આનંદ સ્વરૂપ
આનંદ સ્વરૂપ
મારા પિતાશ્રીનું નામ આનંદ. ચહેરે-મોહરે, સ્વભાવે, વાતચીતે, પ્રત્યેક વહેવારે સો એ સો ટકા સંપૂર્ણપણે આનંદસ્વરૂપ જ. પૂરા ધર્મપ્રેમી; પણ બધા જ ધર્મોમાં અભેદ અને એકતા જોનાર. 'માનવ ધર્મ કી જય’ બોલીને તો રાતે સૂએ. ધર્મિષ્ઠ પત્ની રમા તેમને સાચવે-સંભાળે અને આનંદ પોતે પણ રમાને અને એકના એક પુત્ર લલિતને (એટલે કે મને) પૂરે પૂરી સ્વતંત્રતા આપે. પ્રકૃતિથી શાંત, સમાહિત, નિર્મોહી, નિર્લોભી, નિરીહ -અને તે પણ એટલે સુધી કે કરોડોમાં પણ આવી વિરલ વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે.
તેમની સામે ક્યારેય કોઈથી કૈંક તૂટે ફૂટે, ઢોળાય- ફોડાય,ખોવાય-ગુમાવાય ત્યારે એક પણ ઉદ્ગાર પ્રતિક્રિયા રૂપે નીકળતો જોવા-સાંભળવા ન મળે. પુત્રથી નાનપણમાં વરસતા વરસાદમાં નાનીની અપાવેલી, આંગળીમાં ઢીલી પડતી સોનાની વીંટી પડી ગઈ-ખોવાઈ ગઈ ત્યારે ગુસ્સો કરવાના બદલે તેને ધીમેથી પૂછી જોયું: 'આમાંથી કંઇ શીખવા મળ્યું કે નહિ? આવું પહેરો જ નહિ, તો ન પડે કે ખોવાય, ન દુ:ખ થાય.' સહજે જ અપરિગ્રહી. શાળામાંથી મળતા પગાર અને ટયુશનની આવકની સઘળી રકમ ઘર- મંદિરમાં મૂકી દે, બચત ખાતે કે પોતા માટે એક રૂપિયો પણ ન રાખવાના આગ્રહી. ભવિષ્યની અસલામતીનો તેમને મનમાં વિચાર સુદ્ધા ન આવે.
જીવનમાં ક્યારેય કાંઈ બચાવવા ન બેન્કમાં કોઈ ખાતું ખોલ્યું કે ન પોસ્ટઓફિસની કોઈ બચત યોજના જોઈન કરી.ન કોઈ વ્યસન, ન કોઈ અંગત ખર્ચ. સ્વમાની, સ્વાભિમાની, ધર્મભીરુ અને પૂરા પૂરા ખુદ્દાર. પુત્ર અને પરમેશ્વરમાં સંપૂર્ણ અને શત પ્રતિ શત વિશ્વાસ એ તેમની ખાસિયત. સસરાએ અપાવેલી સરકારી બેન્કની નોકરી ગાંધીજી ના ‘ક્વિટ ઇન્ડિયા’ માં છોડી દઈ, સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઇ બ્રિટિશ પોલિસના ડંડા પણ ખાધેલા અને જેલમાં પણ ગયેલા. પરંતુ આગળ જતા ભારત સ્વતંત્ર થાય બાદ આવા જેલ ગયેલા સત્યાગ્રહીઓને જયારે સેકંડ એ.સી.માં મફત મુસાફરી કરવાના સરકારી પાસ અપાવા માંડ્યા અને પેન્શન પણ અપાવા માંડ્યું ત્યારે આવા લાભ લેવાનું ન તેમને ગમ્યું કે ન તો તેમણે સ્વીકાર્યું સુદ્ધા. આજીવન સંપૂર્ણ ખાદીધારી અને ‘સિમ્પલ લિવિંગ એન્ડ હાય થિન્કિંગ’ની જીવંત મૂર્તિ. મંદિરના અભણ પૂજારીઓને ભણાવે, નિવૃત્ત વૃદ્ધોને સંસ્કૃત શ્લોકો શીખવાડે- સમજાવે -કંઠસ્થ પણ કરાવે અને પોતાના ગણતરીના ટ્યુશનોના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને ભણતરના જ્ઞાન સાથે સંસ્કા
રજ્ઞાન પણ આપે જ આપે. આખું શહેર અને સમાજ તેમને નામથી ન ઓળખે, ગુરુજીના નામથી જ જાણે. પ્રણવ નામનો એક જૈન વિદ્યાર્થી તો આજે પણ તેના આ પોતાના પ્રિય સન્માનિય આનંદજી ગુરુજીનો ફોટો પોતાની પૂજામાં ઘર મંદિરમાં રાખે છે એ સત્ય ઘટના પોતામાં એક અભૂતપૂર્વ હકીકત કહેવાય.
