ટાઢું ટબુકલું
ટાઢું ટબુકલું
આમ તો હર્ષલ સ્ટુન્ટ – વિસા પર જ આવ્યો હતો. બે વર્ષમાં ભણવાનું પૂરું થવાની તૈયારી જ હતી કે તેની અમેરિકા પરણેલી અને સિટિઝનશિપ લઇ લીધેલી માસીએ તેની મમ્મીને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરી તેડાવી લીધી. માતાએ આવીને એ સમયમાં એરપોર્ટ પર જ મળી જતા ગ્રીન કાર્ડના આધાર પર પુત્ર હર્ષલ અને બીજાત્રણ પુત્રો તેમ જ પતિ માટે પણ સ્પોન્સરશિપ પેપર્સ ફાઈલ કર્યા અને પછી તે પોતે તો પાછી ફરી. પતિને ભારતમાં સારી સરકારી નોકરી હોવાથી તેમ જ પોતે એકનો એક પુત્ર હોવાથી માતા- પિતાને છોડી વિદેશ દોડવાનો નામનો ય અભરખો નહોતો એટલે ન એ ગયા કે ન પત્ની પણ ફરી પાછી અમેરિકા ગઈ. એક પુત્ર હજી મેડિકલના છેલ્લા વર્ષમાં હોવાથી એ પણ ન જઈ શક્યો. બીજા બે પુત્રો જવાની તૈયારી કરવા લાગી ગયા. એ દરમ્યાન હર્ષલે આવી, લગ્ન કરી, પોતાની પ્રેમિકા પત્ની પ્રેરણાને સ્પોન્સર કરી, ત્યાં તેડાવી લીધી. તેને ત્યાં શરૂમાં તો નામનું પણ ન ગમ્યું. પહેલે જ દિવસે પતિ જોબ પર ગયો અને કહ્યું કે “હું ત્રણ કલાકમાં જ લંચ કરવા આવી જઈશ, કારણ કે સારા નસીબે જોબ દસ મિનિટના અંતરે જ છે.” પરંતુ એ ત્રણ કલાક માટે કાંડા ઘડિયાળ તરફ તેમ જ વોલ- કલોક પર નજર દોડાવી દોડાવી તે થાકી ગઈ, કંટાળી ગઈ, ત્રાસી ગઈ; પણ તોય ત્રણ કલાક ત્રણ ત્રણ યુગ જેવા બની સ્થિર અને સ્થાયી થઇ થંભી ગયા હોય તેમ તેને ક્ષણે ક્ષણે સતત અને એકધારું પ્રતીત થતું રહ્યું. અંતે ત્રણ કલાક પૂરા થતા જ હર્ષલ આવી ગયો અને તેની પ્રેમિકા પત્ની પ્રેરણા રડી પડી. ”મારે આવા દેશમાં રહેવું જ નથી. આટલી અને આવી એકલતા તો જીવનમાં પહેલી જ વાર જોઈ -અનુભવી. ચાલો પાછા ભારત પહોંચી ત્યાં સેટલ થઇ જઈએ. આપણો દેશ, આપણા લોકો, આપણું પોતાપણું એ બધામાં મન કેટલું ખુશખુશાલ રહે?”
હર્ષલે તેને શાંત કરતા સમજાવી : “શરૂ શરૂમાં એવું લાગે; પછી ફાવી જાય, ટેવાઈ જવાય. આ દેશમાં સુશિક્ષિત અને ડીઝર્વિંગ લોકોને જે તકો મળે છે -આગળ વધવાની એવી આપણા દેશમાં નથી મળતી.”
પ્રેરણા પ્રેમી પતિના આ સધિયારાથી કૈંક શાંત થઇ, કૈંક સમાહિત થઇ અને પોતા માટે પણ જોબ શોધતી થઇ ગઈ. એવામાં જ હર્ષલના બે નાના ભાઈઓ વિસા મળતા હર્ષલે મોકલાવેલી ટિકિટો પર આવી પહોંચ્યા. એક મેડિકલ પૂરું કરી,
એક વર્ષની રેસિડન્સી પણ પતાવીને આવ્યો હતો અને બીજો તે
ને મેડિકલમાં પ્રવેશ ન મળતા, બી.એસ.સી કરીને જ આવી ગયો હતો. એ બેઉને સાચવવા – સંભાળવા, પ્રેરણાએ નવો મળતો જોબ પણ ન લીધો. શનિ-રવિની રજાઓમાં તેમ જ ક્યારેક મળી જતી લોંગ વીક-એન્ડની રજાઓમાં ફરવાના સ્થળો જોવાનું પણ શરૂ કરી દીધું. આવેલ બેઉ ભાઈઓ પોતપોતાની જરૂરી એવી પરીક્ષાઓની પણ તૈયારી કરતા રહ્યા.
