર તૈયાર થયાં હતાં, અક્ષતા એ ઘરને ખુબજ સુંદર સજાવ્યું હતું અને રંગોળી કરતી હતી, એટલામાં ત્યાં ચિરાગ આવે છેને તેને પાછળથી પકડીને મસ્તી કરવા લાગે છે, અક્ષતા ખૂબ શરમાતા શરમાતા કહે છે કે કોઈ આવી જાસે, રહેવા દોને.

એટલામાં સાચે ત્યાં સચિનભાઈ આવીને કહે છે કે, તમે લોકો તૈયારી કરવા લાગો, કાલ વહેલી સવારની તમારી ટિકિટ આવી ગઈ છે. આટલું સાંભળતાની સાથેજ અક્ષતાથી બોલાય જાય છે કે, કાલે તો બેસતું વર્ષ છે, મારી પહેલી દિવાળી છે અમે કેવીરીતે બાર જશું ?

સચિનભાઈ કહે છે કે કંઈ વાંધો નહીં, સવારે બધાના આશીર્વાદ લઈને તમે નીકળી જજો, અમે હંમેશા તમારી સાથે જ છીએ. આટલું કહીને તે ત્યાંથી જતા રહ્યા. અક્ષતાને કંઈ સમજ ના આવ્યું, માટે સવાલોથી ભરેલી નજરે તેને ચિરાગ સામે જોયું. તો ચિરાગે કહ્યું કે પપ્પા એ કીધું એ ફાઇનલ, હું તો જાવ છું મારું પેકિંગ કરવા, તું પણ જલ્દી આવી જજે.

 અક્ષતા થોડીવાર વિચાર કરે છે પણ પછી રૂમમાં જાય છે ને ચિરાગ સાથે પેકિંગ કરવા લાગે છે, અને અહીં બહાર બધા મહેમાન ઘરે આવવા લાગે છે, ચોપડા પૂજન હોય છે. બધા મહેમાનો પૂછે છે કે તમારી વહુની પહેલી દિવાળી છે, પણ વહુ ક્યાં છે ? ત્યારે સચિનભાઈ અને તેમના પત્ની કહે છે કે, એ તૈયાર થાય છે, હમણાં આવે છે.

 ચોપડા પૂજનનો સમય થાય છે પણ હજુ સુધી ચિરાગ અને અક્ષતા આવ્યા ના હોઈ જેથી બધા અંદરોઅંદર વાતો કરે છે કે, વહુની પહેલી દિવાળી છે પણ હજુ નથી આવી, પહેલી દિવાળી છે, પણ વહુ ક્યાં છે ? બધાની ધીરજ ખૂટી ગઈ હતી, એ લોકો કંઈ બોલે કે પૂછે ત્યાં તો ચિરાગ અને અક્ષતા ત્યાં પહોંચી જાય છે, બંને એકબીજાનો હાથ પકડીને આવતા હતા, એ લોકોને જોઈને બધાનું બોલવાનું બંધ થઈ ગયું અને બધા એ બંનેને જ જોવા લાગ્યા, બને ખૂબ સુંદર લાગતા હતા અને ખૂબ ખુશ પણ હતા.

 ચિરાગ અને અક્ષતા આવીને બધા વડીલોને પગે લાગે છે અને પછી ચોપડા પૂજન શરૂ કરે છે, બધા સાથે મળીને દિવાળી ખૂબ સરસ રીતે ઉજવે છે. પછી બધા એકબીજાને નવા વર્ષની શુભકામના આપીને છૂટા પડે છે. ચિરાગના માતાપિતા પણ બંનેને આશીર્વાદ આપે છે અને આરામથી અને સાંભળીને જવા કહે છે.

બંને જણ એરપોર્ટ પર પહોંચી જાય છે, છતાં પણ અક્ષતા એ એકવાર પણ પૂછ્યું નહોતું કે આપણે કઇ જગ્યાએ જઈએ છે ? બપોર સુધીમાં બંને દિલ્લી પહોંચી જાય છે અને હોટેલ પર પહોંચીને ફ્રેશ થાય છે ત્યારે ચિરાગ એક ગિફ્ટ અક્ષતાને આપે છે, કહે છે કે આ ગીફ્ટમાં તારા સપના છૂપાયેલા છે. અક્ષતા તરત તે ગિફ્ટ ખોલે છે અને જોવે છે તો તેની અંદર તેની ક્રિકેટની કીટ હોય છે અને સાથેસાથે ઇન્ડિયન ગર્લ્સ ક્રિકેટ ટીમનું ફોર્મ પણ હોય છે, એ જોઈને તે સમજી જાય છે કે લગ્નની રાત્રે ચિરાગે તેની પાસે આ ફોર્મની ફાઇલમાં સહી કરાવી હતી.

