સાચો ભગવાન
સાચો ભગવાન
જતીન અને જસ્મિન રોજની જેમ કાંકરિયા તરફ વોકિંગ કરવા નીકળી પડ્યા. હજી તો થોડુક ચાલ્યા ન ચાલ્યા ત્યાં તો જતીનને શ્વાસ ચડવા લાગ્યો અને તે છાતી પર હાથ દબાવી, જે પણ પહેલો દેખાયો એ બેંચ પર બેસી ગયો. જસ્મિને પૂછ્યું: "શું થાય છે?” તો પોતાના રમૂજી સ્વભાવ પ્રમાણે બોલ્યો: "બુલાવા આ રહા હૈ. વર્ષોનું બ્લડ પ્રેશર અને ડાયાબીટિસ, હવે મારો ટાઈમ આવી રહ્યો છે, એટલે કુદરતના કાનૂન પ્રમાણે, પોતાના ફાયનલ રંગ દેખાડતા લાગે છે." જસ્મિન સમજી ગઈ કે આ જતીન ભલે રમૂજમાં બોલે; ચોક્કસ આ હાર્ટ -અટેકની જ નિશાની છે. તરત જ તેણે પોતાના ભાડુત એવા પાડોશી ડોક્ટર શાહને મોબાઈલ ફોન પર અર્જન્ટ કોલ કરી જણાવ્યું કે “જતીનને શ્વાસ ચડતા, બેસી જવું પડ્યું છે અને તેને મજા નથી. અમે રિક્ષા કરી ઘરે પાછા આવીએ જ છીએ. તમે ચેક કરી લો બ્લડ પ્રેશર વી., એટલે અમને શાંતિ અને ધરપત થાય..”
“ડોન્ટ વરી. હું પોતે જ મારી બેગ લઈને રિક્ષા લઈને આવી જાઉં છું. મને લાગે છે કે કદાચ તેને અર્જન્ટ હોસ્પિટલ લઇ જવા પડશે.”
આ સાંભળી જસ્મિન ગભરાઈ ગઈ. પરાણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી જોયો; પણ તોય સવારના ખુશનમા લહેરાતા ઠંડા પવનમાં ય તેના ચહેરા પર પરસેવો અને આંખોમાં અશ્રુબિંદુ આવું આવું કરવા લાગ્યા.
આંખો બંધ કરીને બેઠેલા જતીનને ડોક્ટર શાહના અવાજ અને સ્પર્શનો અનુભવ થતા જ શાંતિ થઇ. ફેમિલી ડોક્ટરની હાજરી તો ક્યારેક ભગવાનની ખોટ પૂરી પાડે છે તેનો તેને અને તેના કરતા વધારે તો જસ્મિનને તેનો અનુભવ થવા લાગ્યો.
બેંચ પર બેસી જતીનનું બ્લડ પ્રેશર જોયું, પલ્સ જોયા, આંખો જોઈ અને તરત જ તેમણે રિક્ષાવાળાને બોલાવી, તેના મજબૂત હાથોમાં જતીનનો હાથ સોંપી, પોતે વોકરના સહારે, જસ્મિન સાથે રિક્ષા સુધી પહોંચી, પોતાના અને જસ્મિનની વચ્ચે જતીનને બેસાડી પોતાનું વોકર તેમ જ પોતાની ડોકટરી બેગ સાચવવાનું કામ રિક્ષાવાળાને સોંપ્યું. એમ્બ્યુલન્સ બોલાવવામાં સમય ગુમાવવો તેમને વ્યર્થ લાગ્યું.
“લઇ લે સેટેલાઈટ હાર્ટ હોસ્પિટલમાં. ટ્રાફિક ઓછો છે, ઝડપથી અમને પહોંચાડી દે.” ડૉ .શાહ ઘડિયાળ સામે જોઈ રહ્યા હતા. મણિનગરથી પહોંચતા વાર તો લાગવાની જ હતી, એ વાસ્તવિકતા ત્રણેય બરાબર સમજતા હતા. પણ રિક્ષાવાળાની ઝડપ જ અત્યારે તો તેમને હિંમત અને સહારો આપી રહી હતી.
હોસ્પિટલ આવતા પહેલા જ મોબાઈલ પર ફોન કરી સ્ટ્રેચર તૈયાર રાખવાની સૂચના અપાઈ ગઈ હતી અને પોતાના હાર્ટ સ્પેશ્યાલિસ્ટ મિત્રને પણ ડૉ.શાહે કેસ સમજાવી દીધો હતો. જસ્મીન તો મનોમન પ્રભુને પ્રાર્થના કરી રહી હતી "રક્ષા કરો….રક્ષા કરો."
