Lalit Parikh

Drama Inspirational

3  

Lalit Parikh

Drama Inspirational

એક – બીજાના …

એક – બીજાના …

3 mins
7.3K



શ્રીધર અને શ્રદ્ધાએ પોતાની પચાસમી મેરેજ એનિવર્સરી મોટા પાયે અને હોંસે હોંસે ઉજવી. શ્રીધર એન્જીનિયર બની અમેરિકા પહોંચી ગયો હતો. પરિવારમાં તો શ્રીધર માબાપનો એકનો એક પુત્ર હોવાથી તેના પક્ષે જેમ કોઈ નહોતું, તેમ જ તેની પત્ની શ્રદ્ધાના પક્ષે પણ કોઈ જ નહોતું કારણ કે તે તો અનાથાલયમાંથી જ ભણી ગણી, પોતાની લાયકાત પર સ્ટુડન્ટ વિસા મેળવી અમેરિકા પહોંચી, ત્યાં એમ.બી.એ કરી આઈ.બી.એમમાં સારી પોસ્ટ પર સેટલ થઇ ગઈ હતી. તેઓ સાથે કામ કરતા કરતા પરિચયમાં આવી, પ્રેમમાં પડી ઉમંગભેર પરણ્યા હતા, મિત્રો અને ઓફિસના સાથીદારોએ ગોઠવેલા સમારોહ-આયોજન અનુસાર. સારું નાનકડું ઘર પણ ખરીદી લીધું શ્રીધર-શ્રદ્ધાએ. એક જ કંપનીમાં, સાથે જ સાથે જોબ કરતા હોવાથી, એક જ શાનદાર લેક્સસ કાર ખરી, ઠાઠથી, મસ્તીથી અને લહેરથી લગ્ન જીવન માણવા લાગી ગયેલા. કોઈને પણ ઈર્ષા થાય એવી તો સંગીતની જુગલબંદી જેવી આ બેઉની યુગલબંદી હતી. દર અઠવાડિયે મૂવી જોવું, દર વીક- એન્ડમાં બહાર જ લંચ-ડિનર કરવું, તેમ જ લોંગ વીક -એન્ડમાં દૂર ફરવાના સ્થળો જોવા અને મોજ મસ્તી કરવા બિન્ધાસ થઇ નીકળી પડવું.

જોનારા મનોમન કહ્યા કરે, વિચાર્યા કરે કે એકાદ બાળક થશે એટલે આ બધા નાટક-નખરાનો ‘ધી એન્ડ’ આવી જવાનો. તેઓ પોતે પણ બાળક માટે આતુર-ઉત્સુક-અધીર તો હતા જ હતા. કારણ કે બેમાંથી કોઈએ ન ભાઈ જોયેલો, ન બહેન જોયેલી કે ન ક્યારેય પરિવારમાં રમતા બાળકોના ચેતનવંતો જીવંત કલબલાટ સુદ્ધા જોયેલો. પોતાના શાંત-પ્રશાંત જીવન-સમુદ્રમાં તેઓ પણ હવે પોતાના બાળકોની રમતિયાળ જિંદગીની તોફાની શરૂઆત જોવા તડપી રહ્યા હતા. બે ચાર વર્ષ રાહ જોઈ. પછી મોટા મેડિકલ નિષ્ણાતોને કન્સલ્ટ કરવાનું શરૂ કર્યું; પણ પરિણામ શૂન્ય જ આવતા બેઉ નિરાશ થતા ગયા. વર્ષો પછી વર્ષો વીતવા લાગ્યા અને એડોપ્ટ કરવાનું પણ અઘરું અને અસંભવ જણાવા લાગ્યું. પછી તો "હું હરિનો, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહિ, જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહિ" નું મહાવાક્ય સ્વીકારી લઇ નિજાનંદમાં મસ્ત રહેવાને ટેવાઈ ગયા. નિ:સંતાન હોવાના લાભ જ લાભ જોતા થઇ ગયા. બાળકોનું કોઈ બંધન નહિ, તેમને ખોટી ખરાબ કંપની અને આદતોથી બચાવવાનું ટેન્શન નહિ, મોટા થયા પછી તો પાછા માબાપને એકલા અટૂલા મૂકીને પોતાની દુનિયામાં ખોવાઈ જનારા મિત્રોના બાળકોને જોઈ આસક્તિથી પર થઇ, સહજ વિરક્ત અને નિર્મોહી રહી, સહજાનંદનો અનુભવ કરતા રહેવામાં, તેઓ પોતાની નિજી પ્રસન્નતા જ પ્રસન્નતાનો સતત સાક્ષાત્કાર કરવા લાગી ગયા.

