STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Crime Thriller

4  

Prashant Subhashchandra Salunke

Crime Thriller

અકબંધ રહસ્ય

અકબંધ રહસ્ય

6 mins
396

ટ્રીંગ ટ્રીંગ....

ડોરબેલ સતત રણકી રહી હતી. પરસેવે રેબઝેબ હરીશે કહ્યું, “આવ્યો ભાઈ આવ્યો. આ ઘરમાં સુપરમેન નથી રહેતો કે જે ઉડીને બારણું ખોલવા આવે. હરીશે ગુસ્સાથી ધુવાપુવા થતા દરવાજો ખોલ્યો પરંતુ દરવાજો ખોલતાની સાથે જ તેના હોશ ઉડી ગયા. તેની સામે ઇન્સ્પેકટર અને તેના બે કોન્સ્ટેબલ ઊભા હતાં. હરીશે કપાળ પર બાઝી આવેલી પ્રસ્વેદની બુંદોને લૂછતાં કહ્યું, “ઇન્સ્પેકટર, તમે અહીં મારા ઘરે ? કેમ શું થયું ?” હરીશ વૃક્ષના પાંદડાની જેમ થરથર ધ્રુજી રહ્યો.

ઇન્સ્પેકટરે દરવાજા પર રૂલ ઠોકતા કહ્યું, “જી મારું નામ ઈ. મિહિર અને આ મારા બે હવલદાર પાંડુ અને ધોન્ડું છે.”

ઈ. મિહિર અપલક નજરે ખુદને જોઈ રહ્યો એ જોઈ હરીશે થોથવાતા સ્વરે કહ્યું, “જી મારું નામ હરીશ. સાહેબ, મારાથી કોઈ ભૂલ થઇ કે શું ?”

ઈ. મિહિરે રૂલને રમાડતા કહ્યું, “ખાલી પૂછપરછ કરવા આવ્યા છીએ.”

“પુછપરછ ! શેની પૂછપરછ ?”

“અરે ભાઈ ! આમ ડરીશ નહીં. અમે તો બાજુના મકાનમાં થયેલી ચોરી વિએશેની પુછપરછ કરવા આવ્યા છીએ. તમે એ અંગે કંઈ જાણો છો ?” ઈ, મિહિર દરવાજાને ધકેલીને રૂમમાં પ્રવેશતા બોલ્યા. “તમે અંદર શું કરતા હતા ? દરવાજો ખોલવામાં આટલી વાર કેમ લગાડી ?”

હરીશે ખુદને નિયંત્રણમાં રાખતા કહ્યું, “સાહેબ, હું બાજુના રૂમમાં મારા ઓફિસનું કામ કરતો હતો એટલે દરવાજો ખોલવામાં વાર લાગી.”

ઇ. મિહિરે હાથમાંના રૂલને જમીન પર પછાડતા કહ્યું, “એવું તો શું કામ કરતા હતા કે તમને દરવાજો ખોલવામાં આટલી વાર લાગી.”

હરીશે વાતને ફેરવતા કહ્યું, “સાહેબ, ચોરી કોના મકાનમાં થઇ છે ?”

“તમારા પડોશી દીક્ષિતના ઘરે. કાલ રાતે ધોધમાર વરસાદ પડતો હતો. બધા પોતપોતાના ઘરમાં ગોદલું ઓઢી સુઈ રહ્યા હતાં. બસ એ તકનો લાભ લઈ કોઈએ તમારા પડોશી દીક્ષિતનાગ ઘરમાં સેંધ પાડી દીધી. લગભગ 5 લાખ રોકડ અને કેટલાક ઘરેણાની ચોરી થઇ છે.”

હરીશે માથું ધુણાવીને કહ્યું, “ચોરી? એ પણ મારા પડોશના મકાનમાં ! સાહેબ, શું જમાનો આવી ગયો છે. કોઈને મહેનત કરીને કમાવવું નથી. બધા ટૂંકા માર્ગે પૈસા બનાવવાનું વિચારે છે.”

“અમને જ્ઞાન નહીં પણ ચોરી વિશેની માહિતી આપો.”

 “ના સાહેબ, હું ચોરી વિષે કશું જાણતો નથી. ખરેખર કહું તો આડોશપાડોશ સાથે મારો વધારે સંબંધ નથી. તમે ખોટી જગ્યાએ પુછપરછ કરવા આવી ગયા સાહેબ.”.

ઈ.મહિરે ચેહેરા પર સ્મિત લાવતા કહ્યું, “અમારી માહિતી પ્રમાણે અમે સાચી જગ્યા પર પુછપરછ કરવા આવ્યા છીએ.” ઈ. મિહિરે હાથમાંનું ઘરેણું દેખાડતા કહ્યું, “આ હાર વિષે કંઈ જાણો છો?”

હરીશે ધ્યાનથી જોતા કહ્યું, “ના સાહેબ. મેં આ હારને પહેલીવાર જ જોયો છે.”

“ફરી એકવાર ધ્યાનથી જોઇને કહો.”

