અધૂરો પ્યાર
અધૂરો પ્યાર
પ્રણય માટે કોલેજના આખરી વર્ષનો, એ આખરી કાર્યક્રમ હતો ‘ શામે શેરો શાયરી ‘નો. બધા ભાગકર્તાઓ પોતાની પ્રસ્તુતી એક પછી એક પેશ કરી રહ્યા હતા અને શ્રોતાઓ તેમા ઓતપ્રોત થતા રહ્યા. જેમ મનભાવતી ચીજ છેલ્લે રખાતી હોય છે, તેમ મયંકનુ નામ પણ ખાસ કરીને છેલ્લે રખાયુ હતું, જેથી કાર્યક્રનનું સમાપન યથાર્થ રીતે થાય. મયંકની શાયરીઓની પેશ કરવાની અનેરી લઢણ હતી અને પુરી કોલેજ દીવાની હતી એના દ્વારા પેશ કરાતી શાયરીઓની. પ્રણયના ખાસ દોસ્તાર મયંકની છેલ્લી વારી આવી સ્ટેજ ઉપર શેરો શાયરીઓ પ્રસ્તુત કરવાની.
મયંકનુ નામ આવતા જ, આખો હોલ તાડીઓના ગડગડાટથી ગુંજી રહ્યો અને માહોલમા અનેરી ઉતેજના પ્રગટી. સાંજનો મસ્ત મસ્ત પવન વહેતો હતો અને જવાન દિલો ને વધુ જવાન, વધુ માદક બનાવતો હતો. બરાબર એ જ સમયે વાદળો ગોરંભાયા, ધીમી ધીમી બુંદાબારી શરુ થઇ, વાતાવરણમા મિટ્ટીની મસ્ત મહક મહેકી ગઇ, મોર ગહેકવા લાગ્યા હતા પક્ષીઓ ચહેકવા લાગ્યા હતા અને એ મસ્ત માહોલમા મયંકે પોતાની જવાન દિલો માટેની મસ્ત મસ્ત પ્રસ્તુતીઓ પેશ કરી ગુજરાતી અને હિંદી શાયરીઓ માં.
જૈસા મુડ વૈસા મંજર હોતા હૈ,
મોસમ તો ઇંસાન કે અંદર હોતા હૈ.
દુનિયાને પ્રેમ કરવા લીધો હતો જનમ,
એમા તમે જરાક વધારે ગમી ગયા.
તેરા જીક્ર હૈ યા ઇત્ર,
જબ જબ કરતા હું, મહકતા હું.
મેરી ખ્વાહીશે તો આસમાન તક પહુંચને કી હૈ,
પર મેરા ચાંદ ધરતી પર હી હૈ.
તેરે હુસ્ન કો પરદે કી જરુરત હી ક્યા હૈ,
કોન હોશમે રહતા હૈ, તુઝે દેખને કે બાદ?
તું મિલ ગઇ તો મુઝ સે નારાજ હૈ ખુદા,
કહતા હૈ કી, તુ અબ કુછ માંગતા હી નહીં .
કોરો હતો હું ભર વરસાદમાં,
તમે છત્રી આપીને હું ભીંજાઇ ગયો.
અભિમન્યુના સાત કોઠા જેવી છે તારી આંખો,
એમાં ગયા તો પછી પાછુ ક્યા વળાય છે?
હું લખુ અને તું વાંચે,
પછી તો શબ્દો નટવર થઇ ને નાચે .
દરેક શાયરીઓની વચ્ચે, મયંક એવો મસ્ત રીતે અટકી જતો, એવી સમસ્ત રીતે હલક આપતો કે દરેક ને એવો એહસાસ થાતો કે આ શાયરી તો મારા માટે જ ખાસ છે. મસ્ત મઝાના મોસમમા, મયંકની દરેક દરેક શાયરી જવાન દિલોને તરબતર કરતી રહી અને પબ્લીકની સાથે પ્રણય પણ દાદ આપતો રહ્યો અને તાળીઓ પાળતો રહ્યો. પણ સાથે સાથે, પ્રણયની નજર તો એની પ્રીત એવી, પ્રીતિને જ શોધતી રહી. આવી જવાન દિલોની શાયરીમા, તેને દરેક જગ્યાએ પ્રીતિનો જ ભાસ થતો, આભાસ થતો.
