અહેસાસ
અહેસાસ
ઊંચી ટેકરી પર ઉભેલી અંકિતાએ નીચે વહી રહેલી નદીના ધસમસતા પ્રવાહ તરફ જોયું. બસ એક છલાંગ અને તેની સર્વ વ્યાધિ અને ઉપાધિઓનો આજે અંત આવવાનો હતો. અંકિતાએ આંખો મીંચી તેના બાળપણના મિત્ર રાહુલને યાદ કર્યો. રાહુલ અને અંકિતા એકબીજાને દિલોજાનથી પ્રેમ કરતા હતા. રાહુલ પરિસ્થિતિએ ગરીબ પણ દિલથી અમીર હતો. જોકે અંકિતાના શ્રીમંત માતાપિતાને રાહુલના દિલની અમીરી કરતા તેની ફકીરી વધારે ખૂંચતી હતી. અંકિતાના માતાપિતાને જ્યારે તેમના પ્રેમ પ્રકરણની જાણ થઈ ત્યારે તેમણે અંકિતાના લગ્ન બીજે ગોઠવી દીધા હતા. અંકિતાએ આ વાતનો ખૂબ વિરોધ કર્યો પરંતુ તેના માતાપિતાએ તેની કોઈ વાત સાંભળી નહીં. આખરે અકળાઈને અંકિતાએ આત્મહત્યાનો નિર્ણય લીધો હતો. પોતાના નિર્ણયને અમલમાં લાવવા એ આજે રાતે આ ટેકરી પર આવી હતી. મનોમન ઈશ્વરને સ્મરણ કરી તે છલાંગ લગાવવા જઈ જ રહી હતી ત્યાં કોઈકે તેનો હાથ પકડ્યો. ચોંકીને અંકિતાએ પાછળ વળીને જોયું તો તે અચંબિત થઇ ગઈ. તેનો હાથ રાહુલે પકડ્યો હતો.
રાહુલે ક્રોધિત સ્વરે કહ્યું, “અંકિતા, તું આ શું કરવા જઈ રહી હતી ?"
અંકિતા રાહુલને ભેટી પડતા બોલી, "રાહુલ, હું તારા વગર એક પળ પણ જીવી શકતી નથી. મને મરી જવા દે..."
રાહુલે શાંત સ્વરે કહ્યું, "અંકિતા, શું આત્મહત્યા કરી લેવાથી તું મને પામી શકીશ ? આમ જીવનમાં આવતા પડકારોથી નાસીપાસ થવું એ કોઈ સમસ્યાનો હલ નથી. જરા તો વિચાર કર કે તારા આ અવિચારી પગલાં બાદ તારા માતાપિતાને કેટલો આઘાત પહોંચશે.”
અંકિતા બોલી, "પણ હું તારા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરવા માંગતી નથી..."
રાહુલ બોલ્યો, "અશક્ય બાબતોને પામવાની ઘેલછા રાખવી નરી મૂર્ખતા છે. અંકિતા સ્વાનુભવે કહું છું કે આત્મહત્યા કરવામાં કોઈ મજા નથી. ચાલ ઘરે જા. તારા માતાપિતા ચિંતિત થતા હશે. ઘરે જઈ લગ્નની તૈયારીઓ કરવા માંડ અને હા હું જયારે તને લગ્નમં
ડપ મળવા આવીશ ત્યારે મને તારો ચહેરો હસતો જોઈએ."
અંકિતા રડમસ સ્વરે બોલી, "રાહુલ, શું તું મારા લગ્નમાં આવવાનો છે ?"
રાહુલે મુસ્કુરાઈને કહ્યું, "ચોક્કસ આવવાનો છું પરંતુ તું તારા આ ગરીબ દોસ્તને ઓળખીશ તો ખરીને ?"
અંકિતાએ આંખમાં આવેલા અશ્રુઓને લૂછતા લૂછતા કહ્યું, “મારા પહેલા પ્રેમને હું કેવી રીતે ભૂલી શકીશ."
લગ્નના દિવસે અંકિતા રાહુલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી પરંતુ તે હજુ સુધી આવ્યો નહોતો. આખરે તેણે હિંમત કરીને રાહુલને ફોન જોડ્યો...
બે ત્રણ વાર રિંગ વાગ્યા બાદ સામે છેડેથી એક સ્ત્રી સ્વર સંભળાયો, "કોણ ?"
અંકિતા રાહુલની માતા યશોદાબેનનો અવાજ ઓળખી જતા બોલી, "આંટી, હું અંકિતા બોલું છું. આજે રાહુલ મારા લગ્નમાં આવવાનો હતો પરંતુ હજુસુધી એ આવ્યો નથી. તેને ફોન આપોને..."
રાહુલની મમ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડી
અંકિતા, "શું થયું આંટી ?"
યશોદાબેન બોલ્યા, “બેટા, શું તને ખબર નથી ? રાહુલે થોડાક દિવસ પહેલા જ નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.."
અંકિતાના હાથમાંથી મોબાઈલ નીચે ભોંય પર છટકી પડ્યો. તેને રાહુલે કહેલું વાક્ય યાદ આવ્યું, “અંકિતા સ્વાનુભવે કહું છું કે આત્મહત્યા કરવામાં કોઈ મજા નથી “
તેની છાતીમાં પીડા થવા લાગી. ત્યાં "કન્યાને મંડપમાં લઈ આવો" ગૌર મહારાજના આદેશ સાથે લગ્નના મંડપ તરફ જવા અંકિતા યંત્રવત પગથીયા ઉતરવા માંડી. ઓચિંતી આવેલી એક હવાની લહેરખીથી તેની તંદ્રા તૂટી તેણે સહેજ નમીને જોયું તો તેના પગ નીચેથી ધરતી હલી ગઈ ! પગથીયા પર તેલ પડેલું હતું ! જો તેણે એક પગલું પણ આગળ વધાર્યું હોત તો એ તેના પરથી લપસીને નીચે ગબડી પડી હોત. તે કપાળે બાઝેલા પરસેવાને લુછવા જતી જ હતી ત્યાં હવાની બીજી એક લહેરખી આવી અને અંકિતાને કરવાતી ગઈ તેના પહેલા પ્રેમની હાજરીનો અહેસાસ.