“મેં કહ્યું ને કે હું હાર વિષે કશું જાણતો નથી. પરંતુ આ હાર તમને મળ્યો ક્યાં ?”

“તમારા ઘરના આંગણમાં અમને તે પડેલો મળી આવ્યો.”

 “વોટ રબીશ! આ કેવી રીતે બની શકે ?”

“તેનું રહસ્ય તમારાથી વધુ બીજી કોણ જાણી શકે છે? તમે દિમાગ પર જોર લગાવીને વિચારો કે આ હાર તમારા આંગણમાં કેવી રીતે આવ્યો હશે?”

“પરંતુ આ હાર કોનો છે?”

“તમારા પડોશી દીક્ષિતનો ! કાલે ચોરી થયેલા માલમાં આ હાર પણ હતો. હવે તમે જ કહો કે એ તમારા આંગણમાં કેવી રીતે આવ્યો?”

“સાહેબ, બની શકે કે કાલે રાત્રે ચોર ચોરી કરીને ભાગતો હશે ત્યારે તેના થેલામાંથી હાર સરીને મારા આંગણમાં પડ્યો હશે.”  

ઈ. મિહિરે રૂલને રમાડતા કહ્યું, “ચોર આ ઘરની અંદર પણ આવ્યો હોય તેવું પણ બની શકે છે.”

હરીશે શર્ટની બાંય વડે કપાળે બાઝેલા પરસેવાને લૂછતાં કહ્યું, “ચોર મારા ઘરે કેમ આવે?”

ઈ. મિહિરે કહ્યું, “ખેર, એ વાતને જવા દો અને અમને એ જણાવો કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે. મને તો તમે એકલા રહેતા હોવ એમ જ જણાઈ રહ્યું છે.”

“સાહેબ મારી સાથે મારી પત્ની સુશીલા પણ રહે છે. પરંતુ હાલ એ પિયરમાં ગઈ છે.”

“પિયરમાં!”

“હા.”

“આ દીવાલ પર જે તસવીર લાગેલી છે તે તમારા પત્નીની છે ?”

“હા.”

“પાંડુરંગ, તમને નથી લાગતું કે આજે બધું આપણી સાથે નવાઈ પમાડે તેવું બની રહ્યું છે. કાલ રાતે જે ઘરમાં ચોરી થાય છે. તેમાંનો હાર આ ભાઈના આંગણામાં મળે છે. સવારથી ચહલ પહલ હોવા છતાં કોઈનું ધ્યાન આ સોનાના હાર પર જતું નથી. વળી આપણો કુતરો જેકી બધું છોડી ક્યારનો આ ભાઈના ઘર તરફ જોઇને જ ભસી રહ્યો છે. આ બધું શું રહસ્ય છે ? બોલો હરીશભાઈ?”

“સાહેબ, હું શું જાણું!”

ઈ.મિહિરે સોફા પર બેઠા બેઠા જ જમીન પર રૂલ ઠોકતા કહ્યું, “ઠીક છે. મારી માટે એક ગ્લાસ પાણી લઇ આવશો?”

  “જી જરૂર.” આમ કહી હરીશ રસોડામાં પાણી લેવા ગયો.

  હ. પાંડુરંગે કહ્યું, “સાહેબ, બીજી પણ એક વાત નવાઈ પમાડે તેવી બની રહી છે?”

“શું?”

“તમે અહીં આવ્યા છો ત્યારથી હાથમાંનો રૂલ જમીન પર પછાડી રહ્યા છો.”

ઈ.મિહિરે કંઈક વિચારીને કહ્યું, “પાંડુરંગ, તારી વાત સાચી છે. પરંતુ હું કૌતુકથી રૂલને વારંવાર ભોંય પર પછાડી રહ્યો છું.”

“કૌતુક! કેવું કૌતુક સાહેબ?”

“પાંડુરંગ, હું સોફાની આ બાજુના ટાઇલ્સ પર રૂલ પછાડતા ઠ્ક ઠ્કનો અવાજ આવે છે. જયારે સોફાની આ તરફની ટાઈલ્સ પર રૂલ પછાડતા ધબ ધબ! મને અવાજનો આ ફરક મુંઝવી રહ્યો છે. આખરે આ અવાજના ભેદનું શું રહસ્ય હોઈ શકે છે?”

“સાહેબ, સોફો હટાવ્યા વગર આપણે તે કેવી રીતે જાણી શકીએ?”

“પાંડુરંગ, તો એક કામ કર ચાલ ઝડપથી સોફો હટાવ.”

બંને જણા સોફોને હટાવી રહ્યા હતા ત્યાં હરીશ પાણીના બે ગ્લાસ લઈને આવી ગયો. ઈ. મિહિર ને પાંડુરંગને આમ સોફાને ખસેડતા જોઈ તેના મોતિયા મરી ગયા. તે થોથવાતા સ્વરે બોલ્યો, “ઇન્સ્પેકટર, તમે આ શું કરી રહ્યા છો? તમે મારા સોફાને કેમ ખસેડી રહ્યા છો?”