જીવનના શરૂના વર્ષોમાં શાળાના પ્રાંગણમાં જ બનેલા એક રૂમ-રસોડાના ઘરમાં રહેતા હતા ત્યારે રાત મોડી રાત ના સમયે પત્ની અને પુત્ર તો સૂઈ ગયેલા, એ સમયે તેમના શાળાના પ્રાંગણમાં સ્થિત ઘરની સામે જ રહેતા શાળાના ધનવાન ટ્રસ્ટી એકના એક પુત્રના લગ્ન અને રિસેપ્શન પછીની મોડી રાતે એકાએક મળી ગયેલી ઇન્કમ ટેક્સની સંભાવિત રેઇડની માહિતિથી ગભરાઈ, સૂતેલી પત્નીને જગાડીને તેને ગભરાવ્યા વગર જ, દોડાદોડ ભાગીને તેમને ત્યાં થેલો ભરીને લાખો રૂપિયાની થોકડીઓ, સોના-હીરાના ઘરેણા, નિઝામશાહી અસલી ચાંદીના સિક્કાઓ ઇત્યાદિ તેમને ત્યાં – વિશ્વાસપાત્ર ગુરુજીને ત્યાં મૂકી ગયા, જેની ન તેમના પોતાના કે ગુરુજીના ઘરમાં પણ કોઈને કંઇ જ માહિતી ન હતી. રાતે રેઇડ તો પડી જ પડી અને કંઈ કરતા કંઈ ન મળતા રેઇડ પાર્ટી પાછી પણ ફરી ગઈ. પરંતુ સવાલોની ભરમારથી તેમ જ એકએક થયેલી રેઈડની ઘટનાથી તેમનું બ્લડપ્રેશર વધી ગયું અને હાર્ટઅટેક આવતા, સૂતેલી પત્નીને જગાડી અને હનીમૂન માટે હોટલમાં ગયેલા પુત્ર-પુત્રવધૂને જણાવી એમ્બ્યુલન્સ મંગાવી હોસ્પિટલ ભેગા થયા ત્યારે માર્ગમાં જ તેઓ સ્વર્ગવાસી થઇ ગયા.
બીજે દિવસે સવારના સમાચારપત્રમાં ફોટા સાથે એ શેઠ અને સમાજના ટ્રસ્ટીના મરણ શરણના સમાચાર જોઈ વાંચી તેઓ થડકી ગયા અને સાંજે ઉઠમણું પ્રાર્થનાસભા પૂરી થતા જ ઘરેથી એ સોંપેલો મૂલ્યવાન થેલો એ ટ્રસ્ટી શેઠના પરિવારને “તેરા તુઝકો અર્પણ” કર્યું ત્યારે જ ગુરુજીનું વિક્ષિપ્ત થઇ ગયેલું મન પુન:શાંત-પ્રશાંત થયું અને બદલામાં એ પરિવારે ધન, પ્લોટ કે ઘર ભેટ આપવાની ઓફર કરી તો હાથ જોડી “ઠીક લાગે તો કોઈ સારો ધર્માદો કરજો” કહી હાથ જોડી પોતાના ઘરે પાછા ફર્યા.
આનંદજી ગુરુજીએ જીવનમાં આવી અને આટલી દિવ્યાતિદિવ્ય અમૂલ્ય હળવાશનો અને અદભુત અનુભવ જીવનમાં સર્વપ્રથમ વાર કરી પોતાના આનંદ નામને મનમાં, રોમ રોમમાં, અણુ અણુમાં ભરપૂર માણ્યો. "માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું."
(સત્ય કથા )