હ
ોસ્પિટલ પહોંચતા જ તૈયાર સ્ટ્રેચરમાં નર્સ અને વોર્ડબોય જતીનને અંદર લઇ ગયા અને વોકર તથા પોતાની બેગ લઇ રિક્ષાવાળાને પૂરા સો રૂપિયાની નોટ આપી “દુઆ કરના ચાચા” કહી જસ્મિન સાથે ડોક્ટર શાહ વોકરના સહારે બનતી ઝડપે લિફ્ટમાં ઉપર ગયા. તુર્ત જ એન્જિયોગ્રાફી કરવામાં આવી અને ત્રણ ત્રણ આર્ટરીઓ બ્લોક થયેલી જોઈ અર્જન્ટ બાયપાસ સર્જરીની તૈયારી શરૂ કરી દેવામાં આવી.
ડૉ.શાહ પોતાનું વોકર દિવાલના ટેકે મૂકી જસ્મિનને સધિયારો આપતા રહ્યા: "આ મારો દોસ્ત સો ટકા સફળ હાર્ટ સર્જરી કરનારો છે. ડોન્ટ વરી એટ ઓલ. અમે કલાસમેટ હતા અને ત્યારથી જ જીગરી મિત્રો છીએ.”
જસ્મીન વિચારવા લાગી કે “ડોક્ટર શાહ આમ તો પોતાના ભાડૂત અને પાડોશી જ; પણ કેવા કામ લાગી ગયા? સગા પણ ન કરી શકે એવું પોતે હેન્ડીકેપ્ડ હોવા છતાંય વોકરના સહારે, તાત્કાલિક રિક્ષા લઈને આમ દોડી આવીને, જતીનને બચાવવાનું ભગીરથ કાર્ય પાડોશી દાવે, પાડોશી ધર્મે કરીને જ રહ્યા”.
જયારે સર્જને બહાર આવી “સર્જરી સફળ થઇ છે અને ધી પેશન્ટ ઈઝ ઓ.કે.” કહ્યું, ત્યારે તે હાર્ટસર્જનનો આભાર માનતા પહેલા પોતાના પાડોશી, ડૉ,શાહનો જ, પોતાની રડતી આંખે અને પોતાના ધ્રુજતા- કાંપતા સ્વરે જસ્મિને હ્રુદયપૂર્વક આભાર માન્યો.
“પહેલા સગા પાડોશી …..અને અમારું તો કોઈ સગું અહીં છે પણ નહિ. બધા જ અમેરિકા છે. તમે તો શાહ સાહેબ વોકરના સહારે પણ અમને આજે બહુ ભારે જબરો સહારો આપ્યો છે. મારી પાસે શબ્દો નથી તમારો આભાર માનવા માટે.”
ત્યારે ડૉ.શાહ બોલ્યા: "તમે તો બોલતા જ નહિ વધારે. અમને ઘર ભાડે આપીને તો તમે અમને આભારી બનાવ્યા જ હતા; પણ જયારે મને સ્ટ્રોક આવ્યો ત્યારે તાત્કાલિક એમ્બુલન્સ મંગાવી મને હોસ્પિટલ પહોંચાડી મારી જાન બચાવનાર તમે લોકો જ હતા કે કોઈ બીજા?
ડોક્ટરને પણ સ્ટ્રોક આવે અને તેને ડોક્ટર બચાવે તે પહેલા તેને હોસ્પિટલ તાબડતોબ પહોંચાડે, તેને જ અમે ડોકટરો પણ સેવિયર કહીએ. અને આ ઓછું હોય તેમ બચી જઈ, થેરાપી કરીને હું જયારે ઘરે આવ્યો ત્યારે મને સીડી ચડવાનું ફાવે તેમ ન હોવાથી, તમે ઉપર રહેવા ચાલ્યા ગયા અને અમને નીચે રહેવાની જેમની તેમ તાત્કાલિક ઝડપી વ્યવસ્થા કરી દીધી, એ તો અમે કોઈ જન્મારે ભૂલી શકીએ તેમ નથી. અમારા પણ સંતાનો તમારા સંતાનોની જેમ જ વિદેશવાસી છે, એટલે આપણે તો પાડોશી જ પહેલા સગા એ જાણ્યું તેમ જ માણ્યું પણ છે. બાકી તો સારા પાડોશી જ પ્રભુની ગરજ સારે છે."… અને ત્યાં તો ડોક્ટર શાહના પત્ની જમવાનું ટિફિન, ચાનો થર્મોસ ફળોનું બાસ્કેટ અને પુષ્પોનો ગુચ્છો લઈને આવી ગયા. જસ્મિને માની લીધું કે સારો પાડોશી જ સાચો ભગવાન છે.
(સત્ય કથા)