Lalit Parikh

Classics Inspirational

3  

Lalit Parikh

Classics Inspirational

અજાતશત્રુ…

અજાતશત્રુ…

3 mins
14.3K



મારો મિત્ર દિનેશ ખરેખર અજાતશત્રુ હતો. આ તેનો પ્રયત્ન કરીને કોઈ કેળવેલો સ્વભાવ નહોતો. આ તો તેનો જન્મજાત સ્વભાવ હતો. તેના ભાઈબહેનો સાથે, દોસ્તો સાથે, વર્ગના સહપાઠીઓ સાથે, વેપારી આલમમાં હરીફો સાથે, જ્ઞાતિના કાર્યકર્તાઓ સાથે -બધે એટલે બધે જ તે અજાતશત્રુ તરીકે જ વર્તતો. તેનામાં ન ક્યારેય દ્વેષ જોવા મળતો, ન ઈર્ષા કે ન કોઈ બુરું કરનારનો બદલો લેવાની વૃત્તિ-પ્રવૃત્તિ.જે બને છે તે ઠીક જ છે, સ્વાભાવિક જ છે, સહજ જ છે એમ તે સહેજે સહેજે માનતો. જીદ નહિ, હઠાગ્રહ નહિ, પોતાનો કક્કો ઘૂંટવાનો નહિ. આ જ તેનો સહજ સ્વભાવ.

ભાઈઓ-ભત્રીજાઓએ તેને છેતર્યો, સગાઓએ તેને ધોખો દીધો, સ્ટાફે તેને લૂટી લીધો, હરીફોએ તેને ફસાવ્યો. પણ તેને પોતાના ભાગ્યમાં, ઈશ્વરની કૃપામાં પૂરે પૂરો વિશ્વાસ હતો. બને તેટલું કોઈનું ભલું કરવામાં તે કર્ણ જેવો ઉદાર હતો. એક હાથનું આપેલ બીજા હાથને પણ ખબર ન પડે તેમ એ છાનીમાની રીતે -ત્યાં સુધી કે તેની પત્ની કે તેના બાળકોને પણ ખબર ન પડે તેમ જાણ્યા-અજાણ્યા જરૂરતમંદોને સહાયરૂપ થવામાં તેને ખૂબ ખૂબ આનંદ થતો. તેની ધર્મપત્ની કંચનગૌરી ભક્તિભાવને મનથી વરેલી હોવાથી વહેલી સવારે ઊઠી પોતાની નિત્ય પૂજા, રામાયણપાઠ, હનુમાનચાલીસા, સુંદરકાંડ પાઠ, કંઠસ્થ એવા ગીતાના એક એક અધ્યાયનું નિત્ય પ્રતિદિન ગાન, જય જગદીશની અને અંબામાતાની આરતી ગાવા ઈત્યાદિમાં તેના કલાકો સહેજે નીકળી જતા. પત્ની ભક્તિ સ્વરૂપા હતી તો પતિ પુણ્યસ્વરૂપ હતો. બેઉ ‘ભક્તિ અને પુણ્ય સાકાર’ કહી શકાય એવા આદર્શ યુગલ હતા.

સાવકા ભાઈએ ચાલાકીથી દિનેશનો ફ્લેટ પડાવી લીધો, સગા મોટાભાઈના દીકરાઓએ ફેક્ટરીને ખોટમાં પહોંચાડી એ પ્રોપર્ટી ઝડપી લીધી, બહેન -બનેવીઓએ અકારણ સંબંધ બગાડ્યો તો ય અજાત શત્રુ એવા મારા મિત્રે સહુ કોઈને “જા સુખમ” ભાવથી ક્ષમા કરી તેમની અક્ષમ્ય એવી ભૂલોને ભૂલી જઈ તેમને માફ કરી દીધા. માબાપની કરેલી સેવાના ફળસ્વરૂપે તેમ જ ભક્તિ-પુણ્યના પરિપાક સ્વરૂપે પતિ-પત્ની તન મન ધન થી સદાસર્વદા સુખી સુખી જ રહેતા, પ્રસન્ન પ્રસન્ન જ રહેતા, આનંદ આનંદમાં જ રહેતા. તેના નામે અને તેના પૈસે જ લીધેલી-ખરીદેલી જમીન પચાવી પાડનાર એક બચપનના દોસ્તને તેણે મનોમન માફ કરી દઈ એ પ્રસંગને જ ભૂલી જવામાં પોતાના અજાતશત્રુ સ્વભાવનો પરિચય આપ્યો. એક બીજા મિત્રે જયારે- ત્યારે પોતાના વેપાર માટે સાચી ખોટી જરૂરીયાત બતાવી અવાર નવાર ઉછીની રકમો લેતારહી એ રકમો ક્યારે ય પાછી ન આપી તો ય “હોય એ તો “કહી વાતને ભૂલી જવામાં તો એનો જોટો મળે નહિ. એક બીજા મિત્રના પુત્રોને પરદેશ મોકલવામાં હોંસ સાથે ખુલ્લા દિલે મનપૂર્વક જોઈતી મદદ કરી.

આવા અજાતશત્રુના પણ શત્રુઓ તો ન હોવા જોઈએ; પણ તો ય હોય જ એ ન્યાયે તેના પર ખોટા આરોપો મૂકી તેને અને તેની પત્નીને કોર્ટકેસ કરી કોર્ટના પાંજરામાં ઊભા કરનાર ભત્રીજાઓ અને સાવકા ભાઈને બધું જ સોંપી દઈ નવેસરથી વેપાર જમાવ્યો. દુર્ભાગ્યે તેના દુકાનના અને ફેકટરીના મેનેજરો તેને ધૂતવા લાગ્યા.”પણ નસીબ મારી સાથે છે, સત્ય મારી સાથે છે, મારું પુણ્ય મારી સાથે છે, મારી ખાનદાની મારી સાથે છે, મારી ઈમાનદારી મારી સાથે છે, મારી ભક્તિસ્વરૂપા ધર્મપત્ની મારી સાથે છે, આજ્ઞાકારી ભલા- ભોળા સંતાનો મારી સાથે છે તો મારું કોઈ શું બગાડી શકવાનું છે?” આ આત્મબળ, આ આત્મશ્રદ્ધા તેને ન નિરાશ થવા દે કે ન હતાશ થવા દે. બબ્બે હાર્ટ અટેકો આવવા છતાંય તે મોટા હૈયાનો સ્વામી પત્નીની ભક્તિના બળે અને પોતાના પુણ્ય પ્રભાવે સાજો માજો બહાર નીકળ્યો અને બાકીના બોનસમાં મળેલા વર્ષો ફરી પાછા એવા જ પુણ્યકાર્યોમાં ગાળ્યા. હિતશત્રોએ અનેક ધાર્મિક -અધાર્મિક વિધિ-વિધાન કરાવ્યા -તેનો અંત આવે એ માટે; અકસ્માતો અને હુમલાઓ પણ કરાવ્યા; પરંતુ” મુદ્દઈ લાખ બુરા ચાહે, હોતા હૈ વહી જો મંઝૂરે ખુદા હોતા હૈ!” ના ન્યાયે અજાતશત્રુને જીવનદાન મળતું રહ્યું, સુખ-શાંતિ મળતા રહ્યા, સંતોષ આનંદનો અનુભવ થતો રહ્યો. ”હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહિ; જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ” એવું કહેનાર- માનનાર-ગાનારને ઊની આંચ પણ ક્યાંથી આવે?”


Rate this content
Log in

Similar gujarati story from Classics