આવામાં અમેરિકાનો કપરો શિયાળો શરૂ થયો અને શરૂ શરૂમાં તો સ્નો જોઇને પ્રેરણા શિમલા ન જોયાનો અફસોસ ભૂલી સ્નોને જોવા-માણવા લાગી. એક વાર લાંબી રજાઓમાં ત્રણેય ભાઈઓ પણ જાડા જાડા ગોદડા જેવા સ્વેટરો- જેકેટો પહેરી પહેરી પ્રેરણા સાથે નાયગ્રા જોવા-ફરવા નિકળી પડ્યા. હજી તો પોતાના શહેરની સીમા બહાર પણ નહોતા નીકળ્યા ત્યાં તો એક સરોવર પાસે તેમની કાર, ઢગલાના ઢગલા વરસી
રહેલા સ્નોમાં, સ્કિડ થઇ ગઈ અને ચકરાવા ખાઈ, સીધી ઠંડા સરોવરમાં ગબડી પડી. મૃત્યુ નજર સામે દેખાવા લાગ્યું. નસીબે ઉપર ઉડતા એક હેલિકોપ્ટરે તેમને બચાવી લીધા અને હોસ્પિટલ પહોંચાડી નહિવત થયેલી ઈજાઓનો ઉપચાર કરી, તેમને બીજી રેન્ટલ કાર મંગાવી દઈ, તેમને ઘર ભેગા કર્યા. હર્ષલ બે અઢી વર્ષથી અહીં રહેતો હતો એટલે મનનો મજબૂત થઇ ગયેલો હોવાથી કાર ચલાવી શક્યો.
પરંતુ આ સ્નો-અકસ્માતના પરિણામસ્વરૂપ પ્રેરણાના મનમાં, હૈયામાં જે એક પ્રકારનો ભય અને ફોબિયા પ્રવેશી ગયો તે તો કાયમનો ઘર કરી ગયો. એ ફોબિયા એટલો તો અંતર્મનમાં પેસી ગયો કે આગળ જતા તેણે હર્ષલની સાથે દક્ષિણ તરફ, ટેક્સાસમાં બેઉ માટે કોઈ સરખો મનફાવતો જોબ શોધી કાઢી, હજારો હજારો માઈલ દૂરની કાર- જર્ની કરી તેઓ બેઉ ઓસ્ટિન શહેરમાં સેટલ થઇ ગયા. ત્યાં સુધીમાં આવેલ બેઉ ભાઈઓ માસી-માસાને ત્યાં રહી-રોકાઈ પોતાની પરીક્ષાઓ આપી દઈ સેટલ થઇ ગયા. આગળ જતા ન આવી શકેલ ચોથો ભાઈ પણ આવી પહોંચ્યો અને આ ત્રણેય ભાઈઓ આગળ જતા ત્યાં જ -નોર્થ ઇસ્ટમાં સપરિવાર સેટલ થઇ ગયા. તેઓ સ્નો અને ઠંડીને રહેતા રહેતા ટેવાઈ ગયા.
પણ સ્નોફોબિયાથી ત્રસ્ત પ્રેરણા તો ફેમિલી ગેટ- ટુ- ગેધર માટે પણ પતિ અને બાળકો સાથે તેમની તરફ ઉનાળામાં જ જાય અથવા બને તો પોતાની તરફ સહુને બોલાવે. તેને નાનપણમાં સાંભળેલી વાર્તા યાદ આવ્યા કરે, જેમાં કોઈ ડોશી બોલ્યા કરતી: "હું કોઇથી ના ડરું. ડરું તો બસ આએક ટાઢા ટબુકલાથી જ ડરું.”
(સત્ય વાર્તા)