ઈ. મિહિરે ખંધુ હસતા કહ્યું, “તમે સોફા અહીં શું કામ મુક્યો છે તે જોવા.”

સોફા ખસેડતા જ પાંડુરંગ બોલ્યો, “સાહેબ, આ સોફા નીચેની ટાઈલ્સ તો નવી બેસાડેલી જણાય છે.’

ઈ. મિહિરે હાથમાંના રૂલને રમાડતા કહ્યું, “પાંડુરંગ, આપણે અહીં આવેલા ચોરીના મામુલી કેસ બદલ પૂછપરછ કરવા પરંતુ મને લાગે છે કે અહીં કોઈ મોટું રહસ્ય પરથી પડદો ઉઠશે. હરીશભાઈ, તમે ખુદ ક્બુલશો કે હું મારા આ બંને હવલદારોને ખોદકામ કરાવી અહીં દટાયેલી સત્ય હકીકતને બહાર કાઢું?”

ઈ.મિહિરનો જડબાતોડ લાફો પડતા હરીશ પોપટની જેમ બોલવા લાગ્યો. “સાહેબ, સોફા નીચેની જમીનમાં મેં મારી પત્ની સુશીલાની લાશને દફનાવી છે. બે મહિના પહેલા જ મેં તેની હત્યા કરીને તેની લાશને અહીં દાટી હતી. વળી અડોશપડોશમાં તે પિયરમાં ગઈ છે તેવી અફવા ફેલાવી હતી. મારી પત્નીના મા-બાપ તો વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા. હું મારી પત્નીથી તંગ આવી ગયો હતો અને તેથી તેનાથી છુટકારો મેળવવા માંગતો હતો. તેથી જ મેં મારી પત્નીની હત્યા કરી અને તેની લાશને આ સોફા નીચે દફનાવી દીધી હતી. મેં વિચાર્યું હતું કે આ ઘરને વેચીને કોક બીજી જગ્યાએ રહેવા માટે જતો રહીશ. બધું મારી યોજના મુજબ થઈ રહ્યું હતું પણ કોણ જાણે કયાથી આ હાર મારા દરવાજા પાસે આવી ગયો?”

તેઓની વાતચીત ચાલી જ રહી હતી ત્યાં પડોશના દીક્ષિતબેન કે જેમણે ત્યાં ચોરી થયેલી તે હાફળા ફાફળા દોડતા આવ્યા, “સાહેબ, કોઈ જાણકારી મળી?”

ઈ. મિહિરે તેમની તરફ જોઈને કહ્યું, “હાલ તો ફક્ત તમારો આ હાર અમને મળ્યો છે. તપાસ પૂર્ણ થતા તમારા બાકીના ઘરેણાં પણ મળી જશે.”

 દીક્ષિતબેને હાર તરફ જોઈ કહ્યું, “પરંતુ સાહેબ, આ હાર મારો નથી.”

ઈ. મિહિરે આશ્ચર્યથી પૂછ્યું, “તમારો નથી! તો પછી કોનો છે?”

દીક્ષિતબેને હારને ધ્યાનથી જોતા કહ્યું, “સાહેબ, આ હાર તો આ હરીશભાઈની પત્ની સુશીલાનો છે. હે ને હરીશભાઈ?”

હરીશે ડૂસકે ડૂસકે રડતા કહ્યું, “હા ભાભી, આ હાર સુશીલાનો જ છે. જયારે મે સુશીલાની હત્યા કરી હતી ત્યારે તેના બધા ઘરેણા લોહીથી ખરડાઈ ગયા હતા. મેં ઘરેણાં સાફ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમના નકશીકામમાં ફસાયેલું લોહી સાફ થયું નહી. આટલા મોઘા ઘરેણાં લાશ સાથે દાટી દેવાનો મારો જીવ ચાલ્યો નહીં. એટલે મેં આંગણામાં તેમને દાટી દીધા હતા. વિચાર્યું હતું કે ઘર વેચાઈ જશે ત્યારે આ ઘરેણા કાઢીને હું ચુપચાપ અહીંથી જતો રહીશ. પરંતુ ખબર નહીં કેવી રીતે જમીનમાં દટાયેલો આ હાર બહાર નીકળી આવ્યો.”

ઈ.મિહિરે હરીશને હથકડી પહેરાવતા કહ્યું “હરીશ, તમારી પત્નીને ન્યાય જોઈતો હતો. તે તેને મળી ગયો છે. કાલ રાતે ધોધમાર વરસાદથી તમે છુપાવેલી જગ્યાની ઉપરની માટી ધોવાઈ ગઈ જેથી અમને આ હાર દેખાઈ આવ્યો. યાદ રાખો ગમે તેટલી કાળજી લો પણ છેલ્લે હત્યા છુપાતી નથી.”

દીવાલ પરની તસવીરમાં સુશીલાનો ચહેરો જાણે મુસ્કુરાતો હતો. હારને કારણે તેને ન્યાય મળી ગયો હતો, કુદરતના પ્રતાપે આજે ઉકેલાઈ ગયું હતું અકબંધ રહસ્ય.


Rate this content
Log in

Similar gujarati story from Crime