ચારધામ યાત્રા
ચારધામ યાત્રા
ચારે ય પુત્ર- પુત્રવધૂ અને બેઉ પુત્રી-જમાઈ ચાર ધામની જાત્રા માટે બહુ મોટા પાયે તૈયારી કરી રહ્યા હતા અને તેમની સાથે તેમના મિત્રો પાડોશીઓ અને સગા સંબંધીઓ પણ જોડાવાના હોવાથી તેમના ઉત્સાહ-ઉમંગનો કોઈ પાર ન હતો. સહુના બાળકો આવી ધર્મયાત્રામાં જોડાવા કરતા તેમની સ્કુલ તરફથી ગોઠવાયેલી સંપૂર્ણ રાજસ્થાનની ગ્રાન્ડ રોયલ ટૂરમાં જોડાવાના હતા.
આવતી કાલે તો તેમને સહુને પોતપોતાના સમયે રવાના થવાની તૈયારી કરવાની હતી. નિવૃત્ત શિક્ષક માતાપિતા દલસુખભાઈ અને દક્ષાબહેન આવી યાત્રા અગાઉ કરી ચૂકેલા હોવાથી, આ મોટી ઉમરે ફરી યાતના જેવી યાત્રામાં જોડાવા બિલકુલ તૈયાર ન હતા. અનુભવે તેઓ સમજી ગયેલા કે તન મન ભાંગી ભાંગી આવી યાતના-યાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ભગવાન મનમાં જ છે, હરહંમેશ સાથે જ સાથે છે અને જીવન યાત્રાનો આનંદ તો ઘરબેઠા જ ‘ધન્યો ગૃહથાશ્રમ:’નો સાચો ઊંડો અનુભવ કરવા-માણવામાં જ છે એવું તેઓ દૃઢતાપૂર્વક માનતા થઇ ગયેલા એટલે તેમના મનમાં તો સંપૂર્ણ શાંતિ જ શાંતિ હતી.
બીજા દિવસે સવારના પહોરમાં પહેલા સંપૂર્ણ રાજસ્થાનની ટૂરમાં જોડાનારા બાળકો રવાના થયા. પછી ચાર ધામની યાત્રા માટે રવાના થનાર સહુ કોઈ માતા પિતાને વારાફરતી પ્રણામ કરવા લાગ્યા તો અંતમાં નાનો પુત્ર-પુત્રવધૂ ચરણ સ્પર્શ કરવા જતા જ હતા કે પિતા,
ભાવાવેશમાં તેમને ભેટવા જતા, સંતુલન ગુમાવી ગબડી પડ્યા અને બેભાન થઇ ગયા. તરત જ બાજુમાં રહેનાર ડોક્ટરને બોલાવી લીધા તો તેમણે “ચિંતા કરવા જેવું કાંઈ નથી” કહી દિલાસો આપ્યો. ”અમે બેઉ ડોક્ટર પતિ-પત્ની બાજુમાં જ છીએ એટલે તેમની જવાબદારી અમારી જ સમજો. તમે સહુ શાંતિથી નિરાંતે ચાર ધામની યાત્રા કરી આવો. આવી ધર્મયાત્રાનું પુણ્ય કમાઈ આવો. બાકી આવા સારા કામમાં સો વિઘન તો અનાયાસે અકસ્માતથી આવી પણ જાય. પરંતુ હાલ તો ચિંતા કરવા જેવું જરાય નથી.”
માતા રડવા લાગી ગઈ અને બોલી: “હા, ધર્મયાત્રા પૂરી કરી આવો. પ્રભુ સહુ સારા વાના કરશે।” પિતાએ પણ આંખો ખોલી આશીર્વાદ આપ્યા. ”તમારી યાત્રા સફળ અને સુખદ હો”.
પરંતુ નાના દીકરા-વહુને માતાપિતાની માયા બહુ હોવાથી તેઓ બેઉ બોલી ઊઠ્યા:” ધર્મયાત્રા કરતા યાત્રાધર્મ અને તે પણ જીવનયાત્રાધર્મ અમારા માટે અતિ મહત્વનો મુદ્દો છે. અમે નાના છીએ એટલે આટલી લાંબી જિંદગીમાં ક્યારેય ભવિષ્યમાં આ ધર્મલાભ લઈશકીશું. અત્યારે તો અમને હૃદયપૂર્વક લાગે છે કે અમારે રોકાઈ જ જવું જોઈએ કારણ કે “ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. ”
અને નાનો દીકરો-વહુ ધર્મયાત્રા કરતા યાત્રાધર્મ-જીવનયાત્રાધર્મનું પાલન કરવા રોકાઈ ગયા. માતાપિતાની આંખોમાંની હર્શાશ્રુની ગંગા-યમુના વહેવા લાગી.