છુટ્ટો દોર
છુટ્ટો દોર
નવાઈની જ વાત કહેવાય કે જયારે મારે ત્યાં મારા સહુથી નાના પૌત્રના લગ્નની તૈયારી ચાલી રહી હોય ત્યારે જ મારા બચપનના દોસ્ત જંગુ -જહાંગીર મર્ઝબાનના લગ્નની મને કંકોત્રી મળે. અમે એક જ સ્કુલમાં અને એક જ કોલેજમાં સાથે ભણ્યા એ તો ઠીક; પરંતુ સાથે ક્રિકેટ પણ રમ્યા, દર શનિવારે મૂવી પણ જોયા, નાટકોમાં ભાગ પણ લીધો અને લગભગ દરરોજ તે જમાનાના જોરદાર કોફી હાઉસમાં ઓમ્લેટ-ટોસ્ટ કોફીની લહેજત પણ માણી. ટેબલ ટેનિસનો તો એ મોટો સ્ટેટ ચેમ્પિયન, ક્રિકેટનો સ્ટેટ પ્લેયર, એથેલિટ અને બોક્સર પણ ખરો. પાછો જોશીલો ઓરેટર અને સફળ વકીલપણ ખરો. આવો અમારો મિત્ર જંગુ દેખાવમાં મૂવીના હીરો જેવો લાગે. કોઈ પણ પારસી પોરી તો શું તો શું, કોઈ પણ સુંદર અને મદમસ્ત છોકરી તેને પરણવું પસંદ કરે એવી તો તેની જોરદાર પર્સનાલિટી !
પરંતુ તે મોડે સુધી ન પરણ્યો તેનું કારણ કેવળ માત્ર એ જ કે તેના વયોવૃદ્ધ પ્રેમાળ માબાપનો તે એકનો એક ફરજંદ હતો. લગ્ન પછી આવનારી માબાપનું અપમાન કરે કે તેમની અવગણના કરે એ ભીતિ જ તેને અત્યાર સુધી કુંવારો કુંવારો રાખતી રહી. ઘરમાં તેણે કાયમી બાઈ, નોકર- ચાકર, માળી, ડ્રાઈવર વગેરે રાખેલ હોવાથી માબાપ તો સરસ સચવાઈ જ જતા, પોતાને પણ પૂરેપૂરી સગવડ- સુવિધા મળી જતી રહેતી.
છેલ્લે માતા પિતાની અંતિમ આગ્રહભરી મરજીના કારણે તેણે એક હજી સુધી કુંવારી જ રહી ગયેલી, જોબ કરતી યુવતી સાથે પરણવાનું નક્કી કર્યું અને એમાં શરત એટલી જ હતી કે તેની વિધવા માજીને પણ કાયમ અને છેક સુધી સાચવવાના હતા. અમારા મિત્રોની સલાહ લઇ તે પરણવા તૈયાર થઇ ગયો. તેની એ પત્ની ખોરશેદ અતિ રૂપાળી, નમણી અને સ્માર્ટ હતી. બેન્કનો મઝાનો દસથી પાંચનો જોબ હતો. તેની કંકોત્રી જોઈ અમે મિત્રો રાજી થયા. વધુ રાજી તો જંગુના માબાપ થયા કે તેઅત્યાર સુધી તેમનો જંગુ તેમના સુખ – શાંતિ માટે એકલો અટૂલો કુંવારો રહ્યો. પાછો ચરિત્રવાન પણ એટલો કે કોઈ કરતા કોઈ સાથે ન કોઈ અફેર કે લફરું. અમારા મિત્રોના પરિવારો સા
થે સરસ મઝાનો ઘરોબો અને તેને અમારી અને અમને તેની કંપની ગમતી રહેતી.
પરંતુ લગ્ન પછી તેની સાસુને જંગુના માબાપ સાથે બરાબર જામ્યું નહિ અને એવામાં વરસની અંદર તો ખોરશેદે સરસ મઝાના તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો અને એ દીકરો દાદા દાદી અને નાનીનો લાડકો અને હેવાયો બની ગયો. તેનું નામ પાડવામાં આવ્યું રુસ્તમ અને આમાં જ પ્રોબ્લમ શરૂ થયો. દાદા- દાદીને રૂસ્તમને રમાડવાનું ગમે અને નાનીને તો જાણે કે એ તેનો જ ફરજંદ હોય, તેનું જ પઝેશન હોય એવો હક -દાવો દેખાડવાનું જોર- ઝનૂન જાગવા માંડ્યું. બિચારી જોબ કરતી ખોરશેદ અને કોર્ટકેસોમાં અટવાયેલો રહેતો જંગુ વડીલોની ટગ ઓફ વોર જોઈ જોઈ થાકી ગયા, ત્રાસી યા, હેરાન પરેશાન થઇ ગયા. નાનો રુસ્તમ પણ કન્ફ્યુઝ્ડ કન્ફ્યુઝ્ડ રહેવા લાગ્યો. જંગુના માબાપ રુસ્તમને તેડકો નહિ, છુટ્ટો દોર આપી તેને જંગુની જેમ સ્પોર્ટ્સમેન બનાવવા માંગતા હતા.
જંગુ બિચારો ન પોતાના માબાપને કાંઈ કહી શકે ન સાસુમાને કાંઈ કહી શકે. ખોરશેદની પણ એવી કફોડી સ્થિતિ થયા કરે, રહ્યા કરે. બિચારા જંગુને શાદી કરવા માટે પસ્તાવા જેવું થવા લાગ્યું. ’શાદીને બરબાદી’ કહે છે એવો કડવો કપરો અનુભવ થવા લાગ્યો.
પરંતુ એવામાં એક ન બનવા જેવો અણધાર્યો અને મઝેદાર કિસ્સો બની ગયો અને એ એવો તો મઝેદાર પણ નીવડ્યો કે બધા જ રોજબરોજના પ્રોબ્લમોનો મઝેદાર અંત પણ આવી ગયો. અને તે મઝેદાર કિસ્સો એ રહ્યો કે ખોરશેદની મમ્મી તેમના ડ્રાઈવર સાથે તેમની નવીજ ખરીદેલી કાર સાથે અને ઘરમાં ખોરશેદની પગારની બચતની રકમ લઈને ભાગી ગઈ. ખોરશેદને જરાક દુખ તો થયું; પણ પોતાની મમ્મીએ આ ઉમરે આવું કર્યું તેનો અફસોસ પણ થયો. પરંતુ આ બનાવ પછી તો રુસ્તમ પણ રાજી રાજી થઇ ગયો હોય તેમ છુટ્ટો છુટ્ટો રમતો થઇ ગયો કારણ કે જંગુના વયોવૃદ્ધ માબાપ તેને પકડી રાખનારા નહોતા. તેમણે તો જંગુને સ્પોર્ટ્સમેન બનાવેલો. રુસ્તમને પણ તેમણે છુટ્ટો દોર આપી તેને સ્પોર્ટ્સમેન બનાવવા ખોદાયજીને દિલથી પ્રેયર કરી.