 આ બધું જોઈને અક્ષતાની આંખોમાં પાણી આવી જાય છે, એ સમજી નથી શકતી કે તે ચિરાગનો આભાર કેવીરીતે વ્યક્ત કરે ? તે તરત ચિરાગને ગળે લગાવીને આભાર વ્યક્ત કરે છે. બંને જણ થોડો પ્રેમ ભર્યો સમય સાથે વિતાવે છે અને પછી તૈયાર થઈને સીલેકશનના સમયે સ્ટેડિયમ પર પહોંચી જાય છે. ત્યાં બધા ચિરાગને ઓળખતા હોય છે, પણ અક્ષતા પોતાની મહેનતથી આગળ વધવા માગતી હતી માટે ચિરાગે પણ કોઈને ભલામણ નહોતી કરી.

 સીલેકશન શરૂ થઈ ગયું હતું, બધી ગર્લ્સ સારું પરફોર્મન્સ આપતી હતી. એટલામાં અક્ષતાને જમણા હાથમાં બોલ લાગે છે, તે કેચ કરવા જાય છે, કેચ થઈ પણ જાય છે,પણ પછી બેલેન્સ ના રહેવાથી તે પડી જાય છે અને બોલ નીચ ન પડે માટે તે તેને જોરથી પકડે છે અને તેમાં તેની જમણા હાથની આંગળીમાં લાગે છે. તે ખૂબ ગભરાઈ જાય છે, પણ ચિરાગ તેને હાર નહીં માનવા દે, તે તરત ગ્રાઉન્ડમાં આવીને અક્ષતાને હિમંત આપે છે અને તેનો હાથ પકડીને કહે છે કે આજે તારે મારા માટે સિલેક્ટ થવાનું છે.

આ સાંભળીને અક્ષતાની હિમંત વધી જાય છે, તે તરત રેડી થઈ જાય છે ને ચિરાગને વચન આપે છે કે હું જરૂરથી સિલેક્ટ થઈશ. સિલેક્સન પૂરું થાય છે અને થોડીવારમાં ઇન્ડિયન ગર્લ્સ ક્રિકેટ ટીમના હેડ આવીને કોણકોણ સિલેક્ટ થયું એ જાહેર કરતા હોય છે ત્યારે ચિરાગને તેના સસરાજીનો ફોન આવે છે અને કહે છે કે દાદાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા.

 આ સમાચાર મળવાથી ચિરાગ એકદમ સ્તબ્ધ થઈ જાય છે, શું વાત કરવી, કઈ રીતે કરવી, તેને કંઈ નથી સમજાતું. તે અક્ષતા પાસે જાય છે તો ત્યાં તે ખૂબ ખુશ હોય છે અને બધા તેને કોંગ્રેચૂલેશન વિશ કરતા હોય છે. ચિરાગને સમજાતું નથી કે તે ખુશ થાય કે દુઃખી થાય ? એટલીવારમાં ત્યાં ઇન્ડિયન ગર્લ્સ ક્રિકેટ ટીમના કોચ આવીને બધાને કહે છે કે કાલ સવારથી તમારી બધાની ટ્રેનીંગ છે, આવતા મહિનાથી વર્લ્ડકપ શરૂ થવાનો છે, અને આ વખત આપણે તે જીતવો છે, માટે ખૂબ મહેનત કરશું.

ચિરાગ થોડીવાર વિચારે છે અને પછી પોતાની ઓળખાણના લીધે હેડને મળીને બધી વાત કરે છે અને એક દિવસની રજા લઈને તે અક્ષતાને તેના ઘરે લઈ જાય છે અને તેના દાદાજીના અંતિમ સંસ્કાર પછી ફરીથી ફલાઇટમાં દિલ્લી પહોંચી જાય છે અને અક્ષતાને તેની ટ્રેનીંગમાં પહોંચાડી દે છે.

 આમતો પ્લેયર સાથે તેના કોઈ કુટુંબીને રહેવાની પરમિશન નહોતી, પરંતુ ચિરાગ પણ ક્રિકેટટીમનો કોચ હતો માટે તે ત્યાં રહી શકતો હતો. અક્ષતા બધાની સાથે પ્રેક્ટિસ કરતી અને ફ્રી સમયમાં ચિરાગ તેને વધુ પ્રેક્ટિસ કરાવતો હતો. અક્ષતાનું સપનું પૂરું કરવા માટે ચિરાગ પણ દિવસરાત મહેનત કરતો હતો, જેથી અક્ષતા પણ વધુ મહેનત કરે અને થાકે નહીં.

 વર્લ્ડકપ શરૂ થાય છે અને અક્ષતાના સારા પરફોર્મન્સના લીધે તે ટીમની કેપ્ટન પણ હોય છે અને ટીમને વર્લ્ડકપ પણ જીતાડે છે. ત્રણ મહિના પછી ચિરાગ અને અક્ષતા ઘરે આવે છે ત્યારે ઘરના લોકો અને આખા ગામના લોકો તેમનું ખૂબ ભવ્ય રીતે સ્વાગત કરે છે.

 આમ ચિરાગ અને અક્ષતાના એકબીજા પર પ્રેમ અને વિશ્વાસના લીધે આજે અક્ષતાનું સપનું પૂરું થયું. અને અક્ષતા અને ચિરાગ એક થઈ જાય છે ને બધા તેને અક્ષરાગથી બોલાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance