અેક ભૂલ
અેક ભૂલ
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલાં કોરોનાના કહેરે આખા વિશ્વને હચમચાવી નાંખ્યું. કયાંક લોકોના આક્રંદ દેખાયા તો કયાંક માનવતાના દર્શન થયાં ! કેટલાક સ્વજનો સ્વાર્થી બન્યાં તો કેટલાક પારકાં પણ દિવસ રાત લોકો માટે મહેનત કરનારા ફરિશ્તા બન્યા. કોરોના વાયરસ જેટલો દર્દીને નુકસાન ન'હતો પહોંચાડતો એનાથી વધુ લોકોની માનસિકતા અસર કરતી હતી !
મારી સાથે નોકરી કરતાં બે મિત્રોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોએટલે મને પણ મારો રિપોર્ટ કરાવી લેવાનું યોગ્ય લાગ્યું. મેં મારી પત્ની રીતુને ફોન કરીને જાણ કરી કે મને ઘરે આવતા મોડું થશે તથા મને જીવથી પણ વહાલી એવી મારી પ્રેમિકા પ્રિયાને પણ કોલ કર્યો.
"પ્રિયા સાંભળ, હું સિવિલ હોસ્પિટલની બહાર છું તું જલદી આવી જા. આજે તને જોઈ નથી એટલે મગજ કામ નથી કરતું.
"ઓ.કે. લવ યુ ડાર્લિંગ અને હા.. પછી આજે આપણે જવાનું છે. ઓ.કે. જલદી આવ બેટા."
પ્રિયા સાથે ઘણી બધી રોમેન્ટિક વાતો કરીને મારો જાણે કે થાક ઉતરી ગયો. ચેકઅપ કર્યા બાદ થોડી વારે મારો રિપોર્ટ આવ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો ! હું દવા લેવા ગયો ત્યાં જ પ્રિયા સામે આવી. મારો પોઝિટિવ રિપોર્ટ જોઈ તેનું વર્તન એકદમ જ બદલાઇ ગયું. તબિયત સાચવવાનું કહી તે ત્યાંથી નીકળી ગઈ. મારી આંખોમાંથી નીકળેલા આંસુનું એક ટીપું એ કોરોના પોઝિટિવ રિપોર્ટ પર પડયું !
મેં મારા ઘરે જાણ કરી. મારી પત્નીની આંખોમાં આંસુ હતા છતાં તેણે સમગ્ર પરિસ્થિતિને સાચવી લીધી. રીતુએ મારા માટે ઉપર અલગ રૂમમાં શકય તમામ વસ્તુઓની વ્યવસ્થા કરી દીધી. આજુબાજુના લોકોને જાણ થતાં તેઓ કોઈ આતંકવાદીને જોયો હોય એમ દૂર ભાગવાં લાગ્યાં. સાંજે મારા ઘરની બહાર કોરોનાનું બોર્ડ સરકારી ગાડી આવીને લગાવી ગઈ. મારી, મમ્મી-પપ્પાની તથા મારા દીકરાની જવાબદારી મારી પત્ની રીતુ ઉપર આવી ગઈ.
રીતુ મને વારંવાર ફોન કરી જરૂરી તમામ સગવડો પૂરી પાડવા લાગી પણ મારું મન તો પ્રિયા સાથે વાત કરવા માટે બેચેન હતું. થોડીવાર પછી પ્રિયાનો મેસેજ આવ્યો અને મેં કલાકો સુધી પ્રિયા સાથે વાતો કરી. મને તો જાણે પ્રિયા સાથે ગમે ત્યારે વાત કરવાનો અવસર મળ્યો હોય એવું લાગ્યું.
પ્રેમીઓ માટે તો તેનું પ્રિય પાત્ર જ દવાનું કામ કરતું હોય છે ! મને હંમેશા એ વાતનો અફસોસ રહેતો હતો કે પ્રિયા મને રીતુ સાથે મેં લગ્ન કર્યા એ પહેલાં કેમ ના મળી ? હું અને પ્રિયા બંને સાથે નોકરી કરીએ છીએ. પ્રિયા ખૂબ જ સુંદર તથા સ્માર્ટ યુવતી છે. વળી, અમારા વિચારોની સમાનતા અમને અેકબીજાની નજીક લાવતી ગઈ.
રીતુ સાથે મારા લગ્નને છ વર્ષ થયા હતા અને અમારો એક દીકરો પણ છે. જીવન ઠીક ચાલી રહ્યું હતું પણ આ જીવનમાં મધુરતા તો પ્રિયાના આવ્યા બાદ જ આવી. મિત્રતાથી શરૂ થયેલો સંબંધ બે વર્ષમાં બધી જ મર્યાદાઓ ઓળંગી ગયો. અમે એકબીજાને એકાંતમાં મળતાં તથા એકબીજાની તમામ ઈચ્છા તથા જરૂરિયાતો પણ પૂરી કરતાં. છેલ્લા થોડા સમયથી તો હું રીતુથી ડિવોર્સ લઈ પ્રિયા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો.
આજે મારી પ્રિયા સાથે હોટેલમાં તથા વકીલને મળવા જવાનું હતું ત્યાંજ કોરોનાનો રિપોર્ટ આવ્યો અને મારે હોમ આઈસોલેશનમાં રહેવું પડ્યું. મન પ્રિયાના વિચારોમાં ખોવાયેલું હતું અને રીતુ મને નાસ લેવા માટેનું ગરમ પાણી, ઉકાળો, દવા, ફળો તથા જરૂરી સામગ્રી આપી ગઈ.
બીજા દિવસે મને થોડો તાવ આવ્યો અને ત્રીજા દિવસે તો મારી હાલત થોડી વધારે ગંભીર જણાતા રીતુ મને દવાખાને લઈ ગઈ. મારું ઓક્સિજન લેવલ વધુ ઘટતાં ડૉક્ટરોએ દાખલ કરવાની સલાહ આપી. મને પણ હવે ચિંતા થઈ. રીતુ પોતાની ચિંતા કર્યા વગર આખો દિવસ મારી સાથે હોસ્પિટલમાં રહેવા લાગી જયારે પ્રિયાએ તો મારી સાથે વાત કરવાનું પણ એકદમ ઓછું કરી દીધું. મારી હાલત વધારે કફોડી થતી ગઈ. ડોક્ટર મને બચાવવાના શક્ય તમામ પ્રયત્નો કરવા લાગ્યાં. મને પણ હવે મૃત્યુ દરેક ક્ષણ નજીક આવતું લાગ્યું. રીતુ સાથે છૂટાછેડા લઇ પ્રિયા સાથે લગ્નજીવનના સપના હું જોતો હતો પરંતુ થોડા જ દિવસમાં મારી દુનિયા બદલાઈ ગઈ.
મારી હાલતમાં સુધારો નહીં થતા ડોક્ટરોએ પણ આશા છોડી દીધી પરંતુ મારો પરિવાર અને રીતુ મને બચાવવાનો શક્ય પ્રયત્ન કરવા લાગ્યાં. રીતુએ પોતાના બધા જ ઘરેણાં મારી સારવાર માટે વેચી દીધા. મૃત્યુંની નજીક આવ્યો ત્યારે મને મારી ભૂલ સમજાઈ. સીતા જેવી પત્નીને છોડી પ્રિયા જેવી લાલચુ પ્રેમિકા પાછળ મેં મારો સમય તથા પૈસા વેડફ્યાં. છેલ્લા બે વર્ષથી રીતુને છેતરતો રહ્યો. મારી આંખો સામે મારા જીવન મોટી અક્ષમ્ય ભૂલ તરવરવા લાગી.
રીતુની પ્રાર્થના ઈશ્વરે સાંભળી હોય એમ બે મહિના બાદ હું હોસ્પિટલેથી ઘરે પરત આવ્યો. મારી હાલતમાં થોડો સુધારો આવતા મેં ફરીથી નોકરી ચાલુ કરી. પ્રિયાએ મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું પરંતુ મેં એની સાથેના બધા જ સંબંધો તોડી દીધા.
હવે, મારા માટે રીતુ જ મારું જીવન છે. બધાના માટે કદાચ કોરોનાનો અનુભવ ખરાબ હોઇ શકે પરંતુ મારા માટે તો મને થયેલા કોરોનાએ મને મારી ભૂલ સમજાવી તથા કોણ પારકું અને કોણ પોતાનું તેની સમજ આપી. મારું મન રોજ મારી અક્ષમ્ય એક ભૂલ બદલ રીતુની તથા ભગવાનની માફી માંગે છે.