મયંકે છેલ્લી શાયરી બોલી અને પોતાની રજુઆતને પુર્ણ કરી. એની પ્રસ્તુતીની છેલ્લી શાયરી હતીઃ
‘પ્યાર કહાં કીસીકા પૂરા હોતા હૈ, પ્યાર કા તો પહલા અક્ષર હી અધૂરા હોતા હૈ’
મયંકના માનમા દરેક દરેક જણ ઉભો થઇ ને તાળી વગાળતા રહ્યા. બધા વાહ વાહ કરતા હતા અને પ્રણય પણ વાહ વાહમા જોડાયેલ હતો. પરંતુ, પ્રણયને ક્યાં કબર હતી કે એની વાહ, આહ મા ફેરવાઇ રહી હતી. એનો પ્રેમ, એનો પ્યાર પણ અધૂરો જ રહી જવાનો હતો.
પ્રણયની છાપ કોલેજમા, હીરો જેવી, ઉડાઉ, રંગીન અને રોનકી તરીકેની હતી. એના બેફિકરા અને ખુશમિજાજ પર્સનાલીટી પર પ્રીતિ મોહી પડી હતી અને બન્ને વચ્ચે ક્યારે પ્રેમનો પમરાટ પ્રસરી ગયો એ બન્નેને પણ ખ્યાલ ના રહ્યો. બન્નેને એક બીજા વગર ચાલે તેમ ન હતું. છુપકે છુપકે બન્ને એક બીજાને મળતા રહેતા અને બન્નેએ એકબીજા સાથે જીવન જીવવાના વાયદાઓ કરી લીધા હતા.
પરંતુ, પ્રીતિ ના મમ્મી-પપ્પા આ સંબંધ સાથે સહમત ન હતા. તેમને પ્રણય જેવો છોકરો કોઇ કાળે મંજૂર ન હતો. પૂરા ઘરમા આ સંબંધને રહીને કલહ રહેતો, ઘરની શાંતિ ડહોળાઇ ગઇ હતી. પ્રીતિની મમ્મીએ તો બહાર નીકળવાનું અને ખાવાનું છોડી દીધું હતુ. પુરા ઘર મા તનાવ રહેતો અને બીક રહેતી ક્યાં કોઇ અજુગતો બનાવ ના બની જાય.
એક દિવસ, પ્રીતિના પપ્પાએ, પ્રીતિને પ્રણયના અસલી સ્વરૂપની પહેચાન કરાવી, એના સ્વરૂપનું સાક્ષાત્કાર કરાવ્યુ. જુગાર રમતો પ્રણય એક કલબમા પુરો પીધેલો હતો અને એક સફાઇ કર્મચારી, જેણે પોતાની પત્નીને માર માર્યો હતો તેની ખુબ પિટાઈ કરી રહ્યો હતો. પ્રણયનું આવુ સ્વરૂપ જોઇને પ્રીતિ તો ઢકરાઇ ગઇ, હરોરી ગઇ. પ્રીતિના તો બધા સપનાઓ એક જ ઝટકે સળગી ને એવા ખાખ થઇ ગયા કે રાખ પણ ના બચી. તેનુ નૂર હણાઇ ગયુ અને હૂર જાણે કે તણાઇ ગયુ પ્રણયનું આવુ સ્વરૂપ જોઇને.
આવી પરિસ્થિતિમાં, જિંદગીની આવી અસંમજસમા, કુટુંબના દબાવ સામે, પોતાના જ સમાજમાં સામેથી આવેલ પ્રતીકના માંગા માટે પ્રીતિ મને કમને સહમત થઇ ગઇ અને બહુ જલ્દીથી બધુ આટોપાઇ ગયુ અને લગ્ન પણ થઇ ગયા. બધુ એટલું બધુ જલ્દી નીપટી ગયું કે પ્રીતિ જાણે કે જિંદગીના પ્રસંગો સાથે ઢસડાઇ રહી હતી. પ્રીતિ, પ્રણયને ના પામવાના દુઃખ અને પ્રતીક જેવા સારા જીવન સાથી મળ્યાના સુખ વચ્ચે પીસાતી રહેતી.
દરમ્યાનમા, પ્રણય તરફથી એક પત્ર મલ્યો પ્રીતિને. પત્ર મળતા જ પ્રીતિ આતંકિત થઇ ગઇ અને વાંચુ કે ના વાંચુ ની અવઢવ વચ્ચે તેણે પત્ર વાંચવાનુ ચાલુ કરી નાખ્યુઃ
પ્રિય પ્રીતિ
તને ન પામી શકવાના અફસોસ સાથે આ પત્ર લખું છું. મને ખબર નથી કે તું આ પત્ર વાંચીશ કે નહીં. પણ મારા મનની તસલ્લી માટે આ પત્ર લખ્યો છે. તું જો આ પત્ર વાંચીશ તો મને એક સંતોષ રહેશે. મારી ગતની તો મને ખબર નથી, પણ મારી દશા અને અવદશા વિષે તને અવગત કરાવવી છે જેથી મારો જીવ અવગતે ન જાય. હું તને કેટલા દિલથી ચાહું છે એનું પ્રમાણ કોઇ શબ્દો આપી શકે એમ નથી.
મને તારા મમ્મી-પપ્પા સામે કોઇ શિકાયત કે દોષ નથી. એમની જગ્યાએ કોઇ પણ હોત તો મારા જેવી ‘વંઠેલ’ ની છાપ ધરાવતા છોકરા માટે હા ન જ પાડ્ત.
મારી છાપ વિષે, મારી આદતો વિષે, મારા સ્વભાવ વિષે હું સચેત છું અને તારા સાથે ખુલ્લા દિલથી વાત કરવાનો જ હતો. મારા સ્વભાવ પાછળ, મારી ખરાબ આદતો પાછળ, મારા આક્રોષ પાછળનું કારણ મારા પિતાજી રહ્યા છે. મારા પિતા, મારી મમ્મી ઉપર ખુબ જ અત્યાચાર કરતા અને બચપનથી હું આ અત્યાચારનો મૂક સાક્ષી રહ્યો છું. મારા બાળ માનસ ઉપર આની ખુબ જ વિપરીત અસર થઇ જે મારી પુરી જીંદગી પર હાવી રહી. સામે મારા પિતાજી હતા એટલે હું ઘણી બધી રીતે બંધાયેલો રહ્યો છું. મારો ગુસ્સો, ઘણી વાર હું બીજા ઉપર ક।ઢી નાખતો જેનો મને પાછળથી અફસોસ પણ રહેતો. એક વાર મેં અમારી કલબના સફાઇ કર્મચારી ઉપર પણ ગુસ્સો કાઢ્યો હતો, જે પોતાની પત્નીને મારતો હતો અને તેની પત્ની એ આ અંગે મને શિકાયત કરી હતી.
પણ, મેં મનોમન નક્કી કરી લીધું હતું કે જે દિવસ થી તું મારી જિંદગીમા આવીશ, તે દિવસ થી હું ખરેખર સુધરી જઇશ, મારી ખરાબ આદતોનો ત્યાગ કરી દઇશ અને એક સારી વ્યકિત તરીકે જિંદગી વિતાવી અને તને દુનિયા ભર નો પ્રેમ આપીશ. મારી મા ઉપર, મારા પિતા દ્વારા જ થતા અત્યાચારને જોઇને મનોમન મારા મનમા એવા વિચારો રહેતા કે હું તો મારી પત્નીને ફૂલ ની જેમ સાચવીશ. આ બધી વાતો હું તને રૂબરૂ સમજાવવાનો જ હતો. મારી પુરી દુનિયા, તારી દુનિયામા જ સમેટી દેવી હતી મારે. પણ, મારી કિસ્મતમા તું હતી જ નહી અને હું મોળો પડ્યો અને મોડો પણ પડયો.
તને નથી પામી શક્યો એટલે મારી જિંદગીમા તો કદાચ ઇચ્છનીય ફેરફાર તો નહીં આવી શકે, મારી પ્રકૃતિ તો કદાચ નહીં બદલે. હવે, મે એક જીદ એ પણ કરી છે કે મારા આ જીવન મા તો હવે હું કોઇનો પણ નહી થાઉ, આજીવન લગ્ન નહીં કરુ. આવતા જન્મે, હું એક સારા છોકરા તરીકે રહીશ અને આવતા જન્મમા મને તું મળે એ માટે પ્રયત્નો કરીશ, ભગવાન જેવું કાંઇ હોય તો તેમને પ્રાર્થના કરીશ આવતા જન્મમા તને પામવા માટે.
મારી આ જિંદગીમા જો હું તને કે તારા કુટુંબને કાંઇ કામ લાગીશ તો હું મારી જાત ને ધન્ય સમજીશ, જિંદગીમા કાંઇ પણ કામ પડે તો મને બેધડક યાદ કરીશ.
મારો આ પત્ર તને દુઃખ પંહોચાડવા નથી લખ્યો પણ તું મારા થી નફરત ન કરતી રહે અને હું તને આવતા જન્મમા પામી શકું એટલે જ લખ્યો છે. મને વિશ્વાસ છે કે તું મારી લાગણીઓની, મારી ભાવનાઓને, મારી પરિસ્થિતિને સમજી શકીશ અને એની કદર કરી શકીશ.
બાકી, મારી બાકી જિંદગી માટેનો એક શેર તારા માટે લખી ને હું મારા પત્ર ને વિરામ આપીશઃ
‘ જી રહા હું જિંદગી તેરે બગેર કુછ ઇસ તરહ, જૈસે કોઇ ગુનાહ કીયે જા રહા હું.
લિ. તારા આવતા જન્મનો સાથી.
પત્ર વાંચીને, પ્રીતિ તમતમી ગઇ. જિંદગીની સમજ, તેની સમજ બહાર થઇ ગઇ હતી. જિંદગીમાં બીજી કોઇ ચીજોનો અભાવ હતો નહી તો પણ જિંદગી પ્રત્યે તેને કોઇ ભાવ જાગતો ન હતો.
એક દિવસ, પોતાના પતિ પ્રતીક સાથે કાર મા પાછી આવી રહી હતી. કાર એક સેંસેટીવ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી. આ વિસ્તાર જાણીતો હતો ચાહીને નાનો મોટો અક્સ્માત કરી ને, કાર ના માલિક સાથે ઝગડો કરી ને તેમની પાસે થી રૂપિયા પડાવવા માટે. કાર જેવી આ વિસ્તારમાં પ્રવેશી, એક સ્કુટર વાળાએ ચાહીને કાર સાથે અકસ્માત કર્યો અને ત્યાં ચાર – પાંચ ગુંડાઓ એ પ્રતીક ને ઘેરી લીધો અને ઝગડો ચાલુ કરીને ફાવે તેવા રૂપિયા માંગવા લાગ્યા. પ્રતીકે કોઇ રીતે મચક આપી નહી એટલે ગુંડાઓએ મારામારી ચાલુ કરી અને પ્રતીક ની પિટાઈ ચાલુ કરી. પ્રતીકે એક્લા હાથે બરાબર જેવો પ્રતિકાર કર્યો, પણ સામે ચાર-પાંચ જણ હતા અને પ્રતીક એક્લો. પ્રીતિની બચાવ બચાવ માટે ની રાડારાડ ચાલુ હતી.
બરાબર તે જ સમયે પ્રણય ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેણે જોઇયું કે પ્રતીકની ખુબ ખરાબ હાલત હતી અને પ્રીતિ મદદ માટે પુકાર કરી રહી હતી, રડી રહી હતી. પ્રણય આવી ગયો મેદાન મા અને ગુંડાઓ ને બરાબરની લડત આપી રહ્યો હતો. ત્યાં સુધીમા તો પબ્લીક પણ ભેગી થઇ ગઇ હતી. ગુંડાઓ ને હવે બીક લાગી અને જલ્દબાઝી મા એક ગુંડાએ છરી કાઢી અને જોરથી પ્રતીક્ની સામે વિંઝી. પ્રણયની નજર મા આ છરીનું વિંઝાવુ આવી ગયું અને એ વિજળીવેગે પ્રતીક્ની ઢાલ બની ને ઉભો રહી ગયો. છરી પ્રણયની આરપાર નીક્ળી ગઇ અને ગુંડાઓ ત્યાંથી ભાગી ગયા.
પ્રીતિ એ જે દ્શ્ય જોયુ તો તેની આંખો ફાટી ને રહી ગઇ. પ્રણયનો લોહીથી લથપથ મૃતદેહ એક બાજુ પડયો હતો અને રસ્તા પર પ્રણયના શરીરમાંથી વહેલા લોહીમાંથી રસ્તા પર એક દિલના આકારની આકૃતિ બની ગઇ હતી. પ્રણયના મૃતદેહ નો હાથ પણ એવી રીતે પડ્યો હતો જાણે કે આવજો કરી ને કહી રહ્યો હોય કે પ્રીતિ, આ જન્મમા ભલે ના મળી શક્યા, આવતા જન્મમા જરુરથી મળશું.