એકની એક
એકની એક
શ્રેયા પોતે પણ માબાપની એકની એક દિકરી હતી અને તેને પણ સંતાનમાં જયારે મોડે મોડે એકની એક પુત્રી જન્મી, ત્યારે તે પારાવાર રાજી થઇ કે ‘વંશ’ને બદલે ‘અંશ’ બનીને આ લાડલી આવી છે, તો તેનું નામ અંશુમાંલા જ રાખવું છે. પતિ શ્રેયસનું તો હર હંમેશ શ્રેયા સાથે પરણ્યા પછી શ્રેય જ શ્રેય થતું રહેલું, એટલે એ તો શ્રેયાની દરેક વાતમાં રાજી થઈને હા પડનારો હોવાથી આ અંશુમાંલા તેણે હોંસે હોંસે વધાવી લીધું. અંતર એક જ હતું કે તે અંશુમાલા ને ‘અંશુ અંશુ’ કહેવા લાગ્યો અને તેને નાનપણથી ‘શ’ને બદલે ‘સ’ બોલવાની આદત પડી ગયેલી, એટલે તે ‘અંસુ અંસુ’ બોલી તેને વ્હાલ- પૂર્વક રમાડવા લાગ્યો, શ્રેયા તો પોતાની લાડકીને પૂરા નામથી ‘અંશુમાલા અંશુમાલા ‘કહીને જ પ્રેમે પ્રેમે રમાડ્યા કરતી.
એકની એક લાડકી દિકરીને પૂરા લાડ પ્યાર મળે, તે માટે પોષાય તેમ હોવા છતાંય તેણે ન બેબી- સીટર રાખી કે ન તો તેને ‘ડે કેર સેન્ટર’માં મૂકી. જોબ તો ટાઈમપાસ જ હતો તેના માટે પિતાના ધીકતા મોટલ બિઝનેસના એમ્પાયરમાં તે પાર્ટનર હતી. પતિ પણ ડોક્ટર હોવાથી તેની કમાણી પણ જોરદાર હતી. નાની છોકરી જેમ ઢીંગલી સાથે રમી રમી ખુશ ખુશ થયા કરે, પ્રસન્ન પ્રસન્ન રહ્યા કરે તેમ જ શ્રેયા અંશુમાલાને, પોતાની ડોલી જ સમજીને, રમાડ્યા કરે, જમાડ્યા કરે, બહાર બાગ-બગીચાઓમાં રમવા-રમાડવા જયા કરે, ઘરમાં પણ નિતનવા રમકડાઓ ખરીદતી રહી તે ઘરને પણ ડૉલ હાઉસ જ બનાવી દે.
તેનું ‘આઈક્યુ’ વધે, વધતું રહે તે માટે તેને એવી જ રમતો રમાડે, જરાક મોટી થઇ તો તેને ચેસ જેવી અઘરી રમત પણ શીખવાડી દીધી. મોંઘી એવી મોન્ટેસરી સ્કુલમાં દાખલ કરી તેને ભવિષ્યમાં મોટી ડોક્ટર બનાવવાના સપના જોવા-સેવવા લાગી ગઈ. પિતા શ્રેયસ તો દિકરી ’અંસુ’ને ડોક્ટર બનતી જોવા માટે વિશેષ આતુર-અધીર હતો. નાનપણથી જ તે આ એકની એક દીકરી માટે ડોક્ટર ગેઈમના સેટના સેટ અપાવ્યા કરે. ઘર મંદિરમાં દર રોજ ‘કાળા કાના’ની પૂજા-આરતી કરતી વખતે, બેઉ માબાપ હૃદયપૂર્વક પ્રભુને એક જ પ્રાર્થના કરે કે આ અમારી એકની દિકરીને ડોક્ટર જ બનાવજે.
બારમી ક્લાસ પાસ કરી જયારે તેણે સાત વર્ષનો ઇન્ટીગ્રેટેડ મેડીકલ કોર્સમાં એડમિશન લીધું, ત્યારે તો પતિ-પત્ની એટલા રાજી થયા કે દીકરીને લેક્સસ કાર ગિફ્ટમાં આપી. આગળ જતા તે એન્કોલ
ોજીની સ્પેશ્યાલિટીમાં જોડાઈ. તેમાં ડીગ્રી લીધા પછી ફેલોશિપ કરીને રીસર્ચ કરતી કરતી તે હવે ખાસ્સી મોટી થઇ ગઈ. અમેરિકામાં તો માબાપને પોતાના સંતાનોને પરણાવવામાં ગમે તેટલો રસ હોય તો ય અંતે તો એ જીવનસાથી શોધવાનો, પસંદ કરવાનો અને તેની સાથે પરણવાનો સર્વ હક સ્વાધીન તો તેમનો જ હોય, એ સત્ય અને વાસ્તવિકતા શ્રેયસ-શ્રેયા પૂરે પૂરી જાણતા હોવા છતાંય, મનથી તો તેઓ એ પ્રસંગ માટે ઉત્સુક-અધીર અને ઉતાવળા પણ થઇ રહ્યા હતા.
એકની એક દિકરી સારા સુયોગ્ય પાત્રને શોધી કાઢી પરણી જાય એટલે સંતોષ જ સંતોષ, શાંતિ જ શાંતિ અને આનંદ જ આનંદ એમ તેમનું હોંસીલું મન કહ્યા કરે.
પણ જે સુખદ સમાચારની તેઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ જયારે જાણ્યા ત્યારે તેમને બેઉને તમ્મર આવી ગયા. તેમની એકની એક લાડકી અંશુમાલાને કોઈ મુસ્લિમ આફ્રિકન બ્લેક ડોકટરે હીરાની વીંટી પહેરાવી પ્રપોઝ કરેલી અને તેને લઇ એ ઘરે પણ આવી. આવો અને આટલો કાળો જમાઈ તેમને યમદેવતા જેવો લાગ્યો. તે પણ એન્કોલોજીસ્ટ હતો અને અંશુએ હોંસથી કહ્યું: ”આ તો પ્યોર વેજીટેરિયન છે, મમ્મી -પપ્પા !”
પરંતુ તો ય આંખને ભડકાવનારું,નજરને અભડાવનારું, મનને ગભરાવનારું એ કાળ જેવું કાળું સ્વરૂપ તેમની આંખોમાં આંસૂ લાવી મૂકનાર પુરવાર થયું.
“કેમ રડો છો મમ્મી-પપ્પા ? આ તો પેલા ગાયન જેવો છે-હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલ વાલે હૈ !”
“ના,ના બેટા એ તો અમારા હર્ષાશ્રુ છે. તારા મેરેજની રાહ જોતી અમારી આંખો હરખથી છલકાઈ રહી છે.” શ્રેયાએ પોતાની એકની એક દિકરીનું મન રાખવા સગવડિયું અસત્ય બોલવાનું અપનાવી લીધું.
લગ્ન પણ સરસ થયા અને મેરેજ- રિસેપ્શન પણ શાનદાર થયું. નારાજ નાનાજી અને નાનીને પણ દીકરી જમીની જેમ જ મનમાં અંશુનો વર બ્લેક આફ્રિકન મુસ્લિમ છે એ અંટસ તો રહી જ ગયો.
પરંતુ આગળ જતા જયારે શ્રેયાને ગેલપિંગ સ્કિન કેન્સર થયું ત્યારે જે તન મનથી તેણે આ પોતાની સ્પેશ્યાલિટીના આધારે તેને સાજી સારી કરી દીધી ત્યારે તેની અને શ્રેયસની તેમ જ નાના-નાનીની પણ સમજની આંખો ખુલી ગઈ કે માણસની પરખ તેના બાહ્ય રંગ-રૂપથી નહિ, તેના ગુણ- ધર્મ થી જ થાય છે. તેમના માટે તેમની એકની એક દિકરી અંશુમાલાનો આ કાળો ડોક્ટર વર સાક્ષાત કાળો કાનુડા સમાન થઇ ગયો. (સત્ય કથા)