આ મેરેજ એનિવર્સરીમાં નાના નાના બાળકોને પણ ખાસ નિમંત્રિત કરી, તેઓને ખુશ કરવામાં તેમને અપાર ખુશી થઇ. જોકર બોલાવી, તેમને તેમની મનગમતી રમતો રમાડી રમાડી રાજી કર્યા. તેમને તેમની ભાવતી વાનગીઓ ખવડાવી, પીપરમેન્ટો -ચોકલેટો- કેન્ડીથી તેમના ખિસ્સા ભરી ભરી તેમનું, તેમ જ પોતાનું હૈયું પણ રાજીપાથી ભર્યું ભર્યું કરી લીધું. સહુ કોઈ શ્રીધર -શ્રદ્ધાનો આવો સ્વસ્થ આનંદી અભિગમ જોઈ સાશ્ચર્યાનંદમાં ગરકાવ થઇ ગયા.

અંતે પોતાને અપાયેલા અભિનંદનોના ઉત્તરમાં તેઓ બેઉ પોતપોતાની રીતે જે કાંઈ નમ્રતાપૂર્વક પ્રેમથી વારાફરતી બોલ્યા, તે તો સહુ કોઈના હ્રદયમાં હલચલ અને તોફાન મચાવનારું પુરવાર થયું. તેઓ જે બોલ્યા તેનો સાર એટલો જ હતો કે “અમે લોકદૃષ્ટિએ। અલબત્ત, નિ:સંતાન જ છીએ; પણ જગતના બધા જ બાળકોમાં કોઈ પ્રકારના મોહ-માયાના આવરણમાં આવ્યા વગર અમે બધા જ બાળકોને અમારા બાળકોના રૂપમાં જ જોઈએ છીએ. વસુધૈવ કુટુમ્બકમની જેમ જ સમસ્ત બાળ જગતમાં જ અમે અમારું પોતાનું જ જગત જોઈએ છીએ અને માનશો નહિ પણ હકીકતમાં હવે તો અમે પોતે પણ બાળકો બની ગયા છીએ અને એક બીજાના સંતાન સમા બની એક બીજાને રમાડીએ છીએ, જમાડીએ છીએ, ગમાડીએ છીએ અને આ મોટી ઉંમરે એક બીજાને પીપર- ચોકલેટો -કેન્ડીઓ અને આઈસ્ક્રીમ સુદ્ધા પણ ખવડાવતા રહીએ છીએ. અમે પોતે જ બાળકો બની ગયા છીએ અને બાળકોની જેમ રહીએ છીએ, રમીએ છીએ, લડીએ-ઝગડીએ પણ છીએ અને પાછા એક બીજાને મનાવી પણ લઈએ છીએ. પોતે જ આમ હસતા -રમતા રહી પોતાના બાળકો બની જવાની મોજ-મસ્તી કાંઇ ઓર જ છે. એવી મોજમસ્તીની અનોખી દુનિયા તો માણનારા જ જાણે.” તીરે ઊભા જુએ તમાશા, તરનારા તો માણે જોને!”.

એક જ સત્ય હકીકત આપ સહુ સ્પષ્ટપણે જાણી લેજો કે અમે નિ:સંતાન નથી જ નથી, વસ્તુત: એક બીજાના સંતાનો બનીને અમારી મોજ મસ્તીમાં અમે ખુશ ખુશાલ રહીએ છીએ અને વિશ્વના બધા જ બાળકોમાં અમારા પોતાના જ પોતાના બાળકોને -અમને પોતાને જોઈએ છીએ. બાળકો સાથે આવવા માટે આપ સહુ કોઈને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ! બધા જ બાળકોને અમારા અંતરના આશીર્વાદ! અમે પોતે પણ અમારા આ બાળસ્વરૂપે આપ સહુના આશીર્વાદ જ ઇચ્છીએ છીએ.”

એક બીજાના સંતાન બની સુખદ સુખદ, દિવ્યતમ અને પ્રસન્ન પ્રસન્ન ધન્યતા અનુભવનારા આ નિ:સંતાન શ્રીધર-શ્રદ્ધાના આ શબ્દોએ સહુ કોઈને સ્તબ્ધ કરી દીધા.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama