બ્રિજ પાર્ટી
બ્રિજ પાર્ટી
ફેમિલી રૂમમાં બ્રિજ પાર્ટી ચાલી રહી હતી. પુત્ર-પુત્રવધૂ અને બીજા ત્રણ કપલો પાર્ટનર બની, વારાફરતી, કાયમની જેમ બ્રિજની ગેમ રમી રહ્યા હશે. તેમ, વૃદ્ધ અને ત્રણ દિવસ પહેલા જ વિધુર બનેલા, દુ:ખી પરમાનંદે, પોતાના ડેક પર બનાવેલા, સ્પેશ્યલ હેન્ડીકેપ્ડ બેડરૂમમાં, પરાણે સૂવાનો પ્રયાસ કરતા કરતા, અનુમાન કર્યું.
પરમાનન્દને સ્ટ્રોકગ્રસ્ત પત્ની પવિત્રા યાદ આવી ગઈ. સામે જ તેનો, પોતે ભારતમાં આગોતરા જ બનાવી રાખેલો, મોટો હસતો લેમિનેટેડ ફોટો, તેની સામે જોઈ હસી રહ્યો હતો. પોતે તો તેની સામે અશ્રુ પ્લાવિત નેત્રે રડતો રડતો જ જોઈ રહ્યો હતો.
તેને કોણ જાને કેમ યાદ આવવા લાગ્યું કે ભારતમાં જયારે પોતાની માતાનું અવસાન થયેલું, ત્યારે પિતાજીને સૂનું ન લાગે, માતાના અભાવમાં એકલું ન લાગે, તે માટે પોતે તેમના બેડ રૂમમાં બે ત્રણ દિવસ નહિ, પૂરા ત્રણ મહિના સુધી સૂતેલો અને ત્રણ મહીને જયારે વરસી વાળવામાં આવી ત્યારે જ અને તે પણ પિતાના કહેવાથી જ પોતાના બેડ રૂમમાં સૂવા જવાનું શરૂ કરેલું.
અંધ પિતા તો જોઈ શકે તેમ પણ નહોતા. ચુપચાપ થોડી વાર પછી, પિતા સૂઈ ગયા બાદ, તે પોતાના બેડરૂમમાં જઈ શક્યો હોત; પણ તે પોતે, પોતાનું મન, પોતાની ધામમાં પહોંચેલી વહાલી માતાનો આત્મા તો જોતો હોય ને? એવા જ સાત્વિક વિચારોમાં ડૂબેલો, એ સવાર સુધી પિતાના પૂજા- કમ બેડરૂમમાં જ સૂતેલો રહેતો. તેમને સારી શાંતિપૂર્ણ ઊંઘ આવે, તે માટે, માતા-પિતાને કાયમ વહાલી રહેલી ડોંગરે મહારાજની ભાગવત કથા વાંચીને જ સૂતો. પિતા શાંતિથી બિલકુલ નિદ્રસ્થ થઇ જઈ તેમની કાયમી આદત પ્રમાણે, નસકોરા બોલાવવાનું શરૂ કરે તે પછી જ પોતે ભાગવતને પ્રણામ કરી, માતાના ફોટાને દૂરથી પ્રણામ કરી, પિતાના ચરણ સ્પર્શ કરીને જ, અંતે પ્રભુ -સ્મરણ કરીને સૂતો. બા હતા ત્યાં સુધી તો બાપુજીના ચા-નાસ્તાનું ધ્યાન તેઓ જ રાખતા; પણ હવે સવારની બાપુજીને ભાવે એવી કડક મીઠી ચા બનાવવાનું કામ પોતે હોંશે હોંશે ચીવટથી તેમ જ ગરમ ગરમ કડક ભાખરી કે થેપલા બનાવવાનું કામ પત્ની ત્રિવેણી ઉમંગભેર કરતી થઇ જતા, બાપુજીને શાંતિ હતી, ખુશી જ ખુશી હતી. સવારે પહેલા બા બ્રશ-પાણી કરાવતા, તે હવે પોતે જ કરાવવા લાગી ગયેલો. પોતે નિવૃત્ત શિક્ષક હોવાથી નવરાશ તો પુષ્કળ મળી જ જતી.
માતા જેમ ઈચ્છા મૃત્યુને વરી, ગીતાજીનો પંદરમો અધ્યાય પતિ તેમ જ પુત્ર-પુત્રવધૂના કંઠે
સાંભળતી સંભારતી ધામમાં ગયેલી, તે જ પ્રમાણે બાપુજી પણ ગીતાના શ્લોક પોતે જાતે, મનમાં બોલતા બોલતા, “ઊભી રહેજે આવું છું” એવું વિચારતા-કહેતા, બાની પાછળ છ મહિનામાં જ ધામમાં ગયેલા, એ પણ તેને યાદ આવવા લાગ્યું.
“કાશ, મને પણ છ મહિનામાં આવું સદભાગ્ય પ્રાપ્ત થાય” એવું વિચારતા વિચારતા તેને બરાબર યાદ આવવા લાગ્યું કે પોતે ત્રિવેણી સાથે, ડોક્ટર પુત્ર-પુત્રવધૂને સહાયભૂત થવા, કેવળ માત્ર તેમનો વંશ- વૃદ્ધિનો પ્રસંગ સાચવવા માટે જ, અમેરિકા આવ્યા અને પ્રસંગ સચવાયા બાદ, ત્રિવેણીને સ્ટ્રોક આવતા તે અને પોતે અમેરિકા ખાતે સ્ટક થઇ ગયા. ભારતનો ફ્લેટ વેચી દેવો પડ્યો અને તે રકમથી પુત્રે અત્રે ડેક પર સ્પેશ્યલ સરસમઝાનો હેન્ડીકેપ્ડ બેડરૂમ બનાવડાવી દીધો. વોકરના સહારે ચાલતી પત્ની તો ઉપરનો બુલાવો આવતા શાંતિપૂર્વક હસતા મોંઢે, ચૂડી અને ચાંદલા સાથે, અખંડ સૌભાગ્યવતી સ્વરૂપે સ્વર્ગે સિધાવી. એ તો ગઈ સ્વર્ગે; પણ પોતે તદ્દન વિરોધાભાસ સમાન લગતા અમેરિકામાં ક્યાં સુધી સબડતો જ રહેવાનો એ તે સમજી ન શક્યો.
બાળકને સાચવવા તેમ જ ઘરકામ સંભાળવા પુત્ર-પુત્રવધૂને બેબી સીટર કમ કૂક મળી જતા તેમને એ બાબત તો શાંતિ જ હતી અને પોતે પણ પરધીનાતામાં ય સ્વધીનાતાનો અનુભવ મેળવતા રહેવાને અભ્યસ્ત થવાના પ્રયત્નમાં મંડી પડ્યો હતો.
પણ તેને આ બ્રિજ પાર્ટી થતી જોઈ દુખ થયું, આઘાત લાગ્યો, આંચકો પણ લાગ્યો. ત્રણ જ દિવસમાં બારમું, તેરમું અને વરસી સુદ્ધા વળી દેવાનું કાર્ય, મંદિરના સગવડિયા શાસ્ત્રીજીએ સંપન્ન કરી દેતા, એક પ્રકારનો હાશકારો, છુટકારો અનુભવતા પુત્ર-પુત્રવધૂ, બ્રિજ પાર્ટીમાં દુ:ખ ભૂલાય અને દુ:ખ ભૂલવું જરૂરી છે, એવો લોજીકલ, પ્રેક્ટિકલ સગવડિયો તર્ક પ્રસ્તુત કરી કાયમની જેમ, શનિવારની બ્રિજ પાર્ટી રાબેતા મુજબ યોજી જ દીધી. પરમાનંદ પોતે પણ આવો જ મનને સમજાવતો- મનાવતો તર્ક, પરાણે શાંતિથી વિચારવા લાગ્યો: "આવડા મોટા વિશ્વમાં હર કોઈ ભિન્ન હોઈ શકે. કોઈ વિશ્વવંદ્ય વિભૂતિ ઘરમાં થયેલ વડીલના મૃત્યુ બાદ એ દુ:ખ, પત્નીના સહવાસમાં જ ભૂલી શકે એ તો તે મહાત્માની આત્મકથા જ કહે છે, તો આ પુત્ર-પુત્રવધૂ બ્રિજ પાર્ટી યોજે તેમાં ખોટું શું? કુટુંબનો પારસ્પરિક બ્રિજ તૂટે નહિ એ જ જોવાનું, જોતા રહેવાનું જ, પોતાનું ઉત્તરદાયિત્વ છે, એ સમજ સૂતા સૂતા આવી ગઈ અને સ્વર્ગસ્થ માતા-પિતા અને પત્નીને યાદ કરતા કરતા પરાધીન પરમાનંદ નિદ્રાને અધીન થઇ ગયા.
(સમાપ્ત)